Gujarati News

Gujarati News

News of Tuesday, 17th December 2019

આઠ કલાકમાં NEFTના રૂ. ૧૧.૪૦ લાખનાં ટ્રાન્ઝેકશન

બેન્કો દ્વારા હવે સાતેય દિવસ ર૪ કલાક માટે નેફટ ટ્રાન્ઝેકશનની સેવા શરૂ કરાઇ

નવી દિલ્હી તા. ૧૭: રિઝર્વ બેન્કે સાત દિવસ ર૪ કલાક કામ કરનાર નેશનલ ઇલેકટ્રોનિકસ ફંડ ટ્રાન્સફર (નેફટ) સિસ્ટમ શરૂ કરી દીધી છે. આ સિસ્ટમ લાગુ થોવાની સાથે પ્રથમ આઠ કલાકમાં રૂ. ૧૧.૪૦ લાખના ટ્રાન્ઝેકશન થયા હતા. આ સિસ્ટમ રવિવાર-સોમવારની મધરાતે શરૂ કરાઇ હતી. આરબીઆઇના જણાવ્યા અનુસાર તેના દ્વારા હવે કોઇપણ સમયે ઇલેકટ્રોનિક મોડ દ્વારા નાણાં ટ્રાન્સફર કરી શકાશે.

આ સાથે ભારત એવા ચુનંદા દેશોમાં સામેલ થઇ ગયું છે, જયાં સાતેય દિવસ ર૪ કલાક કોઇપણ રકમ ટ્રાન્સફર કરી શકાય છે. આરબીઆઇના નિવેદન અનુસાર મોડી રાતે ૧ર વાગ્યાથી સવારે ૮ વાગ્યા સુધી કુલ ૧૧.૪૦ લાખના ટ્રાન્ઝેકશન થયા હતા.

આરબીઆઇએ જણાવ્યું છે કે સાતેય દિવસ ર૪ કલાક નેફટ સુવિધા ઉપલબ્ધ કરાવવાનો હેતુ પ્રત્યેક ભારતીયને ઇ-પેમેન્ટના વિવિધ માધ્યમ દ્વારા સશકત બનાવવાનો છે. નેફટ એક ઓનલાઇન ટ્રાન્ઝેકશન મોડ છે, જેમાં તમે એક જ સમયે રૂ. બે લાખ સુધીની રકમ ઓનલાઇન ટ્રાન્સફર કરી શકો છો.

અત્યાર સુધી નેફટ ટ્રાન્ઝેકશન સામાન્ય દિવસોમાં સવારે ૮ થી સાંજે ૭ દરમિયાન અને પહેલા અને ત્રીજા શનિવારે સવારે ૮ થી બપોરે ૧ વાગ્યા સુધી કરી શકાતું હતું. પરંતુ હવે ર૪ કલાક આ ટ્રાન્ઝેકશમન કરી શકાશે.

(3:51 pm IST)