Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

પાકિસ્તાન ફફડવા લાગ્યું : દિલ્હી સ્થિત પોતાના હાઇ કમિશ્નરને તત્કાલ ઇસ્લામાબાદ તેડાવ્યા

અમે અમારા હાઇકમિશ્નરને ચર્ચા માટે ભારતથી બોલાવ્યા છે : પાક. વિદેશ મંત્રાલયનું ટ્વિટ

નવી દિલ્હી તા. ૧૮ : જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આત્મઘાતી હુમલા બાદ ભારત દ્વારા પાડોશી દેશ પાકિસ્તાનની વિરૂદ્ઘ કડક વલણ અપનાવ્યા બાદ ઇસ્લામાબાદે નવી દિલ્હી સ્થિત પોતાના હાઇકમિશ્નર સોહેલ મહમૂદને ચર્ચા માટે પાછા બોલાવ્યા છે. આપને જણાવી દઇએ કે પુલવામા હુમલા બાદ ભારતે પણ ઇસ્લામાબાદથી પોતાના હાઇકમિશ્નર અજય બિસારિયાને ભારત પાછા બોલાવી લીધા હતા.

પાકિસ્તાન વિદેશ મંત્રાલયના પ્રવકતા મોહમ્મદ ફૈસલે ટ્વીટ કરી કહ્યું કે અમે અમારા હાઇકમિશ્નરને ચર્ચા માટે ભારતથી પરત બોલાવ્યો છે. તેઓ નવી દિલ્હીથી આજે સવારે પાકિસ્તાન માટે રવાના થઇ ગયા છે.

ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફ જવાનો પર આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સ્થિત પોતાના હાઇકમિશ્નરને બોલાવ્યો હતો. આ હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાન શહીદ થઇ ગયા હતા. પુલવામા હુમલાના ગુનેગારોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે તેઓ ગમે ત્યાં છુપાયા હશે બચશે નહીં.

ભારતીય વિદેશ સચિવે ગયા શુક્રવારે પાકિસ્તાનના હાઇકમિશ્નરને હુમલાને લઇ બોલાવ્યા હતા અને વિરોધ વ્યકત કરાવ્યો હતો. વિદેશ સચિવ વિજય ગોખલે એ ભારતમાં પાકિસ્તાનના હાઇકમિશ્નર સોહેલ મહમૂદને બોલાવ્યા હતા. સૂત્રોના મતે વિદેશ સચિવે પુલવામામાં આતંકી હુમલા સાથે જોડાયેલ એક કડક 'ડિમાર્શ'(કૂટનીતિક રીતે વિરોધ નોંધાવા) પણ ચાલુ કર્યો છે.

સૂત્રો એ કહ્યું હતું કે વિદેશ સચિવે પાકિસ્તાનને સ્પષ્ટ કહ્યું છે કે તેમને જૈશ-એ-મોહમ્મદની વિરૂદ્ઘ તાત્કાલિક નક્કર પગલાંની કાર્યવાહી કરવી જોઇએ. ભારતે પાકિસ્તાનને એમ પણ કહ્યું છેકે તેને તરત જ પોતાની સરજમીનથી સંચાલિત ગ્રૂપો કે એ વ્યકિતઓ પર લગામ લગાવી જોઇએ જે આતંકી ગતિવિધિઓમાં સામેલ છે. (૨૧.૩૩)

(3:44 pm IST)