Gujarati News

Gujarati News

News of Tuesday, 17th December 2019

નાગરિકતા કાનૂનની સામે વિરોધ પક્ષોની રાષ્ટ્રપતિ સમક્ષ રજૂઆત

એક્ટને લાગૂ કરી સરકાર વિપક્ષ-લોકોના અવાજને દબાવે છે : સોનિયા ગાંધીઃ સોનિયા ગાંધીના નેતૃત્વમાં કુલ ૧૪ વિરોધ પક્ષોના લીડરોની રાષ્ટ્રપતિ સમક્ષ રજૂઆત : બિલને પરત લેવાની માંગ : વિરોધ પ્રદર્શન વધવાની શંકા દોહરાવી

નવીદિલ્હી, તા. ૧૭ : નાગરિક કાનૂનની સામે કોંગ્રેસના નેતૃત્વમાં ૧૪ વિરોધ પક્ષના નેતાઓએ આજે રજઆત કરી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને આવેદનપત્ર સુપ્રત કર્યા બાદ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ મોદી સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, સરકાર આ એક્ટને લાગૂ કરવા માટે સામાન્ય લોકો અને વિપક્ષના અવાજને દબાવી દેવાના પ્રયાસમાં છે જેમાં તેને સફળતા મળશે નહીં. સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, અમે રાષ્ટ્રીય પાટનગર દિલ્હી સહિત દેશભરમાં હિંસકવિરોધ પ્રદર્શનના પરિણામ સ્વરુપે ઉભી થયેલી સ્થિતિ વચ્ચે રાષ્ટ્રપતિ પાસેથી દરમિયાનગીરીની અપીલ કરી ચુક્યા છે. આ વિરોધ પ્રદર્શનના વધુ વધી જવાની દહેશત પણ રહેલી છે. પોલીસે જે રીતે શાંતિપૂર્ણ પ્રદર્શનની સામે હિંસા ફેલાવી છે તે દુખદ બાબત છે. સોનિયા ગાંધીએ એમ પણ કહ્યું હતું કે, પોલીસે જે રીતે વિદ્યાર્થીઓને માર માર્યા છે તે પણ વખોડવાલાયક બાબત છે.

              લોકશાહી અધિકારોનો ભંગ થઇ રહ્યો છે. મોદી સરકાર એક્ટને લાગૂ કરીને લોકોના અવાજને દબાવી દેવાના પ્રયાસ કરી રહી છે. વિપક્ષ અને પ્રજા આને સ્વિકારશે નહીં. ટીએમસીના નેતા ડેરેક બ્રાયને કહ્યું હતું કે, અમે રાષ્ટ્રપતિ સમક્ષ આ બિલને પરત લેવાની અપીલ કરી ચુક્યા છે. યેચુરીએ કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ દેશના બંધારણના કસ્ટોડિયન તરીકે છે. બંધારણીય ઉલ્લંઘનની સામે ફરિયાદ કરવામાં આવી છે. આ કાનૂનને પરત લેવાની સલાહ આપવામાં આવે તે પણ જરૂરી છે. સમાજવાદી પાર્ટીના નેતા રામગોપાલ યાદવે કહ્યું હતું કે, અમે પહેલાથી જ કહી રહ્યા હતા કે, આનાથી દેશભરમાં અશાંતિ ફેલાશે અને અશાંતિ ફેલાઈ ચુકી છે.

              રામગોપાલ યાદવે કહ્યું હતું કે, આ એક્ટ અને એનઆરસી વિવાદ દેશના લોકોમાં ભયની લાગણી ફેલાવી રહી છે. નોર્થઇસ્ટના રાજ્યોદેશના અન્ય ભાગોથી સંપૂર્ણપણે કપાઈ ચુક્યા છે. ઉત્તર પૂર્વીય રાજ્યોમાં વ્યાપક હિંસા જારી છે. જામિયા મિલિયા ઇસ્લામિયા અને દિલ્હીના અન્ય વિસ્તારોમાં હિંસક વિરોધ પ્રદર્શન બાદ કેટલાક સ્ટેશન પર મેટ્રો ટ્રેનને નહીં રોકવાનો નિર્ણય કરાયો છે. વિદ્યાર્થીઓ ઉપર પોલીસે કાર્યવાહી પણ કરી હતી જેમાં કેટલાકને ઇજા થઇ છે. આસામમાં હજુ સુધી ચાર લોકોના મોત થઇ ચુક્યા છે. આસામ ઉપરાંત મેઘાલય, ત્રિપુરામાં દેખાવો થયા છે. બંગાળમાં પણ સ્થિતિ હિંસક બનેલી છે. સ્થિતિને કાબૂમાં લેવા તમામ જગ્યાઓએ મજબૂત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. સંચારબંધી પણ લાગૂ કરાઈ છે. ઇન્ટરનેટ સેવા બંધ રાખવામાં આવી છે. કઠોર નિયંત્રણો હોવા છતાં ગેરમાર્ગે દોરાયેલા લોકો હિંસા પર ઉતરેલા છે.નાગરિક કાનુનને લઇને દેખાવોને રોકવા માટે વિવિધ પગલા લેવાઇ રહ્યા છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે નાગરિક સુધારા બિલ સંસદમાં પાસ કરવામાં આવ્યા બાદ શહેર અને રાજ્યોમાં હિંસક દેખાવોનો દોર શરૂ થયો હતો.

(7:44 pm IST)