Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

પુલવામા : ત્રાસવાદીઓ સાથે અથડામણ મેજર સહિત ૪ જવાનો શહીદ

ગઇરાત્રે દોઢ વાગ્યે શરૂ થયેલી અથડામણ સવાર સુધી ચાલુઃ ૧ ઘાયલ

શ્રીનગર તા. ૧૮ : જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ દેશભરમાં આક્રોશ છે. સરકારની તરફથી છૂટો દોર મળ્યા બાદ સુરક્ષાબળોએ ઘાટીમાં આતંકીઓની વિરૂદ્ઘ એકશન લેવાનું શરૂ કરી દીધું છે. સોમવાર સવારે પુલવામાં જિલ્લામાં સુરક્ષાબળોએ આતંકીઓની વિરૂદ્ઘ ઓપરેશન છેડી દીધું છે. મળતી માહિતી પ્રમાણે આ એન્કાઉન્ટરમાં મેજર રેન્કના ઓફિસર સહિતા ૪ જવાન અને નાગરિકનું મોત થયું છે.છેલ્લાં ત્રણ કલાકથી કોઇ ફ્રેશ ફાયરિંગ થયું નથી, જો કે સર્ચ ઓપરેશન ચાલુ છે. કહેવાય છે કે જે આતંકીઓને ઘેરવામાં આવ્યા છે તે જૈશ-એ-મોહમ્મદના જ છે. આ તમામ આદિલ અહમદ ડારના સાથીઓ અને સંબંધીઓ હોવાની આશંકા છે. આ એન્કાઉન્ટરમાં એક સ્થાનિક નાગરિકનું પણ મોત થયું છે. આ અથડામણમાં ચારેય બાજુથી આખા વિસ્તારને ઘેરી લેવાયો છે. વહેલી સવારથી ચાલતા એન્કાઉન્ટરમાં ઘાયલ જવાનોને શ્રીનગર આર્મી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પુલવામા જિલ્લામાં હાલ ઇન્ટરનેટ બંધ કરી દેવાયું છે.

૧૪મી ફેબ્રુઆરીના રોજ એટલે કે ગુરૂવારે પુલવામા જિલ્લામાં સીઆરપીએફના કાફલા પર આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાનો શહીદ થયા હતા. પુલવામામાં સીઆરપીએફના કાફલા પર એટેકને લઇ આખા દેશમાં આક્રોશ છે. પુલવામા હુમલા બાદ કેન્દ્ર સરકાર પણ એકશનમાં છે.(૨૧.૫)

(11:56 am IST)