Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

માલામાલ બનવાની સોનેરી તક : IRFCનો IPO ખુલ્યોઃ ઇન્ડિગો પેઇન્ટ્સનો IPO ૨૦મી જાન્યુઆરીએ ખુલશે

છેલ્લા બે મહિનામાં આઇપીઓમાં રોકાણ કરનાર લોકોને ખૂબ સારૃં વળતર મળ્યું છે : આથી આશા રાખવામાં આવી રહી છે કે આ બંને આઇપીઓ પણ રોકાણકારોને માલામાલ બનાવી શકે છે : બંને કંપનીઓના આઇપીઓની સાઇઝ ૫,૮૦૦ કરોડ રૂપિયા છે

નવી દિલ્હી તા. ૧૮ : રોકાણકારોને આ અઠવાડિયે બે IPOમાં રોકાણ કરવાનો મોકો મળશે. ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પોરેશન (IRFC) અને ઇન્ડિગો પેઇન્ટ્સના આઈપીઓ આ અઠવાડિયે ખુલશે. જેમાંથી IRFCનો આઈપીઓ આજે એટલે કે ૧૮મી જાન્યુઆરીના રોજ ખુલી ગયો છે. આ આઈપીઓ ૨૦મી જાન્યુઆરીના રોજ બંધ થશે. જયારે ઇન્ડિગો પેઇન્ટ્સનો આઈપીઓ ૨૦મી જાન્યુઆરીના રોજ ખુલશે અને ૨૨મી જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ બંધ થશે. છેલ્લા બે મહિનામાં આઈપીઓમાં રોકાણ કરનાર લોકોને ખૂબ સારું વળતર મળ્યું છે. આથી આશા રાખવામાં આવી રહી છે કે આ બંને આઈપીઓ પણ રોકાણકારોને માલામાલ બનાવી શકે છે. બંને કંપનીઓના IPOની સાઈઝ ૫,૮૦૦ કરોડ રૂપિયા છે.

IRFCનો આઈપીઓમાં કુલ ૧૭૮.૨૦ કરોડ શેર જાહેર કરવામાં આવશે, જેમાં ૧૧૮.૮૦ કરોડ ફ્રેશ શેર જાહેર કરવામાં આવશે અને ૫૯.૪૦ કરોડ શેર ભારત સરકાર ઓફર ફોર સેલ અંતર્ગત વેચશે. આઈઆરએફસીની પ્રાઇસ બેન્ડ ૨૫થી ૨૬ રૂપિયા પ્રતિ શેર છે. કંપનીની ૪,૬૦૦ કરોડ રૂપિયા એકઠા કરવાની યોજના છે. આ પબ્લિક ઓફર બાદ IRFCમાં સરકારની ભાગીદારી ઘટીને ૮૬.૪ ટકા થઈ જશે.

જયારે ઇન્ડિયોની યોજના આઈપીઓ મારફતે ૩૦૦ કરોડ રૂપિયા એકઠા કરવાની છે. કંપનીના પ્રમોટર્સ અને રોકાણકારો ૫૪.૪૦ લાખ શેર વેચશે. જેની પ્રાઇસ બેન્ડ ૧૪૮૮-૧૪૯૦ છે. આઈપીઓ મારફતે ૧૧૭૦.૦૧૬ કરોડ રૂપિયા એકઠા કરવાની કંપનીની યોજના છે.

આઈઆરએફસીએ એન્કર ઇન્વેસ્ટર્સ  પાસેથી ૧,૩૯૦ કરોડ રૂપિયા એકઠા કર્યાં છે. કંપનીની સ્થાપના ૧૯૮૬માં થઈ છે. આઈઆરએફસી ઇન્ડિયા રેલવે માટે ડોમેસ્ટિક અને ઓવરસીઝ માર્કેટમાંથી ફંડ એકઠું કરવાનું કામ કરે છે. જયારે પુણેની ઇન્ડિગો પેઇન્ટ્સ કલર બનાવવાનો બિઝનેસ કરે છે. આખા દેશમાં ઇન્ડિગો પેઇન્ટ્સનું મોટું નેટવર્ક છે. કંપની પાસે રાજસ્થાન, કેરળ અને તામિલનાડુમાં ત્રણ ઉત્પાદન યુનિટ છે.

IRFCનો આઈપીઓ લાંબી મુદતની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક છે. સૈમ્કો સિકયોરિટીઝના સીનિયર રિસર્ચ એનાલિસ્ટ નિરાલી શાહે કહ્યુ કે આઈઆરએફસી અને ઇન્ડિયો પેઇન્ટ્સના બંને આઈપીઓ ખૂબ સારા છે. આશા છે કે આ બે આઇપીઓ બાદ પણ બીજા આઈપીઓ આવશે.

૨૦૨૦ના નાણાકીય વર્ષમાં કંપનીઓએ IPOના માધ્યમથી આશરે ૩૦,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ મેળવ્યું છે. આ તમામ આઈપીઓમાંથી પાંચ આઈપીઓ એવા હતા જેમણે રોકાણકારોને પ્રથમ દિવસે જ ૫૦ ટકાથી વધારે વળતર આવ્યું હતું. જેમાંથી બે આઈપીઓ એવા હતી જેમના શેરની કિંમત પ્રથમ દિવસે જ બેગણી થઈ ગઈ હતી.

૧) બર્ગર કિંગ ઇન્ડિયા : ૧૪મી ડિસેમ્બરના રોજ લિસ્ટેડ થયેલા શેરનો ભાવ પ્રથમ દિવસ રૂ. ૬૦ની સામે ૧૩૧ પર બંધ રહ્યો હતો. પ્રથમ દિવસે ૧૩૮.૪૦ ટકાનો લાભ.

૨) હેપ્પીએસ્ટ માઇન્ડ્સ ટેકનોલોજીસ  : ઇશ્યૂ પ્રાઇસ ૧૬૬ સામે પ્રથમ દિવસ શેરનો ભાવ ૩૭૧.૦૦ પર બંધ રહ્યો. ૧૭ સપ્ટેમ્બરના રોજ લિસ્ટેડ શેરમાં રોકાણકારોને પ્રથમ દિવસ ૧૨૩ ટકાનો લાભ થયો.

૩) મિસિઝ બેકટર્સ ફૂડ સ્પેશિયાલિટિઝ લિમિટેડ : ઇશ્યૂ પ્રાઇસ ૨૮૮ સામે પ્રથમ દિવસ શેરનો ભાવ ૫૯૫.૫૫ પર બંધ રહ્યો. ૨૪ સપ્ટેમ્બરના રોજ લિસ્ટેડ શેરમાં રોકાણકારોને પ્રથમ દિવસ ૧૦૬.૭૯ ટકાનો લાભ થયો.

૪) રૂટ મોબાઇલ : ૨૧ સપ્ટેમ્બરના રોજ લિસ્ટેડ થયેલા શેરનો ભાવ પ્રથમ દિવસ ૩૫૦ સામે ૬૫૧.૧૦ રૂપિયા બોલાયો. IPO લાગ્યો તે રોકાણકારોને પ્રથમ દિવસે ૮૬ ટકા વળતર મળ્યું.

૫) રોસારી બાયોટેક : ૨૩ જુલાઇના રોજ લિસ્ટેડ શેરમાં પ્રથમ દિવસે ૭૫ ટકાનું વળતર જોવામાં આવ્યું. ૪૨૫ના ઇશ્યૂ પ્રાઇસ સામે શેર ૭૪૨.૩૫ પર બંધ રહ્યો.

(10:33 am IST)