Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

લડાખમાં બરફના તોફાનથી અંધાધૂંધી : પાંચના મોત થયા

અન્ય પાંચ લોકોની શોધખોળ હજુ પણ જારી : ભેખડ ધસી પડતા લોકો ફસાયા : ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનું મોજુ : ટ્રેન અને વિમાની સેવાઓને પ્રતિકુળ અસર

નવી દિલ્હી,તા. ૧૮ : ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી અને ધુમ્મસની ચાદર વચ્ચે જનજીવન ઠપ છે ત્યારે બીજી બાજુ જમ્મુ કાશ્મીરમાં લડાખના ખારદૂંગલા ક્ષેત્રમાં એક ટ્રક શુક્રવારે ભખડો ધસી પડવાના સકંજામાં આવી જતાં તેમાં રહેલા પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થઇ ગયા હતા. જ્યારે અન્ય પાંચ લોકોની શોધખોળ ચાલી રહી છે. સરહદ માર્ગ સંગઠનના અધિકારીઓનું કહેવું છે કે, શોધખોળની પ્રક્રિયા હજુ ચાલી રહી છે. આ ટ્રકમાં ૧૦ લોકો મુસાફરી કરી રહ્યા હતા. શૂન્યથી ૧૫ ડિગ્રી નીચે તાપમાનની સ્થિતિ વચ્ચે સ્થિતિ જટિલ બની ગઈ હતી. ૧૨ જેટલી સ્થાનિક અને પાંચ ઇન્ટરનેશનલ ફ્લાઇટોમાં વિલંબની સ્થિતિ છે. શુક્રવારે સવારે ચોપાન-અલ્હાબાદ અને કટિહાર-હાઝીપુર પેસેન્જર ટ્રેન બે કલાક મોડી થઇ હતી. દિલ્હી અને એનસીઆરમાં પણ હાલત કફોડી બનેલી છે. જમ્મુ કાશ્મીરના જુદા જુદા ભાગોમાં ખાસ કરીને લડાખ વિસ્તારમાં ભારે હિમવર્ષા થઇ છે. હિમવર્ષા હજુ જારી રહેવાની શક્યતા છે. લેહમાં માઇનસ ૧૨ અને કારગિલમાં માઇનસ ૨૦.૨ ડિગ્રી તાપમાન નોંધાયું છે. દ્રાસમાં માઇનસ ૨૨ ડિગ્રી તાપમાન થઇ ગયું છે. જમ્મુ કાશ્મીરમાં પાણીના સ્ત્રોતમાં બરફ જામી જતા હાલત કફોડી બનેલી છે. હવામાન વિભાગના કહેવા મુજબ ૧૯મી જાન્યુઆરીથી લઇને ૨૩મી જાન્યુઆરી દરમિયાન ખીણમાં ભારે હિમવર્ષાની આગાહી કરવામાં આવી છે. અનેક વિસ્તારોનો સંપર્ક તુટી ગયો છે. રાષ્ટ્રીય પાટનગર દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારત ઠંડુગાર થઇ જતા જનજીવન ખોરવાઇ ગયુ છે. ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી અને ધુમ્મસની સ્થિતી વચ્ચે જનજીવન ખોરવાઇ ગયુ છે. ટ્રેનો અને વિમાની સેવા પર અસર થઇ છે. દિલ્હી આવનારી ૧૦ ટ્રેનો મોડી દોડી રહી છે. વિજિબિલીટી ઘટી જવાના કારણે રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં વિમાની સેવા ઉપર પણ માઠી અસર થઇ છે.  ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી અને ધુમ્મસની સ્થિતી  ફરી એકવાર જોવા મળી રહી છે. ખાસ કરીને પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પશ્ચિમ રાજસ્થાન,  ઉત્તર પૂર્વ મધ્યપ્રદેશ અને ઉત્તર ચંદીગઢમાં કાતિલ ઠંડી અને ધુમ્મસની સ્થિતી જોવા મળી રહી છે. ધુમ્મસના કારણે દિલ્હી આવતી  ટ્રેનો મોડેથી દોડી રહી છે. માર્ગો પર ધુમ્મસના કારણે સવારે મોટી સંખ્યામાં લોકોને અવરજવરમાં તકલીફ પડી હતી. વિજિબિલિટી ઘટી જવાના કારણે દિલ્હી વિમાનીમથકે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હવામાન વિભાગે કહ્યુ છે કે આગામી બે ત્રણ દિવસ દરમિયાન ઠંડીથી લોકોને રાહત નહી મળે તેવી શક્યતા છે.  પંજાબ અને હિમાચલ પ્રદેશમાં ધુમ્મસની ચાદર છવાયેલી છે.  હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા અને વરસાદના કારણે ઠંડીમાં એકાએક વધારો થયો છે. ચારેબાજુ બરફની ચાદર છવાઇ ગઇ છે. તાપમાનમાં ઘટાડો થવાના કારણે  લોકો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે. બીજી બાજુ બન્ને રાજ્યોમાં કેટલીક જગ્યાએ લઘુતમ તાપમાનમાં ઉલ્લેખનીય ઘટાડો થયો છે. કેટલીક જગ્યાએ માઇનસમાં તાપમાન પહોંચી ગયુ છે. ભારે હિમવર્ષાના કારણે કેટલાક રસ્તાને બંધ કરી દેવાની ફરજ પડી છે. ચારેબાજુ બરફની ચાદર છવાઇ ગઇ છે.

(8:06 pm IST)