Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

ભાજપ-શિવસેના સાથે મળી ચુંટણી લડવા આખરે સહમત

ભાજપ ૨૫ અને શિવસેના ૨૩ સીટ પર લડશે : છેલ્લા ઘણા દિવસથી ચાલી રહેલી ખેંચતાણનો અંત થયો

મુંબઈ, તા. ૧૮ : મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના લોકસભા અને વિધાનસભાની ચુંટણી સાથે મળીને લડવા માટે સહમત થઈ ગયા છે. બંંને પાર્ટીઓ વચ્ચે બેઠકોની વહેંચણીને લઈને પણ સમજૂતિ થઈ ચુકી છે. ભાજપ ૨૫ અને શિવસેના ૨૩ સીટો ઉપર ચુંટણી લડશે. વિધાનસભા ચુંટણીમાં બંને પાર્ટી બરોબર સીટો પર ચુંટણી લડશે. આજે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં ભાજપ પ્રમુખ અમિત શાહ, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જાહેરાત કરી હતી કે બંને પાર્ટી સાથે મળીને ચુંટણી લડશે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે બેઠકોની વહેંચણી પહેલા બંને પાર્ટીઓ વચ્ચે રામ મંદિરના મુદ્દાને લઈને ચર્ચા થઈ હતી. રામ મંદિર પર અમારા અને શિવસેનાના મત એક છે. હાલનો સમય મતભેદ ભુલી જઈને સાથે આવવાનો છે. કેટલાક લોકો ભાજપ અને શિવસેનાને લડાવવા માંગે છે પરંતુ  બંને પાર્ટીઓ સાથે મળીને ચુંટણી લડવા તૈયાર છે. બંને પાર્ટીઓ વચ્ચે મતભેદો છે પરંતુ વિચારો એક છે. ફડણવીસે કહ્યું હતું કે શિવસેના તરફથી ખેડુતોનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો છે. આને લઈને પણ સહમતી થઈ છે. તમામ રાષ્ટવાદી પાર્ટીઓ એક સાથે આવે તે જરૂરી છે. બંને પાર્ટીઓ ૨૫ વર્ષથી એક સાથે છે. છેલ્લી ચુંટણીમાં અમે સાથે ન હતા છતાં પણ સાથે રહીને સરકાર ચલાવી હતી.

 બંને પાર્ટી સૈદ્ધાંતિક રીતે રાષ્ટ્રવાદી હિન્દુ પાર્ટીઓ છે. ઉદ્ધવે કહ્યું હતું કે અમારા મન સાફ છે. અટલ બિહારી વાજપેયીને સરકારમાં પણ અમે હતા. તે વખતે પણ મંદિર મુદ્દો ઉઠાવ્યો હતો. ઠાકરેએ આજે વડાપ્રધાનની પાક વીમા યોજનાનું સ્વાગત કર્યું હતું. અમિત શાહે કહ્યું હતું કે શિવસેના અને અકાલીદળે હંમેશા ભાજપનો ખરાબ અને સારા સમયમાં સાથ આપ્યો છે

(10:23 pm IST)