Gujarati News

Gujarati News

News of Sunday, 18th February 2018

પીએનબીના ખાતાઓ ફ્રીઝ થયાના મેસેજ વાયરલ થયા

સોશિયલ મિડિયા પર મેસેજથી વ્યાપક દહેશત :પીએનબીના તમામ બેંક ખાતા સીઝ કરી દેવાયા છે અને ખાતા ધારક ૩૦૦૦થી વધુ નહીં ઉપાડી શકે તેવા હેવાલ

નવીદિલ્હી, તા. ૧૮ : પંજાબ નેશનલ બેંકના ૧૧૫૦૦ કરોડ રૂપિયાના ફ્રોડને લઇને દેશભરમાં વ્યાપક ચર્ચા છેડાયેલી છે ત્યારે સોશિયલ મિડિયા ઉપર એક મેસેજ વાયરલ થઇ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પીએનબીના તમામ બેંક એકાઉન્ટને સીઝ કરી દીધા છે. સોશિયલ મિડિયા ઉપર વાયરલ થઇ રહેલા મેસેજ મુજબ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આગામી આદેશ સુધી તાત્કાલિક અમલ સાથે પંજાબ નેશનલ બેંકના તમામ ખાતા ફ્રીઝ કરી દીધા છે. પીએનબીના ખાતા ધારકો બેંકમાંથી ૩૦૦૦ રૂપિયાથી વધારે ઉપાડી શકશે નહીં. આ મેસેજ વાયરલ થયા બાદ લોકોમાં દહેશત પણ દેખાઈ રહી છે.

આ મેસેજની સાથે કેટલાક લોકો પીએનબીના ચેક સ્વીકાર ન કરવાની અપીલ પણ કરી રહ્યા છે. સોશિયલ મિડિયા ઉપર આ પ્રકારના મેસેજ વાયરલ થયા બાદ પરેશાની વધી ગઈ છે. કારણ કે પીએનબીમાં આશરે ૧૦ કરોડ લોકોના બેંક ખાતા છે. આ પ્રકારના મેસેેજને લઇને પરેશાન પીએનબી ખાતા ધારકો સોશિયલ મિડિયા ઉપર મેસેજને સમર્થન આપવાની વાત કરી રહ્યા છે. બીજી બાજુ આરબીઆઈએ આવા કોઇ નિર્ણય કર્યા છે કે કેમ તેને લઇને ચર્ચા છેડાઈ ગઈ છે. હજુ સુધી કોઇ ખુલાસો કરવામાં આવ્યો નથી. પીએનબી કૌભાંડની સજા સામાન્ય લોકોને કેમ મળે તેવો પ્રશ્ન પણ થઇ રહ્યો છે. બીજી બાજુ કેટલાક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, પીએનબી સામે આવી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. પીએનબી ખાતા ધારકો માટે રોકડ ઉપાડ સંબંધિત નિયમોમાં ફેરફાર કરાયા નથી. પીએનબી ખાતાધારકો કોઇપણ પ્રકારની શંકા રાખ્યા વગર પોતાના ખાતામાંથી પહેલાની જેમ જ નાણાની લેવડદેવડ કરી શકે છે. કોઇપણ પ્રકારના નિયંત્રણો લાગૂ કરવામાં આવ્યા નથી. આ સંદર્ભમાં આરબીઆઈ પણ ખુલાસો કરે તેવી શક્યતા દેખાઈ રહી છે. જો કે, ચર્ચા છેડાઈ ગઈ છે જેથી દહેશત છે.

(7:37 pm IST)