Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

પાકિસ્તાનીઓ પરમાણુ ટેકનિકની ચોરી કરતા ઝડપાયા અમેરિકાએ પાંચ પાકિસ્તાની શખ્શો વિરુદ્ધ ગુનો નોંધ્યો

પરમાણુ ટેકનિકની તફડંચી કરીને પાકિસ્તાનમાં પહોંચાડવાની વ્યવસ્થા કરતા હતા

વૉશિંગ્ટન:પાકિસ્તાન પરમાણુ ટેકનિકની ચોરી કરતા ઝડપાયું છે અમેરિકાએ પાંચ પાકિસ્તાની નાગરિકો વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે. પાંચેય પાકિસ્તાની મૂળના નાગરિકો ગેરકાયદે ટેકનિક ચોરીને પાકિસ્તાનના પરમાણુ પ્રોગ્રામ માટે મોકલતા હતા. આ ઘટસ્ફોટ અમેરિકાએ કર્યો હતો.

પરમાણુ પ્રોગ્રામ ગેરકાયદે રીતે આગળ વધારવા માટે પાકિસ્તાન પરમાણુ ટેકનિકની સ્મગલિંગ કરતું હોવાનું સામે આવ્યું છે. પાંચ પાકિસ્તાની બિઝનેસમેન પાકિસ્તાનના પરમાણુ પ્રોજેક્ટ માટે અમેરિકાની ટેકનિકની ચોરી કરતા હતા. અમેરિકન સરકાર અને તપાસ એજન્સીઓએ પાંચ પાકિસ્તાની નાગરિકોની ઓળખ પણ કરી લીધી છે.

કેનેડામાં રહેતો મોહમ્મદ વલી અને વલી મોહમ્મદ શેખ, હોંગકોંગમાં રહેતો અશરફ ખાન, બ્રિટનમાં સ્થાઈ થયેલો અહમદ વાહિદ અને પાકિસ્તાનમાં જ રહેતો કામરાન વલી પરમાણુ ટેકનિકની સ્મગલિંગ કરતા હોવાનું ઓળખી લેવાયું હતું. અમેરિકાના કહેવા પ્રમાણે આ પાંચેય રાવલપીંડીમાં કાર્યરત બિઝનેસ વર્લ્ડ નામની કંપની સાથે જોડાયેલા છે.

આ કંપનીના નામે પાંચેય અમેરિકાની પરમાણુ ટેકનિક ગેરકાયદે રીતે પાકિસ્તાનમાં મોકલતા હતા, જેની મદદથી પાકિસ્તાન પરમાણુ હથિયારો બનાવવાની પ્રક્રિયા હાથ ધરતું હતું.

અમેરિકાએ કહ્યું હતું આ પાંચેય પાકિસ્તાની નાગરિકોએ આંતરરાષ્ટ્રીય ઉર્જા, ઈકોનોમિક પાવર એક્ટ, એક્સપોર્ટ કંટ્રોલ એક્ટનું ઉલ્લંઘન કર્યું છે. આ પાંચેય આરોપીઓ અલગ અલગ સ્થળેથી પરમાણુ ટેકનિકની તફડંચી કરીને પાકિસ્તાનમાં પહોંચાડવાની વ્યવસ્થા કરતા હતા. આ પાંચેય વિરૂદ્ધ અમેરિકાને ૨૦૧૪થી ૨૦૧૯ દરમિયાન ગેરકાયદે પરમાણુ ટેકનિકની સ્મગલિંગના ૩૮ દસ્તાવેજો મળ્યા છે. અમેરિકાએ આ ઘટનાને વિશ્વની આંતરિક સલામતી માટે ખતરનાક ગણાવી છે.

(2:17 pm IST)