Gujarati News

Gujarati News

News of Sunday, 18th February 2018

ડોકલામ અને અરૂણાચલ મુદ્દે ભારત સાથે વિવાદ કરી રહેલું ચીન હવે વેનેઝુઆલા થકી પણ ભારતને ચોતરફથી ઘેરવાની રણનીતિ બનાવી

ડોકલામડોકલામ અને અરૂણાચલ મુદ્દે ભારત સાથે વિવાદ કરી રહેલું ચીન હવે વેનેઝુઆલા થકી પણ ભારતને ભીંસમા લઇ રહ્યું છે. ચીન દેવાના ડુંગર હેઠળ દબાયેલા વેનેઝુએલાને લોન આપી તેમનું ઓશિયાળું બનાવી રહ્યું છે. જે ભારત માટે બહુ ચિંતાનો વિષય છે. કેમ કે ભારતની અનેક જાહેર ક્ષેત્રની કંપનીઓ થકી વેનેઝુએલા ભારતને ઓઇલ અને વેપાર બંને ઉપલબ્ધ કરાવે છે. જેના પર હવે ચીનનો ડોળો મંડરાયો છે.

ભારત માટે માથાનો દુઃખાવો બની ગયેલા ચીને ભારતને ચોતરફથી ઘેરવાની રણનીતિ બનાવી છે. ભારતને પરેશાન કરવા ચીન ફક્ત માલદીવ જ નહીં પરંતુ વેનેઝુએલામાં પણ પગપેસારો કરી રહ્યું છે. ભારતથી 15 હજાર કિલોમીટર દૂર આલા વેનેઝુએલામાં ચીનની હરકતો ભારત માટે ખતરાની ઘંટડી વગાડી રહી છે. વર્ષ 2014માં ઓઇલના ભાવમાં ઘટાડો થતાં વેનેઝુએલાની અર્થવ્યવસ્થા બરબાદ થઇ ગઇ છે. અને ચીન દેવાના ડુંગર હેઠળ દબાયેલા વેનેઝુએલાનો બોજો ઓછો કરવામાં મદદરૂપ થઇ રહ્યું છે. ચીને વેનેઝુએલામાં એટલું રોકાણ કર્યું છે કે જાણે ત્યાં ચીનની કોલોની જ બની ગઇ હોય તેવી સ્થિતિ સર્જાઇ છે.

ચીને પોતાના પૈસાના જોરે વેનેઝુએલાને જાણે કે ખરીદી લીધું છે. જે ભારત માટે બહુ ચિંતાનો વિષય છે. કારણ કે સાઉદી અરબ. ઇરાક અને ઇરાન બાદ વેનેઝુએલામાંથી ભારત સૌથી વધુ પેટ્રોલિયમ પેદાશો આયાત કરે છે. વેનેઝુએલા પર 10.30 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. મતલબ ત્યાંનો દરેક નાગરિક 3.20 લાખ રૂપિયાના દેવામાં ડૂબેલો છે. ચીને વેનેઝુએલાને વર્ષ 2007 થી 2016 સુધીમાં 3.86 લાખ કરોડ રૂપિયાની લોન આપી છે. જેની સામે વેનેઝુએલાએ ક્રુડ ઓઇલ આપવાનું છે. પરંતુ આ સમજૂતીએ વેનેઝુએલાને ચીનના દેવા હેઠળ દબાવી દીધું. કેમ કે 2016માં ક્રુડ ઓઇલના ભાવ 30 ડોલર પ્રતિ બેરલ થઇ ગયા. ત્યારે કરાર મુજબ વેનેઝુએલાએ બમણુ ક્રુડ ઓઇલ ચીનને આપવું પડ્યું.

 

(6:57 pm IST)