Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

વધુ કવર મળશેઃ સમય પણ બચશે

વધુ વાહનો માટે અલગ-અલગ વીમો લેવો નહિ પડેઃ ઈરડાએ નવી નીતિને આપી મંજુરી

નવી દિલ્હી, તા. ૧૮ :. એકથી વધારે વાહનો માટે અલગ અલગ વીમો લેવામાંથી આપને બહુ જલ્દી છૂટકારો મળી શકે છે. તમે તમારા બધા વાહનો માટે એક જ વીમા પોલિસીમાં કવર કરી શકશો. ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટી (ઈરડા) એ ફલોટર મોટર ઈન્સ્યોરન્સ પોલિસી લાવવાની મંજુરી આપી દીધી છે.

નવી પોલિસીમાં ઓછા પ્રીમીયમે સીંગલ પોલિસીની સરખામણીમાં વધુ કવર મળશે. વીમા કંપનીઓ એપ આધારિત સેવા ઉપલબ્ધ કરાવવાની યોજના બનાવી રહી છે. વીમા નિષ્ણાંતોનું કહેવુ છે કે તેનાથી સમયની સાથે પૈસાની પણ બચત થશે. નવી પોલિસીના પ્રીમિયમની ગણત્રીનું કામ ચાલુ છે.

એડલવાઈસ જનરલ ઈન્સ્યોરન્સના સીઈઓ, શનાઈ ઘોષે જણાવ્યુ કે આ પોલિસી વર્તમાન સમયમાં વાહન માલિકો માટે બહેતર ઉત્પાદન સાબિત થઈ શકે છે કેમ કે લોકો કાર પુલીંગ પર ભાર મુકી રહ્યા છે. નવી પોલિસીમાં પ્રીમીયમ વાહન ચલાવવાના કિલોમીટરના આધારે નક્કી થશે. એટલે કે તમે નિશ્ચિત સમયમાં જેટલી ગાડી ચલાવશો તેના હિસાબે પ્રિમીયમ લાગશે.

રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સ, આઈસીઆઈસીઆઈ જનરલ ઈન્સ્યોરન્સ અને એડલવાઈસ જનરલ ઈન્સ્યોરન્સ ટૂંક સમયમાં આને પાયલોટ પ્રોજેકટ તરીકે બજારમાં મુકવાની તૈયારીમાં છે. આ ઉત્પાદન પહેલી ફેબ્રુઆરીથી પાયલોટ પ્રોજેકટ તરીકે મુકાશે. તેની મુદત છ મહિનાની હશે. તેમાથી મળેલ પ્રતિક્રિયાના આધારે તેની શરૂઆત કરવામાં આવશે. રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સના પ્રવકતાએ જણાવ્યુ કે સીંગલ વીમાથી ઓછા પ્રીમીયમમાં વધારે કવર મળશે. અલગ અલગ કાગળોની જરૂર નહીં પડે. સામાન્ય મોટર વીમામાં મળતાનો કલેઈમ બોનસ, ૧૦૦ ટકા ડેમેજ કવર, એન્ટી અને એકઝીટની છૂટ જેવા લાભો આમા પણ મળશે.

એડલવાઈસ જનરલ ઈન્સ્યોરન્સે જણાવ્યુ કે નવી ફલોટર પોલિસી એપ દ્વારા સંચાલિત થશે. વીમા ધારક એપ દ્વારા નવા વાહનો ઉમેરી કે કાઢી શકશે. વાહનનો અકસ્માત થાય તો એપ દ્વારા કલેઈમ થઈ શકશે. વીમા ધારક પાસેથી પ્રીમીયમ વપરાશના આધારે લેવાશે.

(11:34 am IST)