Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

આયુષ્યમાન ભારત યોજનાની સફળતાથી ગેટ્સ પણ હેરતમાં

૧૦૦ દિવસમાં ૬ લાખ દર્દીઓને લાભથી પ્રભાવિત : સોશિયલ મિડિયા ઉપર ટ્વિટ કરીને સરકારને અભિનંદન આપ્યા : બુધવાર સુધી ૮.૫૦ લાખ લોકોને થયેલો ફાયદો

નવી દિલ્હી, તા. ૧૭ : દુનિયાની દિગ્ગજ ટેકનોલોજી કંપની માઇક્રોસોફ્ટના સ્થાપક અને ગેટ્સ ફાઉન્ડેશનના ચેરમેન બિલ ગેટ્સે કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી આયુષ્માન ભારત યોજનાની ભારે પ્રશંસા કરી છે. બિલ ગેટ્સે આ યોજનાના લોન્ચિંગના ૧૦૦ દિસવની અંદર જ છ લાખથી વધારે દર્દીઓ દ્વારા લાભ ઉઠાવવાને લઇને સુખદ આશ્ચર્યની લાગણી વ્યક્ત કરી છે. તેઓએ સોશિયલ મિડિયા સાઇટ ઉપર ટ્વિટર પર લખ્યું છે કે, આયુષ્યમાન ભારતમાં પ્રથમ ૧૦૦ દિવસના પ્રસંગે તેઓ ભારત સરકારને અભિનંદન આપે છે. આ જોઇને ખુબ ખુશી થઇ રહી છે કે, મોટી સંખ્યામાં લોકો આ યોજનાનો લાભ લઇ રહ્યા છે. હકીકતમાં કેન્દ્રીય આરોગ્યમંત્રી જગતપ્રતાપ નડ્ડાએ બીજી જાન્યુઆરીના દિવસે ટ્વિટ કરીને કહ્યું હતું કે, ૧૦૦ દિવસની અંદર જ છ લાખ ૮૫ હજાર લોકોએ આયુષ્યમાન ભારત યોજના હેઠળ મફત સારવાર લધી છે. તેમણે કહ્યું હતું કે, લાભાર્થીઓની સંખ્યા ખુબ ઝડપથી વધી રહી છે. બિલ ગેટ્સે આરોગ્યમંત્રીના આ ટ્વિટને રિટ્રિટ કરીને ભારત સરકારને અભિનંદન આપ્યા છે. મોદી સરકારે ગયા વર્ષે ૨૦૧૮માં બજેટમાં આયુષ્યમાન ભારત યોજનાની જાહેરાત કરી હતી. વડાપ્રધાન મોદીએ સંઘના વિચારક દિનદયાળ ઉપાધ્યાયની જન્મજ્યંતિ ૨૫મી સપ્ટેમ્બરના દિવસે આયુષ્યમાન ભારત યોજના લોંચ કરી હતી. આ યોજના હેઠળ ગરીબ પરિવારોને પાંચ લાખ રૂપિયાની મફત સારવારની વ્યવસ્થા કરવામાં આવી છે. મિડિયા સંસ્થાઓ આ યોજનાને મોદી કેરનું નામ પણ આપે છે. હકીકતમાં આયુષ્યમાન ભારતના સીઈઓ ડોક્ટર ઇન્દુ ભૂષણે કહ્યું છે કે, બુધવાર સુધીના ગાળામાં ૮.૫૦ લાખ લોકો આ યોજનાનો લાભ લઇ ચુક્યા છે. બિલ ગેટ્સે પ્રભાવિત થઇને સરકારની આ યોજનાનું ભવ્ય સ્વાગત કર્યું છે. સાથે સાથે આ યોજના બદલ ખુશી વ્યક્ત કરી છે.

 

(12:00 am IST)