Gujarati News

Gujarati News

News of Tuesday, 17th December 2019

ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી તેમજ ધુમ્મસ

ધુમ્મસના કારણે જનજીવન પર માઠી અસર થઇ : રાજસ્થાન, બિહાર અને યુપી સહિત રાજયોમાં હજુ ઠંડી વધવાના એંધાણ : દિલ્હીમાં વિમાની સેવાને અસર થઇ

નવી દિલ્હી,તા. ૧૭: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી અને ધુમ્મસના કારણે જનજીવન પર માઠી અસર થઇ છે. ધુમ્મસના કારણે દિલ્હી અને ચંદીગઢ સહિત કેટલાક શહેરોમાં ધુમ્મસના કારણે વિમાનીસેવાને માઠી અસર થઇ છે. દિલ્હીમાં તાપમાનમાં ઘટાડો થયો છે. આજે જારી કરવામાં આવેલા બુલેટિનમાં કહેવામાં આવ્યુ છે કે દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, પશ્ચિમ ઉત્તરપ્રદેશ અને ઉત્તર રાજસ્થાનમાં કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન હજુ ઘટી શકે છે. લોકોને કાતિલ ઠંડીથી હાલ રાહત મળશે નહીં. રાજસ્થાનમાં લોકો તીવ્ર ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન સહિતના  મેદાની રાજ્યોમાં તીવ્ર ઠંડી પડી રહી છે. કાશ્મીરમા અવિરત ભારે હિમવર્ષાના કારણે સતત વિમાની સેવાને અસર થઇ રહી છે. પ્રતિકુળ હવામાનની સ્થિતીના કારણે શ્રીનગર-જમ્મુ રાજમાર્ગની સાથે સાથે વાહન વ્યવહાર પર માઠી અસર થઇ રહીછે. જમ્મુના વૈષ્ણોદેવી  વિસ્તારમાં પણ સિઝનમાં પ્રથમ વખત હિમવર્ષા થઇ છે. ગંગોત્રી અને યમનોત્રી ધાર્મિક વિસ્તારમાં છ ઇંચ સધી બરફ પડતા ચારેબાજુ બરફની ચાદર છવાઇ ગઇ છે. હવામાનમાં આવેલા પલટા વચ્ચે છેલ્લા ઘણા દિવસથી ધુમ્મસની સ્થિતી જોવા મળી રહી છે.  ભારે ધુમ્મસના કારણે અનેક વિસ્તારોમાં વિજિબીલીટીમાં ભારે ઘટાડો થવા પામ્યો છે. આ સાથે જ સતત છવાયેલા ધુમ્મસના પગલે ઉત્તર ભારતમાં શ્રેણીબદ્ધ  ટ્રેનો તેના નિર્ધારિત સમયથી મોડી ચાલી રહી છે. અનેક ટ્રેનોના સમય બદલવામાં આવ્યા છે .

 ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીના કારણે જનજીવન પર માઠી અસર થઇ રહી છે. બીજી બાજુ કાતિલ ઠંડીના કારણે ધુમ્મસની સ્થિતીને ધ્યાનમાં લઇને સાવચેતીના પગલારૂપે રેલવે દ્વારા આગામી દોઢ મહિના સુધી ૪૬ ટ્રેનો ન દોડાવવાનો નિર્ણય કર્યો છે. આના કારણે પ્રવાસીઓની મુશ્કેલીમાં વધારો થઇ શકે છે. મંડળમાં પહેલાથી જ પરેશાનીનો સામનો કરી રહેલા રેલવે યાત્રીઓની મુશ્કેલીમાં વધારો થઇ શકે છે.

(3:47 pm IST)