Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

દેશની કુલ સંપત્તિનો ૪૧ ટકા હિસ્સો સવર્ણ હિન્દુઓ પાસેઃ અભ્યાસ

આર્થિક અસમાનતા તો છે જ પરંતુ હવે એક નવા અભ્યાસમાં આર્થિક અસમાનતામાં જાતિ પણ મહત્વની ભૂમિકામાં: સૌથી વધુ સંપત્તિ મહારાષ્ટ્રના લોકો પાસેઃ ઓડિસા, ઝારખંડ, બિહાર, ઉત્તરાખંડ, હિમાચલ વગેરે રાજ્યોના લોકો ગરીબઃ મહારાષ્ટ્ર બાદ યુપી અને કેરળ, તામિલનાડુ સૌથી વધુ પૈસાદાર રાજ્ય

નવી દિલ્હી, તા. ૧૮ :. એ તો બધાને ખબર છે કે ભારતમાં આર્થિક અસમાનતા વધુ છે પરંતુ હવે એક અભ્યાસમાં એ બાબત સામે આવી છે કે, આર્થિક અસમાનતામાં જાતિવાદ પણ જોવા મળે છે. આ અભ્યાસ અનુસાર દેશની કુલ સંપતિનો ૪૧ ટકા ભાગ એવા હિન્દુ સવર્ણોની પાસે છે જેની જનસંખ્યામાં હિસ્સેદારી ૨૫ ટકા પણ નથી.

વેલ્થ ઓનરશીપ એન્ડ ઈનઈકવીલીટી ઈન ઈન્ડીયાઃ ધ સોશ્યો રીલીઝીયશ એનાલીસીસ શિર્ષકવાળા આ અભ્યાસ અનુસાર અનુ.જાતિના લોકોના મુકાબલે હિન્દુઓની કથીત ઉચ્ચ જ્ઞાતિઓ એટલે કે સવર્ણો પાસે ૪ ગણી વધુ સંપત્તિ છે. અભ્યાસ અનુસાર દેશમાં હિન્દુ ઉચ્ચ જ્ઞાતિઓની જનસંખ્યામાં હિસ્સેદારી લગભગ ૨૨.૨૮ ટકા છે, પરંતુ કુલ સંપત્તિમાં તેમનો હિસ્સો તેમનાથી ડબલ એટલે કે ૪૧ ટકા સુધી છે. હિન્દુ અન્ય પછાત વર્ગની વસ્તી લગભગ ૩૫.૬૬ ટકા છે અને તેમની દેશની કુલ સંપત્તિમાં હિસ્સેદારી ૩૧ ટકા છે. આ પ્રકારે એસ.સી. - એસ.ટી.ની કુલ જનસંખ્યામાં હિસ્સેદારી લગભગ ૨૭ ટકા છે પરંતુ દેશની સંપત્તિમાં તેમની હિસ્સેદાર માત્ર ૧૧.૩ ટકા છે.

અભ્યાસ અનુસાર સંપત્તિના બે મુખ્ય વર્ગ જમીન અને મકાન - ઈમારત માનવામા આવે છે અને કુલ સંપત્તિમાં તેનો હિસ્સો લગભગ ૯૦ ટકા છે. એટલુ જ નહિ દેશમાં જે અસમાનતા છે તેમા ૮૩ ટકા હિસ્સો આ બે વર્ગમાંથી છે. અભ્યાસ મુજબ દેશની કુલ સંપત્તિના ૧૭.૫ ટકા હિસ્સો મહારાષ્ટ્રમાં, ૧૧.૬ ટકા યુપી, ૭.૪ ટકા કેરળ, ૭.૨ ટકા તામીલનાડુ અને ૬ ટકા હરિયાણા છે. ઓછી સંપત્તિવાળા ગરીબ લોકોની વાત કરીએ તો તેમા ઓડીસા, હિમાચલ અને ઉત્તરાખંડ જેવા રાજ્યો છે.

પંજાબ, હરીયાણા, મહારાષ્ટ્ર, મ.પ્રદેશ, પ.બંગાળ, તામીલનાડુ અને આંધ્રમાં સંપત્તિનો ૭૦ ટકા હિસ્સો ટોચના ૨૦ ટકા પરિવારો પાસે છે. બીજી તરફ ઝારખંડ, ઓરિસ્સા, બિહાર જેવા રાજ્યોના ૨૦ ટકા સૌથી વધુ ગરીબ પરિવારો પાસે માત્ર ૨ ટકા સંપત્તિ છે.(૨-૪)

 

(10:09 am IST)