Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

હેકર્સનો સાયબર હુમલો

૭૭ કરોડથી વધુ ઇમેલ એડ્રેસ તથા ૨.૨ કરોડ પાસવર્ડ લીક : ખળભળાટ

નવી દિલ્હી તા. ૧૮ : હેકર્સે નવા વર્ષનું સ્વાગત ૭૭.૨ કરોડથી વધુ ઇમેલ અને ૨ કરોડથી વધુ પાસવર્ડ લીક કરી ખળભળાટ મચાવ્યો છે. આ ડેટાનો મોટો હિસ્સો કલાઉડ સ્ટોરેજ સર્વિસ મેગા પર હતો.

 

વર્ષ ૨૦૧૮માં સૌથી મોટા ડાટા લીક કેસની ઘટના થયા બાદ હવે ૨૦૧૯ના નવા વર્ષની શરૂઆત સાથે જ આ વર્ષનો સૌથી મોટો ડાટા લીક બહાર આવ્યો છે. આ ડાટા લીકનો ખુલાસો રિસર્ચર ટ્રોય હન્ટ (troyhunt.com) દ્વારા કરવામાં આવ્યો છે. ટ્રોય હન્ટની વેબસાઈટ પર જણાવાયું છે કે, ૭૭૩ મિલિયન ઈ-મેલ આઈડી એટલે કે ૭૭.૩ કરોડ અને ૨૧ મિલિયન એટલે કે ૨.૧ કરોડ પાસવર્ડ હેક કરી લેવાયા છે. આ ઘણો મોટો ડાટાબેઝ છે. ટ્રોય હન્ટ દ્વારા તેને ‘Collection #1’ તરીકે રજૂ કરવામાં આવ્યું છે.

વેબસાઈટ પર હન્ટ તરફથી જણાવાયું છે કે, ‘Collection #1’ કુલ ૨,૬૯૨,૮૧૮,૨૩૮ પાસવર્ડ અને ઈમેલ એડ્રેસનું છે. આ જુદા-જુદા માધ્યમો દ્વારા દુનિયાભરમાંથી હજારો-લાખો યુજર્શ પાસેથી ચોરવામાં આવેલા ડાટા છે. ટ્રોયના અનુસાર છેલ્લા દિવસે દરમિયાન અનેક લોકોનો ચોરી કરાયેલા ડાટા દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો અને પોપ્યુલર કલાઉડ સર્વિસ MEGAની એક મોટા ફાઈલ કલેકશન અંગે માહિતી આપવામાં આવી હતી.

વધુમાં જણાવાયું છે કે, 'તેમાં લગભગ ૧૨ હજાર કરતાં વધારે જુદી-જુદી ફાઈલ છે અને તેની સાઈઝ 87GB કરતાં પણ વધુ છે. વેબસાઈટ હન્ટ દ્વારા આ બાબતને પુષ્ટિ કરતા જણાવ્યું છે કે, મેં જોયું કે મારો પર્સનલ ડાટા તેમાં હતો અને તે બિલકુલ સાચો હતો. જોકે, મારો પાસવર્ડ જૂનો હતો, જેનો હું કેટલાક વર્ષ પહેલાં ઉપયોગ કરતો હતો.'

ટ્રોય હન્ટ દ્વારા યુઝર્સને ઈમેલ આઈડી અને પાસવર્ડ હેક થવા અંગે વધુ માહિતી માટે એક સરળ પદ્ઘતિ જણાવાઈ છે. આ રીતે તમે પણ તમારા ઈમેલ આઈડી અંગે ચકાસી શકો છો કે તે હેક થયો છે કે નહીં. તેમણે ડાટા બેઝને haveibeenpwned.com સાથે જોડી દીધો છે.

તમે www.haveibeenpwned. com પર જઈને તમારા ઈમેલઆઈડીને ડાયલોગ બોકસમાં લખશો એટલે તમને જવાબ મળશે. આ જવાબમાં જો તમને ગુડ ન્યૂઝ લખેલું મળે તો સમજવું કે તમારો ઈમેલ આઈડી હેક થયો નથી. જો ત્યાં તમને ‘Oh no-Pwned’ લખેલું જોવા મળે તો તેનો અર્થ એવો થશે કે તમારો ઈમેલ આઈડી હેક થયો છે. આવી સ્થિતિમાં તમારે તમારો પાસવર્ડ તાત્કાલિક બદલી દેવાનો રહેશે.

જો તમારો પાસવર્ડ હેક થયો છે કે નહીં તેના અંગે તમે માહિતી મેળવવા માગતા હોવ તો તમારે www.haveibeenpwned. com/Passwords પર જઈને તમારો પાસવર્ડ લખવાનો રહેશે. આમ કર્યા બાદ જો તમને ‘Oh no-Pwned’ લખેલું જોવા મળે તો તેનો અર્થ એવો થશે કે તમારો પાસવર્ડ હેક થયો છે. આવી સ્થિતિમાં તમારે તમારો પાસવર્ડ તાત્કાલિક બદલી દેવાનો રહેશે.

(10:19 am IST)