Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

ઇરાનના મિસાઇલમારામાં એકાદ ડઝન અમેરીકી સૈનિકો ઘવાયેલ

અમેરીકાના સેન્ટ્રલ કમાન્ડે હવે કબુલ કર્યું: નુકશાની પણ મોટી થઇ છે

વોશિંગ્ટનઃ ઈરાકમાં અમેરિકન બેઝ પર ઈરાને ગયા સપ્તાહે કરેલા હુમલામાં અમેરિકાના ૧૧ સૈનિકોને ઈજા થઈ હતી તેમ અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે કબૂલ્યું છે.અમેરિકન સૈન્યે અગાઉ હુમલાના તુરંત બાદ કોઈ નુકસાન થયાનો ઈનકાર કર્યો હતો.

બીજીબાજુ ઈરાનના ટોચના નેતા અયાતોલ્લાહ અલી ખામનેઈએ વર્ષ ૨૦૧૨ પછી પહેલી વખત તહેરાનમાં શુક્રવારની નમાઝમાં ભાગ લીધો હતો અને ઈરાનના આ હુમલાને સુપરપાવર તરીકેની અમેરિકાની છબી પર કાળા ડાદ્ય સમાન ગણાવ્યો હતો.

ઈરાકના બગદાદ એરપોર્ટ પર ઈરાનના ટોચના જનરલ કમાન્ડર કાસિમ સુલેમાનીની અમેરિકા દ્વારા ડ્રોન હુમલામાં હત્યાનો બદલો લેવા ઈરાને અમેરિકન બેઝ પર હુમલો કર્યો હતો. જોકે, આ હુમલા પછી તુરંત અમેરિકાએ હુમલામાં કોઈ મોટું નુકસાન થયું હોવાનો ઈનકાર કર્યો હતો.

આ હુમલાને હવે લગભગ એક સપ્તાહ થઈ ગયું છે અને અમેરિકા તથા ઈરાન વચ્ચે દ્યેરાયેલા યુદ્ઘના વાદળો દૂર થઈ રહ્યા છે ત્યારે અમેરિકન સેન્ટ્રલ કમાન્ડના પ્રવકતા કેપ્ટન બિલ અર્બને જણાવ્યું હતું કે, ઈરાકમાં અલ-અસદ એર બેઝ પર ઈરાનના ૮મી જાન્યુઆરીના હુમલામાં કોઈ અમેરિકન સૈનિક માર્યો નથી ગયો, પરંતુ કેટલાકને ઈજા થઈ છે અને આ હુમલાથી થયેલા નુકસાનનું હજી મુલ્યાંકન થઈ રહ્યું છે.

કાસિમ સુલેમાનીની હત્યા પછી ઈરાનના હુમલા વખતે એડવાન્સ વોર્નિંગ પછી અમેરિકાના લગભગ ૧,૫૦૦થી વધુ સૈનિકો આ એરબેઝ પર સદામ હુસેનના સમયમાં તૈયાર થયેલ બંકરોમાં ભરાયા હતા. હુમલાથી માલ-સામાનને નુકસાન થયું છે, પરંતુ કોઈ જાનહાની નથી થઈ તેમ યુએસ મિલિટરીએ અગાઉના અહેવાલમાં જણાવ્યું હતું. 

(1:10 pm IST)