Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

પુલવામા એટેક ઇફેક્ટ : અંતે પાંચ અલગતાવાદીની સલામતી ખેંચાઈ

સરકારી સુવિધા અને સુરક્ષા તરત પરત લેવાનો કઠોર આદેશ : પુલવામા હુમલા બાદ કટ્ટરપંથીઓ સામે પણ કાર્યવાહીની શરૂઆત : કટ્ટરપંથી લીડરોના ત્રાસવાદી સંગઠનો અને આઈએસઆઈ સાથે સંબંધ હોવાની શંકા

નવીદિલ્હી, તા. ૧૭ : પુલવામામાં સીઆરપીએફના કાફલા ઉપર ભીષણ હુમલો કરવામાં આવ્યા બાદ કેન્દ્ર સરકાર દ્વારા એક પછી એક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. જમ્મુ કાશ્મીર વહીવટીતંત્ર અને કેન્દ્ર સરકાર તરફથી વધુ કેટલાક નિર્ણય આજે લેવામાં આવ્યા હતા જે આતંકવાદને રોકવામાં અસરકારક સાબિત થશે. આજે મોટા નિર્ણયના ભાગરુપે તમામ કટ્ટરપંથી અને અલગતાવાદી નેતાઓને આપવામાં આવેલી સુરક્ષા તાત્કાલિક ધોરણે પરત ખેંચવાનો નિર્ણય કરાયો હતો. જે અલગતાવાદી કટ્ટરપંથી નેતાઓને રાજ્યની સુરક્ષા અને અન્ય સુવિધા પરત ખેંચવામાં આવી છે તેમાં મિરવાઈઝ ઉંમર ફારુક, અબ્દુલ ગની ભટ્ટ, બિલાલ લોન, હાસીમ કુરૈશી અને શબ્બીર શાહનો સમાવેશ થાય છે. શુક્રવારના દિવસે તેમની શ્રીનગરની મુલાકાત બાદ ગૃહમંત્રી રાજનાથસિંહ તરફથી આ અંગેનો નિર્ણય લેવા સંકેત મળ્યા હતા. એવું પણ જાણવા મળ્યું છે કે, આક્રમક કાર્યવાહીની શરૂઆત હજુ જારી રહી શકે છે. પાકિસ્તાન અને તેની જાસુસી સંસ્થા આઈએસઆઈ તરફથી ફંડ મેળવી રહેલા લોકોની સુરક્ષાની સમીક્ષા કરવા અગાઉ નિર્ણય લેવાયો હતો. જમ્મુ કાશ્મીરમાં રહેલા કેટલાક તત્વોના આઈએસઆઈ અને આતંકવાદી સંગઠનો સાથે કનેક્શન હોવાના અહેવાલ આવતા રહ્યા છે. સુરક્ષાની સમીક્ષા હવે કરવામાં આવી રહી છે. કાશ્મીરના પુલવામા જિલ્લામાં સીઆરપીએફના કાફલા પર હુમલો કરવામાં આવ્યા બાદ ગૃહમંત્રીએ આ મુજબની વાત કરી હતી. હિઝબુલ મુઝાહીદ્દીનના આતંકવાદીઓએ ઉંમરના પિતા મિરવાઈઝ ફારુકની ૧૯૯૦માં હત્યા કરી હતી. ૨૦૦૨માં પણ આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આકસ્મિકરીતે કાશ્મીરમાં અન્ય બે નેતાઓ તહેરિકે હુર્રિયતના સૈયદ અલીશાહ ગિલાની અને જમ્મુ કાશ્મીર લિબ્રેશન ફ્રન્ટના યાસીન મલિક આ યાદીમાં નથી. કારણ કે, મલિક પાસે સરકારી સુવિધા નથી અને કોઇ સુરક્ષા છત્ર પમ નથી. ગિલાની નજરકેદ હેઠળ છે. આજે જારી કરવામાં આદેશ મુજબ અલગતાવાદીઓને આપવામાં આવેલા તમામ વાહનો પણ પરત લઇ લેવામાં આવ્યા છે. કોઇપણ સુરક્ષા હવે તેમને મળશે નહીં. કોઇપણ બહાનાસર તેમને વાહનો અપાશે નહીં. તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા આપવામાં આવેલી કોઇપણ પ્રકારની સુવિધા પરત ખેંચવામાં આવી રહી છે. ગુરુવારના દિવસે ભીષણ હુમલામાં ૪૦ સીઆરપીએફ જવાનો શહીદ થયા હતા. જૈશે મોહમ્મદ દ્વારા આ હુમલાની જવાબદારી સ્વીકારવામાં આવી હતી. જમ્મુથી શ્રીનગર તરફ સીઆરપીએફનો કાફલો જઇ રહ્યો હતો ત્યારે આ હુમલો કરવામાં આવ્યો હતો. હુર્રિયતના પ્રવક્તાએ કહ્યું છે કે, આ પ્રકારની ઘટનાઓ ઉશ્કેરણીજનક છે. હુર્રિયતના નેતાઓ હજુ પણ ઉશ્કેરણીજનક પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. સુરક્ષા દૂર કરવામાં આવ્યા બાદ અલગતાવાદી લીડર અબ્દુલ ગની બટ્ટે કહ્યું હતું કે, તેમને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી સુરક્ષાની કોઇ જરૂર નથી. તેમની સુરક્ષા કાશ્મીરી લોકો છે. ભારત અને પાકિસ્તાનમાં યુદ્ધના સંકેતોની પણ તેઓએ વાત કરી હતી. બીજી બાજુ જમ્મુ કાશ્મીર વહીવટીતંત્રએ કહ્યું છે કે, કટ્ટરપંથીઓની સુરક્ષા પરત ખેંચવામાં આવી છે.

(12:00 am IST)