Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

કિર્તી આઝાદના ટવીટ પછી ચર્ચાએ વેગ પકડયું

નિર્ભયાની માં આશા દેવી કોંગ્રેસમાં જોડાઇ શકે તેવી શકયતા!

નવી દિલ્હી, તા.૧૮: નિર્ભયાની માં આશા દેવીએ કોઈપણ રાજનૈતિક પાર્ટીમાં જોડાવાથી ઇનકાર કરી દીધો છે. તેમણે જણાવ્યું હતું કે, આ અંગે મારી કોઈપણ રાજકીય પક્ષ સાથે વાતચીત થઇ નથી. કોંગ્રેસ નેતા કીર્તિ આઝાદના એક ટ્વીટ પરથી આશાદેવી કોંગ્રેસ જોઈન કરે તેવી અટકળો વહેતી થઇ હતી. કીર્તિ આઝાદે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, આશા દેવી અરવિદ કેજરીવાલ સામે નવી દિલ્હીથી ચૂંટણી લડશે તેવી વાત કહેવામાં આવી હતી. તેમણે ટ્વીટ કરતા લખ્યું હતું કે, 'એ માં તુઝે સલામ...આશા દેવી આપનું સ્વાગત છે.' આઝાદના આ ટ્વીટ પછી આશા દેવી કોંગ્રેસમાં જોડાય તેની ચર્ચા શરુ થઇ ગઈ હતી. 

નિર્ભયા કેસ પર ચાલી રહેલી કાયદાકીય ખેંચતાણ મુદ્દે આશા દેવીએ શુક્રવારે એક નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, રાજનૈતિક ફાયદાઓ માટે ચારેય લોકોની ફાંસી રોકવામાં આવી રહી છે. જયારે ૨૦૧૨માં આ ઘટના થઇ હતી ત્યારે લોકોએ હાથમાં તિરંગો લઇ, કાળી પટ્ટી બાંધીને મહિલાઓની સુરક્ષા માટે ખુબ રેલીઓ કાઢી હતી. સૂત્રોચ્ચાર કર્યા હતા. આજે આજ લોકો તે બાળકીના મોત સામે રમી રહ્યા છે. કોઈક કહી રહ્યા છે કે તમે રોકી દીધા કોઈક કહી રહ્યા છે કે અમને પોલીસ આપી દ્યો અમે દિવસમાં કરી બતાવીશું. હવે હું જરૂરથી કહેવા માટે ઈચ્છીશ કે તેઓએ પોતાના ફાયદા માટે ફાંસી રોકી છે.

(10:13 am IST)