Gujarati News

Gujarati News

News of Tuesday, 17th December 2019

કાશ્મીરમાં જમીન ખરીદવા લગભગ કોઇ તૈયાર નથી !! જમ્મુ વિભાગ ઉપર આ માટે ભારે દબાણ

સરકારી નોકરી અને જમીનના અધિકારો અંગે સાચી માહિતી મળતી નથીઃ લોકો ગુમરાહ થાય છે

જમ્મુ તા. ૧૭: બંધારણની કલમ ૩૭૦ હટાવ્યા પછી વિશેષાધિકાર ખોઇ બેઠેલા જમ્મુ કાશ્મીરના નાગરિકોને હવે સરકારી નોકરી તથા જમીનના અધિકારો અંગે ગુમરાહ કરાઇ રહ્યા છે. તેમને ગુમરાહ કરનાર ભાજપા નેતા જ છે જે સ્થાનિક સ્તરે તેમને આંબલી પીપળી બતાવી રહ્યા છે અને કેન્દ્રીય નેતાઓ તેમના સ્વપ્નો તોડી રહ્યા છે.

છેલ્લા કેટલાક દિવસોથી રાજયમાં પૂર્વોત્તરની જેમ કલમ ૩૭૧ લાગુ કરીને રાજયના લોકોને વિશેષાધિકાર આપવાની ચર્ચા સ્થાનિક ભાજપા નેતાઓ છેડી રહ્યા છે. જો કે રવિવારે મોડી રાત્રે રાજભવને આ અંગે વિજ્ઞપ્તી જાહેર કરીને સ્પષ્ટતા કરી છે કે જમ્મુ કાશ્મીર માટે કેન્દ્ર તરફથી કલમ ૩૭૧ લાગુ નહીં કરવામાં આવે. તેમ છતાં સ્થાનિક ભાજપા નેતાઓ સામાન્ય નાગરિકોને ગુમરાહ કરવાની પોતાની પ્રક્રિયા ચાલુ રાખી રહ્યા છે.

કલમ ૩૭૦ હટાવ્યા પહેલા રાજયમાં સરકારી નોકરીઓ પર સ્થાનિક લોકોનો અધિકાર હતો તથા કોઇ બહારની વ્યકિત રાજયમાં જમીન જાયદાદ નહોતું ખરીદી શકતું. કલમ ૩૭૦ હટાવાયા પછી આવા કિસ્સા બાબતે ભાજપા કાર્યકર્તાઓ તરફથી દબાણ ઉભું થયા પછી સ્થાનિક નેતાઓ અવાર નવાર કેન્દ્રીય નેતાઓને મળવા ચકકર કાપતા હતા પણ સરકારી રીતે હજુ સુધી કોઇ સ્પષ્ટતા નથી થઇ કે જમ્મુ કાશ્મીરના નાગરિકોના અધિકારની રક્ષા કેવી રીતે થશે.

રાજભવને ૩૭૧ બાબતે સ્પષ્ટ નન્નો ભણતા અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જમ્મુ કાશ્મીરમાં જમીન સંબંધી અધિકાર જમ્મુ કાશ્મીરની ચુંટાયેલી સરકાર નકકી કરશે તેમ કહ્યા પછી આ ચર્ચા પર પૂર્ણવિરામ મુકાઇ ગયું છે. ભાજપાના પગલાનો વિરોધ કરનારાઓમાં હવે ભાજપા કાર્યકરો જ આગળ છે જે દબાયેલા સ્વરોમાં ભાજપા હાઇકમાન્ડ પર જમ્મુ કાશ્મીરના લોકો સાથે દગો કરવાનો આક્ષેપ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે બધા જાણે જ છે કે કાશ્મીરમાં આતંકવાદના લીધે ઉદ્યોગો વગેરે માટે ત્યાં કોઇ જમીન ખરીદવા તૈયાર નથી અને સૌથી વધુ દબાણ જમ્મુ પર પડી રહ્યું છે, જયાં લોકો જમીન તથા સરકારી નોકરીઓમાં ભાગીદારી અંગે કોઇ કાયદો ન બનવાના કારણે મુશ્કેલ પરિસ્થિતિમાં છે. (સુરેશ ડુગ્ગર દ્વારા)

(3:44 pm IST)