Gujarati News

Gujarati News

News of Tuesday, 17th December 2019

વધુ એક રાજ્યની જાહેરાત:હવે સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમસિંહ તામંગે કહ્યું નહીં લાગૂ કરે નાગરિકતા કાયદો

તામંગે કહ્યું રાજ્યને સંવિધાનના આર્ટિકલ 371(F)નો વિશેષ દરજ્જો પ્રાપ્ત છે.

નવી દિલ્હી : નાગરિકતા સંશોધન એક્ટને કારણે દેશભરમાં પ્રદર્શનો ચાલી રહ્યા છે. આ બધા વચ્ચે વધુ એક રાજ્યએ આ કાયદાને પોતાના રાજ્યમાં લાગૂ કરવાની ના પાડી દીધી છે. આ રાજ્યનું નામ છે સિક્કિમ. આ પહેલા પશ્ચિમ બંગાળ, પંજાબ અને કેરળ આ કાયદાને પોતાના રાજ્યમાં લાગૂ કરવાની ના પાડી ચૂક્યા છે, ત્યારે સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગે સોમવારે કહ્યું હતું કે, રાજ્યમાં નાગરિકતા કાયદો લાગૂ નહીં થાય.

 તેમણે કહ્યું હતું કે, તેઓ પોતાના રાજ્યમાં આ કાયદાને લાગૂ નહીં કરે, કારણ કે રાજ્યને સંવિધાનના આર્ટિકલ 371(F)નો વિશેષ દરજ્જો પ્રાપ્ત છે. પશ્ચિમ બંગાળ, પંજાબ અને કેરળમાં તો આ કાયદો લાગૂ નહીં કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે. જ્યારે કોંગ્રેસ શાસિત રાજ્ય છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના મુખ્યમંત્રીઓનું કહેવું છે કે, તેઓ પાર્ટીની ગાઇડ લાઇન મુજબ આગળની કાર્યવાહી નક્કી કરશે.

 કેરળના મુખ્યમંત્રી પિનારઇ વિજયને કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર ભારતને ધર્મના આધારે વહેચવાની કોશિશ કરી રહી છે. નાગરિકતા સંશોધન બિલને વિજયને બંધારણની વિરુદ્ધમાં કહ્યું હતું. સાથે જ કહ્યું હતું કે, આ બિલને કેરળમાં લાગૂ નહીં કરવામાં આવે.

 પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પણ ગુરુવારે કહ્યું હતું કે, નાગરિકતા સંશોધન બિલ ભારતની સેક્યુલર છબી પર સીધો હુમલો છે. પંજાબમાં પણ નાગરિકતા સંશોધન બિલ લાગૂ નહીં કરવામાં આવે.

 નાગરિક સંશોધન બિલના વિરોધમાં TMCના નેતા ડેરેક ઓ બ્રાયને કેન્દ્ર સરકાર પર વચન પૂરા ન કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે જણાવ્યું કે, પશ્ચિમ બંગાળમાં CAB અને NRC બંને લાગૂ કરવામાં આવશે નહિ. મમતા દી પહેલા જ આ વાત કરી ચૂક્યા છે. આ સરકાર મોટા મોટા વાયદાઓ તો કરે છે પણ તેમના દરેક વાયદોઓ પૂરા કરવામાં નિષ્ફળ રહી છે.

(2:14 pm IST)