Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

CAA પ્રદર્શન દરમિયાન નુક્સાન વસૂલીની યોગી સરકારની નોટિસ પર હાઇકોર્ટેનો રૂકજાવનો આદેશ

નોટિસ પર હાઈકોર્ટે બીજા આદેશ સુધી રોક લગાવી દીધી છે

 

નવી દિલ્હી : નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં પ્રદર્શન દરમિયાન થયેલા નુકસાનની વસૂલી અંગે અલાહાબાદ હાઈકોર્ટે મોટો નિર્ણય લીધો છે. હાઈકોર્ટે નુકસાનની વસૂલી અંગેની નોટિસ પર રોક લગાવી દીધી છે. સાર્વજનિક સંપત્તિને થયેલા નુકસાનને લઈને એડીએમ સિટી કાનપુરે નોટિસ જાહેર કરી હતી. આ નોટિસ પર હાઈકોર્ટે બીજા આદેશ સુધી રોક લગાવી દીધી છે.

કાનપુરના મોહમ્મદ ફૈઝાનને કોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેણે 4 જાન્યુઆરી 2020ના રોજ એડીએમ દ્વારા જાહેર કરેલી નોટિસને પડકારી હતી. અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો કે, સુપ્રીમ કોર્ટ દ્વારા જાહેર સંપત્તિને નુકસાનીના મામલે ગાઈડલાઈન નક્કી કરવામાં આવી છે. જેનું પાલન યોગી સરકારે કર્યું નથી.

અરજીકર્તાનું કહેવું છે કે, SCની ગાઈડલાઈન અનુસાર જાહેર સંપત્તિને નુકસાન થયું છે તેનું આંકલન કરવાનો અધિકાર હાઈકોર્ટના સીટિંગ કે સેવાનિવૃત્ત જજ અથવા જિલ્લા જજને છે. એડીએમ સિટીને નોટિસ જાહેર કરવાનો અધિકાર નથી. ઉત્તર પ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટના આદેશના અનુપાલનમાં નિયમો બનાવ્યા છે, જે સુપ્રીમ કોર્ટ સમક્ષ વિચારાધીન છે.

અરજી પર સુનાવણી કરતા જસ્ટિસ પંકજ નકવી અને જસ્ટિસ એસ એસ શમશેરીની બેંચે નુકસાનની વસૂલી માટે જાહેર કરવામાં આવેલી નોટિસ પર રોક લગાવી દીધી છે.

સરકારી વકીલે અરજીનો વિરોધ કરતા કહ્યું કે, કારણ કે મામલો સુપ્રીમ કોર્ટમાં વિચારાધીન છે અને સુપ્રીમ કોર્ટે કોઈ અંતરિમ રાહત આપી નથી માટે નોટિસ પર રોક લગાવવામાં આવે નહીં. કોર્ટે સરકારી વકીલની તે દલીલનો અસ્વીકાર કરતા કહ્યું કે, સુપ્રીમ કોર્ટ એક જનહિત અરજી પર સુનાવણી કરી રહ્યું છે. જ્યારે અહીં અરજીકર્તાએ વ્યક્તિગત રીકે નોટિસ જાહેર કરનારા અધિકારીના અધિકારને પડકાર્યો છે. આ સ્થિતિમાં સુપ્રીમ કોર્ટનો કોઈ નિર્ણય આવે ત્યાં સુધીમાં નોટિસ પર રોક લગાવવામાં આવે છે.

(12:09 am IST)