Gujarati News

Gujarati News

News of Tuesday, 17th December 2019

ભારે લેવાલી વચ્ચે સેંસેક્સ ૪૧૩ પોઇન્ટ ઉછળીને બંધ

સેંસેક્સ ૪૧૩૫૨ની રેકોર્ડ ઉંચી સપાટીએ : એરટેલ, એચડીએફસી, અન્ય ઘણા પસંદગીના હેવીવેઇટ શેરોમાં જોરદાર લેવાલી : નિફ્ટીમાં ૧૨૧૬૫ની સપાટી

નવીદિલ્હી, તા. ૧૭ : શેરબજારમાં આજે જોરદાર લેવાલીનું મોજુ ફરી વળ્યું હતું જેથી સેંસેક્સ રેકોર્ડ ઉંચી સપાટી હાંસલ કરવાની દિશામાં આગેકૂચ કરી હતી. મેટલ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના શેરમા લેવાલી જામી હતી. બીએસઈ સેંસેક્સ આજે કારોબારના અંતે ૪૧૩ પોઇન્ટ ઉછળીને ૪૧૩૫૨ની ઉંચી સપાટીએ રહ્યો હતો. ભારતી એરટેલ, એચડીએફસી ટ્વિન જેવા પસંદગીના હેવીવેઇટમાં જોરદાર લેવાલી જામી હતી જેથી સેંસેક્સે ઉંચી સપાટી હાંસલ કરી હતી. તાતા સ્ટીલ અને વેદાંતાના શેરમાં જોરદાર ઉછાળો રહ્યો હતો. એનએસઈમાં નિફ્ટી ઇન્ડેક્સ ૧૧૧ પોઇન્ટ ઉછળીને ૧૨૧૬૫ની ઉંચી સપાટીએ રહ્યો હતો. છેલ્લા કલાકના કારોબાર દરમિયાન નિફ્ટીએ એક વખતે ૧૨૧૮૨ની સપાટી મેળવી હતી. ચાવીરુપ ઇન્ડેક્સમાં નિફ્ટી બેંક ઇન્ડેક્સમાં લાઇફટાઈમ હાઈ સપાટી ૩૨૨૧૩ની જોવા મળી હતી. કારોબારના અંતે આ ઇન્ડેક્સ ૦.૫૭ ટકા ઉછળીને ૩૨૧૫૬ની ઉંચી સપાટીએ રહ્યો હતો. નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં ટોપ પરફોર્મરની સ્થિતિ રહી હતી તેમાં ત્રણ ટકાનો ઉછાળો રહ્યો હતો. નિફ્ટી રિયાલીટી ઇન્ડેક્સમાં ૦.૩૫ ટકાનો ઘટાડો રહ્યો હતો.

                બ્રોડર માર્કેટમાં સ્મોલકેપમાં અપેક્ષા કરતા સારી સ્થિતિ રહી હતી. બીએસઈ સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૦.૬૬ ટકાનો ઉછાળો રહ્યો હતો જેથી તેની સપાટી ૧૩૩૯૩ રહી હતી. બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૧૪૮૧૮ સપાટી રહી હતી. મિડકેપ તેમાં ૦.૩૮ ટકાનો ઉછાળો રહ્યો હતો. શુક્રવારના દિવસે ચીન સાથે વેપાર સમજૂતિ પૈકી એક આડેની અડચણો દૂર કરવા પર સહમતિ થઇ હતી. આરબીઆઈ દ્વારા ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં યોજાયેલી મોનિટરી પોલિસી કમિટીની બેઠકના તારણો જારી કરશે. બેંચમાર્ક ધિરાણદરો સ્થિર કેમ રાખવામાં આવ્યા તેના અંગે માહિતી આપવામાં આવશે. સતત પાંચ વખત વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવ્યા બાદ આરબીઆઈએ હાલમાં જ તેની છઠ્ઠી પોલિસી સમીક્ષામાં વ્યાજદરો યથાવત રાખ્યા હતા.

               ૧૮મી ડિસેમ્બરના દિવસે પ્રિન્સ પાઇપ એન્ડ ફિટિંગનો આઈપીઓ બજારમાં આવી રહ્યો છે. ૫૦૦ કરોડના આ આઈપીઓને લઇનેઉત્સુકતા દેખાઈ રહી છે. ૮૪ ઇક્વિટી શેરના લઘુત્તમ બીડને લઇને ઉત્સુકતા દેખાઈ રહી છે. અત્રે નોંધનીય છે કે, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા ડબલ્યુપીઆઈ ફુગાવાના આંકડા જારી કરવામાં આવ્યા હતા. શાકભાજી અને કઠોળની કિંમતમાં વધારો થયા બાદ ફુગાવો હવે વધીને ૦.૫૮ ટકા થઇ ગયો છે. ઓક્ટોબર મહિનામાં ફુગાવો ૦.૧૬ ટકા રહ્યો હતો. ખાદ્યાન્ન ચીજવસ્તુઓની કિંમતમાં ઉલ્લેખનીય વધારો થયો છે. હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સ ઉપર આધારિત વાર્ષિક ફુગાવો એક વર્ષ અગાઉ એટલે કે નવેમ્બર ૨૦૧૮માં આ મહિનામાં જ ૪.૪૭ ટકા હતો જેની સામે હવે ફુગાવો નવેમ્બર મહિનામાં ૦.૫૮ ટકા થયો છે. ઓક્ટોબર મહિનામાં ફુગાવો ૦.૧૬ ટકા હતો. ફુડ આર્ટિકલ માટેની કિંમતોમાં વધારો આ મહિના દરમિયાન ૧૧ ટકાનો રહ્યો છે.

(7:48 pm IST)