Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

પુલવામા નિવેદન મુદ્દે વિધાનસભામાં સિધ્ધુ અને અકાલી ધારાસભ્યો સામસામે આવી ગયા

સિધ્ધુ વિરૂધ્ધ પંજાબની વિધાનસભામાં ભારે નારેબાજી થઇ

અમૃતસર તા. ૧૮ : પુલવામા હુમલા બાદ પોતાના નિવેદનોને લઈને સતત ચર્ચામાં રહેલા પંજાબ સરકારમાં મંત્રી નવજોત સિંહ સિદ્ઘુની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ જ નથી લઈ રહ્યું. તેમને ભારે ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. સિદ્ઘુ વિરૂદ્ઘ પંજાબની વિધાનસભામાં ભારે નારેબાજી થઈ છે.

શિરોમળી અકાલી દળના નેતાઓએ સિદ્ઘુના નિવેદન પર તેમનું સ્પષ્ટિકરણ માંગ્યુ છે. આ દરમિયાન ગરમા-ગરમી એ હદે વધી ગઈ અને ધારાસભ્યો રીતસરના એકબીજાની સામે આવી ગયા છે.

ઉલ્લેખનીય છે કે, પુલવામા હુમલા બાદ સિદ્ઘુએ કહ્યું હતું કે, કેટલાક લોકોના કારણે તમે શું આખા દેશને જવાબદાર ઠેરાવી શકો? શું એક વ્યકિતને દોષીત ઠેરવી શકાય? સિદ્ઘુએ એમ પણ કહ્યું હતું કે, પાકિસ્તાન સાથે વાતચીત કરીને જ તમામ મુદ્દાઓનું સમાધાન લાવવું જોઈએ. તેમના આ નિવેદન પર પંજાબ વિધાનસભામાં આજે ભારે હોબાળો થયો. અકાલી દળના ધારાસભ્યો માંગણી કરી રહ્યાં હતાં કે, સિદ્ઘૂ પાસે આ નિવેદન બદલ સ્પષ્ટિકરણ માંગવામાં આવે. સરકારને સિદ્ઘુ વિરૂદ્ઘ કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી. આ દરમિયાન વિધાનસભામાં ભારે ગરમાગરમી થઈ.

અકાલી દળના ધારાસભ્યો અને સિદ્ઘુ રીતસરના સામસામે આવી ગયા હતાં. બંને વચ્ચે તીખી ચર્ચાઓ થઈ. બંને એકબીજા સામે હાથ લાંબા કરીને જોરજોરથી બોલી રહ્યાં હતાં. સ્પીકરે બંને પક્ષોને શાંત કરાવવા પ્રયાસ કર્યો. ઝીરો અવર્સ નથી ચાલી રહ્યો માટે સૌકોઈને શાંત થવાની અપીલ પણ કરવામાં આવી. અકાલી દળના નેતા વિરસા સિંહ વલટોહાએ કહ્યું હતું કે, જયારે દેશ આખો દુખી છે ત્યારે સિદ્ઘુ આતંકવાદને જસ્ટિફાઈ કરી રહ્યાં છે. સિદ્ઘુને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની નજીક હોવાનો લાભ મળી રહ્યો છે.

અગાઉ આ વિવાદીત નિવેદન બદલ સિદ્ઘુને કોમેડી ટીવી શો 'ધ કપિલ શર્મા શો'માંથી પણ હાંકી કાઢવામાં આવ્યા હતાં.(૨૧.૨૯)

(3:45 pm IST)