Gujarati News

Gujarati News

News of Tuesday, 17th December 2019

જીએસટી કાઉન્સિલની કાલે મિટિંગ : વિવિધ મુદ્દા ચર્ચાશે

રાજ્યોને વળતરના મુદ્દા પર ચર્ચા હાથ ધરાશે : અપેક્ષા કરતાય ઓછી વસુલાત, આર્થિક સુસ્તી, જીએસટી રેટ સહિતના જુદા જુદા મુદ્દા ઉપર વિસ્તૃત વાતચીત થશે

મુંબઈ, તા. ૧૭ : જીએસટી કાઉન્સિલની અતિ મહત્વપૂર્ણ બેઠક આવતીકાલે યોજાનાર છે. આ બેઠકમાં કલેક્શનમાં થઇ રહેલા ઘટાડા, રેટમાં વધારા સહિતના જુદા જુદા મુદ્દાઓ ઉપર વિસ્તારપૂર્વક ચર્ચા વિચારણા કરવામાં આવનાર છે. રાજ્યોને વળતર ચુકવણીમાં થઇ રહેલા વિલંબ, અપેક્ષા કરતા ઓછા કરવેરા વસુલાત અને કરવેરાના માળખા સહિતના મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવશે. પશ્ચિમ બંગાળ જેવા કેટલાક રાજ્યો દ્વારા સેસમાં કરવામાં આવેલા કોઇપણ વધારાનો વિરોધ કર્યો છે. અર્થતંત્રમાં મંદી વચ્ચે આ પ્રકારની બાબત ઉભરી રહી છે. ગ્રાહકોની સાથે સાથે ઇન્ડસ્ટ્રી પણ હાલમાં ભારે દબાણ હેઠળ છે. રેવેન્યુમાં થઇ રહેલા ઘટાડાની સાથે સાથે જીએસટી રેટમાં વધારાને લઇને સૂચનો થઇ રહ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારામનના નેતૃત્વમાં જીએસટી કાઉન્સિલની બેઠક હવે મળનાર છે જેમાં જીએસટીની સમીક્ષા, જુદી જુદી વસ્તુઓ ઉપર વળતર સેસના દરો સહિતના મુદ્દા પર ચર્ચા કરાશે.

            નાણામંત્રી નિર્મલા સીતારામનને લખવામાં આવેલા પત્રમાં બંગાળના નાણામંત્રી અમિત મિત્રાએ કહ્યું છે કે, રાજ્યોને જીએસટી કાઉન્સિલ તરફથી પત્રો મળ્યા છે જેમાં જીએસટી રેવેન્યુને વધારવા માટે મુક્તિ હેઠળ રહેલી વસ્તુઓની સમીક્ષાની માંગ કરવામાં આવી છે. જીએસટી કાઉન્સિલની બેઠક એવા સમયે મળી રહી છે જ્યારે જીએસટી વળતરની ચુકવણીમાં વિલંબ થઇ રહ્યો છે. વળતર જારી કરવાની શરૂઆત રાજ્ય તરફથી કરવામાં આવી ચુકી છે. સેન્ટ્રલ જીએસટી વસુલાત એપ્રિલ-નવેમ્બરના ગાળા દરમિયાન ૪૦ ટકા સુધી બજેટ અંદાજથી ઓછી રહી છે.  આવતીકાલે જીએસટી કાઉન્સિલની બેઠક મળનાર છે. આ બેઠકમાં આ વખતે પરોક્ષ કરવેરામાંથી મહેસુલને વધારવા કયા પગલા લેવામાં આવે તેના ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવશે. જાણકાર લોકોનું કહેવું છે કે, નાણામંત્રી નિર્મલા સીતારામનના નેતૃત્વમાં મળનારી જીએસટી કાઉન્સિલની આ બેઠક ૩૮મી બેઠક તરીકે રહેશે. વળતર સેસ માટે વૈકલ્પિક વ્યવસ્થા ઉપર આમા ચર્ચા કરવામાં આવનાર છે. આ ઉપરાંત આગામી નવા જીએસટી રિટર્ન માટેના માળખાને વધુ સરળ કરવાનો મુદ્દો પણ છવાશે. એવી અટકળો પણ ચાલી રહી છે કે, જીએસટી રેટમાં કોઇ મોટા ફેરફાર પણ થઇ શકે છે. સ્લેબમાં સુધારા કરવામાં આવી શકે છે. ટ્રાન્ઝિક્શનથી લાભ લેવાના પગલાનો પણ સમાવેશ થાય છે. જીએસટી કાઉન્સિલની બેઠકમાં જુદા જુદા રાજ્યો તરફથી ઉલ્લેખનીયરીતે રજૂઆત કરવામાં આવશે જેમાં ૩૮મી બેઠકના ભાગરુપે રાજ્યો તરફથી રજૂઆતને નિર્મલા સીતારામન ગંભીરતાથી સાંભળનાર છે. 

બેઠકની સાથે સાથે......

*   જીએસટી કાઉન્સિલની આવતીકાલે બેઠક થશે

*   રાજ્યોને વળતરની ચુકવણીમાં વિલંબ સહિતના પાસા ચર્ચાશે

*   સેસ રેટમાં કોઇપણ વધારાનો વિરોધ કરવા બંગાળની તૈયારી

*   જીએસટી રેટમાં વધારો કરવા માટેના સૂચન પણ થયા

*   નાણામંત્રી નિર્મલા સીતારામનના નેતૃત્વમાં જીએસટી કાઉન્સિલની બેઠક મળશે

*   જીએસટીની સમીક્ષા, જુદી જુદી વસ્તુઓ ઉપર વળતર સેસના રેટ, ડ્યુટી માળખા સહિતના પાસાઓ પર ચર્ચા કરાશે

*   કેન્દ્ર દ્વારા વળતરની રકમ જારી કરાતા સ્થિતિ હવે હળવી થઇ રહી છે

(7:50 pm IST)