Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

પુલવામા હુમલાનો માસ્ટરમાઇન્ડ ગાઝી કાશ્મીર ખીણમાં છુપાયો છે

આઈઈડી બનાવવામાં નિષ્ણાત ગાઝી મસૂદનો સૌથી વિશ્વાસુ : સીઆરપીએફ કાફલામાં ઘુસી જઈ પ્રચંડ આત્મઘાતી હુમલો કરનારા આદિલ અહેમદ દારને ટ્રેનિંગ પણ ગાઝીએ આપી : ગાઝીને પકડવા વ્યાપક દરોડાઓ

નવીદિલ્હી, તા. ૧૭ : જમ્મુ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા ઉપર કરવામાં આવેલા ભીષણ આત્મઘાતી હુમલામાં માસ્ટર માઇન્ડની ભૂમિકા અદા કરનાર કુખ્યાત ત્રાસવાદી અબ્દુલ રશીદ ગાઝી હાલમાં કાશ્મીર ખીણમાં જ છુપાયેલો હોવાના અહેવાલ મળી રહ્યા છે. તેમને પકડી પાડવા માટે વ્યાપક દરોડાની કામગીરી ચાલી રહી છે. સીઆરપીએફના કાફલા ઉપર હુમલો કરવામાં આવ્યા બાદથી રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં દરોડા પાડવાની અને તપાસની કામગીરી જોરદારરીતે ચાલી રહી છે. મોટી સંખ્યામાં શખ્સોની અટકાયત પણ કરવામાં આવી છે જેમની પુછપરછ ચાલી રહી છે. અબ્દુલ રશીદ ગાઝીને પકડી પાડવા માટે પણ મોટાપાયે ઓપરેશન ચાલી રહ્યું છે. સીઆરપીએફના કાફલા ઉપર આત્મઘાતી હુમલો સીધીરીતે ૨૧ વર્ષીય બોંબર આદિલ અહેમદ દારે કર્યો હતો જેમાં ૪૦થી વધુ સીઆરપીએફના જવાનો શહીદ થઇ ગયા હતા પરંતુ આ હુમલામાં માસ્ટરમાઇન્ડ તરીકેની ભૂમિકા અબ્દુલ રશીદ ગાઝી દ્વારા અદા કરવામાં આવી હતી. તેના અંગે કહેવામાં આવે છે કે, ગયા ગુરુવારના દિવસે કરવામાં આવેલા હુમલામાં તેજ મુખ્ય ભેજાબાજ તરીકે છે. સુરક્ષા સંસ્થાઓને શંકા છે કે, જૈશનો આ ટોપ કમાન્ડર અબ્દુલ રશીદ ગાઝી કાશ્મીર ખીણમાં જ છુપાયેલો છે. સ્થાનિક લોકોનો તેને ટેકો મળેલો છે પરંતુ તેને શોધી કાઢવામાં સુરક્ષા દળો સફળ રહેશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. નવેસરના અહેવાલથી સ્પષ્ટ થઇ જાય છે કે, ગાઝી ઉર્ફે રશીદ અફઘાનીી ગુરુવારના દિવસે પ્રથમ એન્કાઉન્ટરમાં બચી ગયો હતો. આ એન્કાઉન્ટરમાં સ્થાનિક ત્રાસવાદી ઠાર થયો હતો જ્યારે આતંકવાદીઓ સાથે જંગ ખેલતા એક જવાન શહીદ થયા હતા. હુમલાનો આદેશ ભલે પાકિસ્તાનમાં બેઠેલા મુખ્ય લીડર મસુદ અઝહરે આપ્યો હતો પરંતુ ગાઝી એ શખ્સ છે જે શખ્સે સમગ્ર કાવતરુ ઘડી કાઢ્યું હતું. અફઘાનમાં રહેનાર ગાઝી આઈઈડી સ્પેશિયાલિસ્ટ તરીકે છે. આ શખ્સે જ આત્મઘાતી બોંબર આદિલ દારને આત્મઘાતી હુમલો કરવા માટે ટ્રેનિંગ આપી હતી. ગુરુવારના દિવસે વિસ્ફોટ ભરેલી ગાડી સીઆરપીએફમાં રહેલી એક ગાડીને ટકરાવી દેવામાં આવી હતી જેમાં ૪૦ જવાનો શહીદ થયા હતા. ત્રીજી જાન્યુઆરીના દિવસે ટોપ કમાન્ડર પુલવામામાં છુપાયેલા હોવાની માહિતી મળી હતી. ૯મી ડિસેમ્બરના દિવસે જ તે સરહદ પાર કરીને કાશ્મીરમાં ઘુસી ગયો હતો. પુલવામા હુમલા બાદ સુરક્ષા દળોએ તેને પકડી પાડવા માટે વ્યાપક શોધખોળ કામગીરી ાહથ ધરી છે. ગાઝી જૈશના ટોપ લીડર મસુદ અઝહરના સૌથી વિશ્વસનીય શખ્સ પૈકી એક છે. ગાઝીને યુદ્ધ ટેકનોલોજી અને આઈઇડી બનાવવા માટેની ટ્રેનિંગ તાલિબાનમાં મળી હતી. તેને જૈશને સૌથી વિશ્વસનીય લીડર તરીકે ગણવામાં આવે છે. નાટોના દળો સામે લડવામાં પણ તેની ભૂમિકા હતી. ગાઝી ૨૦૧૧માં પોક પરત ફર્યો હતો ત્યારબાદથી તેને પોકમાં આઈએસઆઈના કેમ્પોમાં જોવામાં આવી રહ્યો હતો.

સુરક્ષા દળો દ્વારા મસુદ અઝહરના ભત્રીજા ઉસ્માનને ઠાર મારી દેવામાં આવ્યા બાદ ગાઝીને મોકલવામાં આવ્યો હતો. તેને મોતને ઘાટ ઉતારાયા બાદ જૈશ તરફથી બદલો લેવાની વાત પણ કરવામાં આવી હતી. ૨૦૧૭માં તેના પહેલા ભત્રીજા તલ્હા રશીદને ફૂંકી મારવામાં આવ્યા બાદથી જ મસુદ અઝહર બદલો લેવા વિચારી રહ્યો હતો. અઝહરે ગાઝી અને બે કમાન્ડરોને ડિસેમ્બરમાં ખીણમાં મોકલ્યા હતા. ત્યારબાદથી આતંકવાદીઓ દ્વારા વારંવાર હુમલાના પ્રયાસ થઇ રહ્યા હતા. ૧૪મી ફેબ્રુઆરીના દિવસે સીઆરપીએફના કાફલા ઉપર હુમલા કરવામાં આ લોકોને સફળતા મળી હતી.

(12:00 am IST)