Gujarati News

Gujarati News

News of Friday, 17th December 2021

જન્મના સમયે હોસ્પિટલમાંથી જ બાળકોને મળી જશે આધાર કાર્ડ

હોસ્પિટલોને ટૂંક સમયમાં જ આધાર એનરોલમેન્ટની સુવિધા આપવામાં આવશે

નવી દિલ્હી તા. ૧૭ : યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) ટૂંક સમયમાં હોસ્પિટલમાં જન્મેલા નવજાત શિશુને આધાર કાર્ડ આપવાની તૈયારી કરી રહ્યું છે. આ માટે હોસ્પિટલોને ટૂંક સમયમાં જ આધાર એનરોલમેન્ટની સુવિધા આપવામાં આવશે, જેના દ્વારા તેઓ તરત જ નવજાત બાળકોનું આધાર કાર્ડ બનાવશે.

UIDAIના CEO સૌરભ ગર્ગે કહ્યું, 'UIDAI નવજાત શિશુઓને આધાર નંબર આપવા માટે જન્મ રજીસ્ટ્રાર સાથે જોડાણ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.' અત્યાર સુધી, દેશમાં પુખ્ત વસ્તીના ૯૯.૭ ટકા લોકોને આધાર નંબર આપવામાં આવ્યા છે. આ માટે લગભગ ૧૩૧ કરોડ વસ્તીની નોંધણી કરવામાં આવી છે અને હવે અમારો પ્રયાસ નવજાત બાળકોની નોંધણી કરવાનો છે.

ગર્ગે વધુમાં કહ્યું કે, દેશમાં દર વર્ષે ૨ થી ૨.૫ કરોડ બાળકોનો જન્મ થાય છે. અમે તેમને આધારમાં નોંધણી કરવાની પ્રક્રિયામાં છીએ. તેમણે કહ્યું કે બાળકના જન્મ સમયે ફોટોગ્રાફના કિલકના આધારે આધાર કાર્ડ ઉપલબ્ધ કરાવવામાં આવશે. UIDAI CEOએ જણાવ્યું હતું કે, 'અમે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના બાયોમેટ્રિકસ એકત્ર કરતા નથી, પરંતુ તેને તેના માતા-પિતામાંથી કોઈ એક સાથે, માતા કે પિતા સાથે જોડીએ છીએ અને પાંચ વર્ષની ઉંમર સુધી તે ચાલશે. ત્યાર બાદ બાયોમેટ્રિકસ બાળકના લેવામાં આવશે.'

ગર્ગે વધુમાં કહ્યું કે, અમે અમારી સમગ્ર વસ્તીને આધાર નંબર આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ગયા વર્ષે, અમે દૂરના વિસ્તારોમાં ૧૦,૦૦૦ કેમ્પ લગાવ્યા હતા, જયાં તેમને કહેવામાં આવ્યું હતું કે, ઘણા લોકો પાસે આધાર નંબર નથી. આ પછી, લગભગ ૩૦ લાખ લોકોએ આધાર માટે નોંધણી કરાવી હતી.

ગર્ગે વધુમાં કહ્યું, 'પહેલા આધાર નંબર વર્ષ ૨૦૧૦માં ફાળવવામાં આવ્યો હતો. શરૂઆતમાં અમારૃં ધ્યાન શકય તેટલા વધુ લોકોની નોંધણી કરવાનું હતું અને હવે અમે અપડેટ કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. દર વર્ષે લગભગ ૧૦ કરોડ લોકો પોતાનું નામ, સરનામું, મોબાઈલ નંબર અપડેટ કરે છે. ૧૪૦ કરોડ બેંક ખાતાઓમાંથી ૧૨૦ કરોડ ખાતાને આધાર સાથે લિંક કરવામાં આવ્યા છે.'

(10:35 am IST)