Gujarati News

Gujarati News

News of Friday, 17th December 2021

વડાપ્રધાન મોદીને ભૂતાનના સર્વોચ્ચ નાગરિકનું સમ્માન અપાશે

ભૂતાનના વડાપ્રધાને મોદીને ગણાવ્યા આધ્યાત્મિક વ્યકિત

નવી દિલ્હી તા. ૧૭ : વડાપ્રધાન મોદીના નામે વધુ એક ઉપલબ્ધિ જોડાઈ છે. તેમણે જલ્દી વધુ એક આંતરરાષ્ટ્રીય સન્માનથી નવાજમાં આવશે. હકિકતમાં ભૂતાન સરકારે પીએમ મોદીને ભૂટાનના સર્વોચ્ચ નાગરિક સન્માનની સન્માનિત કરવાની જાહેરાત કરી છે. ભૂતાનના પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી આ વાતની જાણકારી મળી છે.

ભૂટાન સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભૂટાનનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર નાગદાગ પેલજી ખોર્લો એનાયત કરવાનો નિર્ણય લીધો છે. આ જાણકારી ભૂટાનના પીએમ લોટે શેરિંગે આપી છે. શેરિંગે કહ્યું છે કે પીએમ મોદીએ વર્ષોથી બિનશરતી મિત્રતા નિભાવી છે અને કોરોનાવાયરસ રોગચાળા દરમિયાન ખૂબ મદદ કરી છે. શેરિંગે કહ્યું કે તેમણે પીએમ મોદીને આધ્યાત્મિક વ્યકિત તરીકે જોયા છે.

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારત અને ભૂટાન વચ્ચે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય સંબંધો રહ્યા છે. ભારત ભૂટાનનું સૌથી મોટું વેપાર અને વિકાસ ભાગીદાર બનવાનું ચાલુ રાખે છે અને તેણે દેશના ઘણા વિકાસ પ્રોજેકટ્સને સમર્થન આપ્યું છે. આમાંથી ૧૦૨૦ મેગાવોટ તાલા હાઇડ્રોઇલેકિટ્રક પ્રોજેકટ, પારો એરપોર્ટ અને ભૂટાન બ્રોડકાસ્ટિંગ સ્ટેશન વગેરે અગ્રણી છે.

(2:49 pm IST)