Gujarati News

Gujarati News

News of Tuesday, 17th December 2019

ભારતીય અર્થતંત્ર માટે માઠા સમાચાર

મુડીઝે ભારતનાં આર્થિક વિકાસ દરના અનુમાનને ઘટાડયું: ચાલુ વર્ષ માટે ૪.૯ ટકા

૨૦૨૦-૨૧ માટે ૬.૩ ટકા રહેવા અનુમાનઃ પહેલા અનેક એજન્સીઓએ અનુમાન ૫ ટકા જાહેર કર્યું છે

નવી દિલ્હી,તા.૧૭:આર્થિક મંદી સામે ઝઝુમી રહેલી દેશની અર્થવ્યવસ્થા અંગે વધુ એક નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી મૂડીઝે દાવો કર્યો છે કે નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં ભારતનો વિકાસ દર ૪.૯ ટકા રહે તેવી સંભાવના છે.

આ પહેલા મૂડીઝે જ અનુમાન કર્યું હતું કે ભારતની GDP ૫.૮ ટકા રહેશે, પણ દેશની હાલની સ્થિતિને જોતા મૂડીઝે પોતાના અનુમાનમાં ૧.૧ ટકાનો દ્યટાડો કર્યો છે. રેટિંગ એજન્સી મૂડીઝે આ અંગે કારણ રજૂ કર્યું છે કે પહેલા વિકાસદરના દ્યટાડા પાછળ રોકાણ ઓછુ હોવાનું કારણ જવાબદાર હતું. પરંતુ હવે ચીજવસ્તુઓના વેચાણમાં પણ દ્યટાડો જોવા મળ્યો છે. જેની અસર દેશની અર્થવ્યવસ્થા પર થઈ રહી છે. મૂડીઝે એ પણ કહ્યું છે કે આકરા શ્રમ કાયદાના કારણે રોજગારની તકોમાં દ્યટાડો થઈ રહ્યો છે.

રેટિંગ એજન્સીના એક રિપોર્ટમાં જણાવામાં આવ્યું છે કે ગ્રામીણ વિસ્તારોમાં નાણાંકીય સમસ્યા તેમજ રોજગારીની નવી તકો દ્યટવી તેમજ રોકડ સંકટ જેવા કારણોથી વિકાસ દરમાં દ્યટાડો જોવા મળશે. કૃષિ ક્ષેત્રમાં કામદારોના વેતનની વૃદ્ઘિ કમજોર પડવી તેમજ જમીન તેમજ શ્રમ ક્ષેત્રમાં જટિલ કાયદાઓના કારણે રોજગારીની તકમાં નરમાશ બનેલી છે. રિપોર્ટ અનુસાર સ્થાનિક ખપત ભારતીય અર્થતંત્રની વૃદ્ઘિની કરોડ રજ્જુ સમાન છે.

આ અગાઉ ૫ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ ભારતીય રીઝર્વ બેંક (RBI) એ GDP નું અનુમાન દ્યટાડ્યું હતું. કેન્દ્રીય બેંક અનુસાર ૨૦૧૯-૨૦ દરમિયાન GDPમાં દ્યટાડો જોવા મળશે અને આ ૬.૧ ટકાથી દ્યટીને ૫.૦ સુધી પહોંચી શકે છે.

(3:42 pm IST)