Gujarati News

Gujarati News

News of Tuesday, 17th December 2019

મુસ્લિમોમાં ભય ફેલાવવા માટેના પ્રયાસ થઇ રહ્યા છે

ઝારખંડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત રહ્યા : પાકિસ્તાનના તમામ નાગરિકને નાગરિકતા આપીશું તેવી જાહેરાત કોંગ્રેસ કરી બતાવે : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ખુલ્લો પડકાર

રાંચી, તા. ૧૭ :  ઝારખંડમાં પાંચમાં અને અંતિમ તબક્કા માટે ચૂંટણી પ્રચાર ચરમસીમા પર છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જોરદાર ઝંઝાવતી પ્રચાર જારી રાખ્યો હતો. નાગરિકતા કાનૂનને લઇને દેશના જુદા જુદા ભાગોમાં હિંસક પ્રદર્શન જારી છે ત્યારે વડાપ્રધાને કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા હતા. ઝારખંડના બરહેટમાં ચૂંટણી સભાને સંબોધતા મોદીએ કહ્યું હતું કે, તેઓ કોંગ્રેસ સહિત એવા તમામ પક્ષોને પડકાર ફેંકતા કહે છે કે, જો તેમનામાં હિંમત છે તો ખુલ્લીરીતે ઘોષણા કરે કે પાકિસ્તાનના દરેક નાગરિકને ભારતની નાગરિકતા આપવા માટે તૈયાર છે. દેશ તેમના હિસાબ ચુકતા કરશે. જમ્મુ કાશ્મીર અને લડાખમાં ફરીથી કલમ ૩૭૦ લાગૂ કરાશે તેવી હિંમત કરીને કોંગ્રેસ બતાવે તેવો પડકાર પણ મોદીએ ફેંક્યો હતો. ત્રિપલ તલાકની સામે જે કાનૂન છે તેને રદ કરવાની જાહેરાતની હિંમત કોંગ્રેસ અને તેના સાથી પક્ષો કરી બતાવે તેવી વાત પણ મોદીએ કરી હતી. કોંગ્રેસ અને તેના સાથી પક્ષો આ મુદ્દે મુસ્લિમોને ઉશ્કેરવા, ડરાવવા અને ભયભીત કરવાના પ્રયાસ કરીને રાજકીય રમત રમી રહ્યા છે. કોંગ્રેસની નીતિના લીધે જ દેશનું વિભાજન થયું હતું. પહેલા પણ ભારત માતાના ટુકડા થઇ ચુક્યા છે.

                 કોંગ્રેસ પાર્ટીના લીધે જ લાખો ઘુસણખોરો ભારતમાં ઘુસી ગયા હતા અને તેનો વોટબેંક તરીકે ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો. મોદીએ જાહેરાત કરતા કહ્યું હતું કે, ભારત સરકાર માટે એક જ ગ્રંથ બાબાસાહેબ આંબેડકરનું બંધારણ છે. અમારા માટે એક જ મંત્ર સર્વોપરી છે. તેમણે કહ્યું હતું કે, કોલેજો અને યુનિવર્સિટીઓમાં થઇ રહેલા તોફાનોના સંદર્ભમાં તેઓ અપીલ કરવા માંગે છે કે, પોતાના મહત્વને સમજવાની જરૂર છે. સંસ્થાઓના મહત્વને પણ સમજવાની જરૂર છે. સરકારના નિર્ણય અને નીતિને લઇને ચર્ચા અને ડિબેટ કરી શકાય છે. કોઇ ખોટા કામ લાગે છે તો લોકશાહીરીતે પ્રદર્શન કરી શકાય છે. સરકાર દરેકની વાતને સમજવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. કેટલાક લોકો શહેરી નક્સલવાદ અને પોતાને બુદ્ધિજીવી લોકો કહેનાર અન્યોના ઇશારે ચાલી રહ્યા છે.

               વિદ્યાર્થીઓના જીવનને બરબાદ કરવાના પ્રયાસ કરી રહ્યા છે. દેશના લોકો છેલ્લા ૨૦ વર્ષથી આ બાબત જોઈ ચુક્યા છે. કોંગ્રેસ અને તેના સાથી પક્ષોને માત્ર મોદીથી નફરત છે. દેશહિત સાથે જોડાયેલા કોઇપણ મુદ્દા હોય પરંતુ મોદી પ્રત્યે તેમની નફરત નજરે પડે છે. ઘુસણખોરોના કારણે જે સમસ્યા થઇ છે તેના માટે પણ કોંગ્રેસ અને તેના સાથી પક્ષો જવાબદાર છે. આ લોકો વર્ષુ શાસન કરતા રહ્યા હતા. મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. ભાજપમાં લોકોનો વિશ્વાસ વધી રહ્યો છે જેનાથી કોંગ્રેસ ચિંતાતુર છે.

(9:44 pm IST)