Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

બધા પેટ્રોલિયમ પ્રોડકટ્સના સંરક્ષણનો સંદેશો ફેલાવાયો

તેલ, ગેસ સંરક્ષણ ઝુંબેશ સક્ષમનું આખરે સમાપન : સમગ્ર મહિના દરમ્યાન જુદી જુદી રેલીઓ, કાર્યક્રમો અને સાયકલોથોન મારફતે તેલ-ગેસ સંરક્ષણની ઝુંબેશ ચાલી

અમદાવાદ,તા. ૧૮ : તેલ, ગેસ સહિતની પેટ્રોલિયમ પ્રોડક્ટસનું સંરક્ષણ, તેની જાળવણી અને તેનો સૂઝબૂઝ સાથે ઉપયોગ કરવાની જાગૃતિ ફેલાવવાના આશયથી યોજાયેલ સક્ષમ ૨૦૧૯નું આખરે સમાપન થયું છે. સમગ્ર માસ દરમ્યાન વિવિધ રેલી, કાર્યક્રમો અને સાયકલોથોન મારફતે તેલ અને ગેસ સંરક્ષણની ઝુંબેશ ચલાવવામાં આવી હતી. અમદાવાદ સહિત રાજયભરમાં સેંકડો કાર્યક્રમો યોજી આ અંગેની ઝુંબેશ ચલાવી નાગરિકોમાં જાગૃતતા ફેલાવાઇ હતી કે, જેથી ભવિષ્યમાં આવનારી પેઢીઓને તેલ, ગેસ સહિતની પેટ્રોલિયમ પ્રોડ્કટસ સહિતની કુદરતી સંપદાની ધરોહર પ્રાપ્ય બની રહે. તેલ અને ગેસ સંરક્ષણ ઝુંબેશનું આયોજન તા.૧૬ જાન્યુઆરી, ૨૦૧૯થી તા. ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૯ દરમિયાન યોજવામાં આવ્યું હતું. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની કચેરીમાં યોજાયેલા સમાપન સમારંભમાં ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિ., ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. અને ગેઈલ (ઈન્ડિયા) લિ. જેવી કંપનીઓએ પીસીઆરએનાં સહયોગમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ઓઈલ માર્કેટીંગ કંપનીઓનાં અધિકારીઓ, ડિલરો અને ડિસ્ટ્રીબ્યુટરો હાજર રહ્યા હતાં. આ કાર્યક્રમમાં ઓઈલ ઉદ્યોગનાં રાજ્યકક્ષાનાં સંયોજક શ્રી એસ એસ લાંબા મુખ્ય મહેમાનપદે ઉપસ્થિત રહ્યા હતાં. તેમણે પોતાનાં આવકાર પ્રવચનમાં પેટ્રોલિયમ પ્રોડક્ટસનાં ડહાપણપૂર્વકના વપરાશ, ભવિષ્ય માટે તેનું સંરક્ષણ અને પર્યાવરણનાં રક્ષણની જરૂરિયાત પર ભાર મુક્યો હતો. આ કાર્યક્રમમાં શ્રી મનોજ કુમાર સિંહા, જનરલ મેનેજર (ઈન્સ્ટિટ્યુશન લ્યુબ્સ) અને ડો. રાજીવ શ્રીવાસ્તવ, સિનિયર મેનેજર (ટીએસ), ગુજરાત રાજ્ય ઓફિસ, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, શ્રી રાજેન્દ્રકુમાર, ચીફ ઝોનલ જનરલ મેનેજર, ગેઈલ (ઈન્ડિયા), શ્રી આર મહેતાણી, સીજીએમ- રિટેલ્સ એચપીસીએલ અને શ્રી રોહિત મોહિતે (ટેરીટરી મેનેજર ઈન્ડસ્ટ્રીયલ – અમદાવાદ), બીપીસીએલ, ગુજરાત પ્રાસંગિક પ્રવચનો કર્યા હતાં.

 

 

 

 

 

 

 

(10:25 pm IST)