Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

PM પદ માટે મોદી બાદ માયાવતી બીજા ક્રમે : રાહુલ પાછળ

વિપક્ષોના ગઠબંધનથી ભાજપ સત્તાથી બહાર જાય તેવી સંભાવના વધી : સપા - બસપા વધુ બેઠક જીતે તો PM પદનો દાવો કરવાની સ્થિતિમાં હશેઃ રાહુલના નેતૃત્વમાં સરકારના ચાન્સ ઓછા છે : થર્ડફ્રન્ટ સરકારના ચાન્સ વધુ

નવી દિલ્હી તા. ૧૮ : ભાજપા વિરૂધ્ધ વિપક્ષી દળોના મહાગઠબંધનની શકયતાઓને કારણે અટકળોએ જોર પકડયું છે કે લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન મોદી સત્તા ગુમાવશે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢની ચૂંટણીમાં કોંગ્રેસની જીત પછી તેના કેટલાક નેતાઓએ લોકસભા ચુંટણીમાં ૧૨૦-૧૫૦ બેઠકો જીતવાનું અનુમાન પણ કરી નાખ્યું છે. આવું થશે તો ભાજપા વિરોધી ગઠબંધનનું નેતૃત્વ કરીને કોંગ્રેસ સત્તા પર આવી શકે છે.

જોકે, યુપીમાં બહુજન સમાજ પાર્ટીનાં નેતા માયાવતીનો પ્રભાવ વધવાથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો ચાન્સ નબળો પડ્યો છે. એસપી અને બીએસપીએ પોતાના ગઠબંધનમાં કોંગ્રેસને જગ્યા નથી આપી. જોકે, બંને પક્ષોએ રાયબરેલી અને અમેઠીમાં પોતાના ઉમેદવાર ન ઉતારવાનું નક્કી કર્યું છે. ઉલ્લેખનીય છે કે, આ બંને બેઠકો વર્ષોથી કોંગ્રેસ જીતતી આવી છે.

એસપી-બીએસપીનો ટેકો ન હોવાથી કોંગ્રેસ યુપીની ૮૦માંથી માંડ બે બેઠક જીતી શકે તેવી શકયતા છે. જો આમ થયું તો લોકસભાની ૫૪૩ બેઠકોમાંથી કોંગ્રેસનો આંકડો ૧૦૦ સુધી પહોંચવો પણ મુશ્કેલ છે. અનેક સ્થાનિક પક્ષોને ભાજપથી ડર તો છે જ, તેઓ કોંગ્રેસથી પણ સતર્ક રહેવા લાગ્યા છે. તેમને ભલે મોદી પસંદ ન હોય, પરંતુ રાહુલ ગાંધીને ગળે લગાવતા તેઓ અચકાઈ રહ્યા છે. તેઓ ખુદ આગેવાની કરવા ચાહે છે.

તેવામાં ચાન્સ છે કે, એસપી-બીએસપી મળીને પીએમ પદ માટે માયાવતીને આગળ વધારે, જયારે ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં અખિલેશ યાદવને યુપીના સીએમ કેન્ડિડેટ તરીકે રજૂ કરવામાં આવે. તેનાથી બંને પક્ષોની મહત્વાકાંક્ષા પૂરી થઈ જશે. આ ગઠબંધન યુપીમાં ૬૦ બેઠકો જીતવાની અપેક્ષા રાખી રહ્યું છે. ૨૦૧૪ની સામાન્ય ચૂંટણી દરમિયાન ૮૦માંથી ૪૧ બેઠકો પર આ બંને પક્ષોને મળેલા વોટ એનડીએને મળેલા વોટથી વધારે હતા. ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં પણ તેમનો કમ્બાઈન્ડ શેર ૮૦માંથી ૫૭ બેઠકો પર વધુ રહ્યો હતો.

સત્તા વિરોધી ટ્રેન્ડથી મોદીનો વોટ શેર જો ઓછો થાય તો એસપી-બીએસપીનું ગઠબંધન યુપીમાં ૫૭થી વધુ બેઠકો જીતવાની આશા રાખી શકે છે. આ પ્રકારે માયા અને અખિલેશની જોડી સંસદમાં સ્થાનિક પક્ષોમાં સૌથી મોટી બની જશે, અને પીએમ પદ પર પણ દાવો કરવાની સ્થિતિમાં આવી જશે.

બિહાર, કર્ણાટક, તમિલનાડુ અને સંભવતઃ હરિયાણામાં કોંગ્રેસ પાસે દમદાર સહયોગી છે. જોકે, બંગાળ, ઓડિશા અને તેલંગાણામાં સ્થાનિક પક્ષો કેન્દ્રમાં ભાજપ કે કોંગ્રેસ બંનેમાંથી એકેય પક્ષની સરકાર ન બને તેમાં જ ખુશ છે. તેની સંભાવના કોંગ્રેસની આગેવાનીમાં બનનારી ગઠબંધન સરકારથી વધુ દમદાર દેખાવા લાગી છે.

યુપીમાં થયેલા લેટેસ્ટ ગઠબંધન બાદ મોદી પોતાના દમ પર ચૂંટણી જીતે તેવી શકયતા ૫૦ ટકા છે, પરંતુ કોંગ્રેસની આગેવાનીમાં બનનારા ગઠબંધનનો ચાન્સ ઘટીને ૧૦ ટકા થઈ ગયો છે. થર્ડ ફ્રંટ ગવર્મેન્ટનો ચાન્સ ૪૦ ટકા થઈ ગયો છે. પીએમ પદ માટે મોદી પછી બીજા સૌથી દમદાર દાવેદારમાં હવે માયાવતી છે, અને રાહુલ ગાંધી તેમનાથી ઘણા પાછળ દેખાઈ રહ્યા છે.

જોકે, આગામી દિવસોમાં મોદી ઓછી આવક ધરાવતા લોકો માટે બેસિક ઈનકમ અને અયોધ્યામાં રામ મંદિર બનાવવાની યોજનાની ઘોષણા કરી શકે છે કે પછી પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈક કરી શક છે. કે પછી શકય છે કે વૈશ્વિક મંદીનો પડછાયો મોદી સરકારને ઘેરી લે. અત્યારની સ્થિતિમાં કશુંય ફાઈનલ નથી.(૨૧.૭)

(10:17 am IST)
  • ઓમપ્રકાશ રાજભરેકહ્યું હ્યું કે ભાજપ આ સમયે કુંભ, રામ મંદિર અને હિન્દુ-મુસ્લિમ મુદ્દાથી પરેશાન access_time 1:09 am IST

  • કોલંબીયામાં કાર બોમ્બ વિસ્ફોટઃ ૧૦ના મોત, ૬૫થી વધુ ઘાયલ :કોલંબીયાની રાજધાની બોગોટામાં એક પોલીસ કેડેટ ટ્રેનીંગ એકેડમીમાં પ્રચંડ કાર વિસ્ફોટ : અફરાતફરી મચી ગઈ access_time 3:14 pm IST

  • યોગી સરકારે ગરીબોને ૧૦ ટકા અનામત આપવાની જાહેરાત કરીઃ બધા પ્રકારની સરકારી નોકરીઓમાં લાગુ થશે. ગુજરાત,ઝારખંડ પછી હવે યુપી ત્રીજુ રાજ્ય બન્યું છે જેણે ૧૦% અનામતની માંગણી સ્વીકારી લીધી છે. access_time 3:40 pm IST