Gujarati News

Gujarati News

News of Tuesday, 17th December 2019

'નાની બચત' યોજનામાં મોટા ફેરફારઃ રોકાણ પર વ્યાજ નિશ્ચિત

મૂડી રોકાણઃ સરકાર અગાઉ દર ત્રણ મહિને વ્યાજદર જાહેર કરતી હતી, હવે તે કાયમી જાહેર કરાતા ઇન્વેસ્ટરોને રાહતઃ પીપીએફ માટે ૭.૯ ટકા, સુકન્યા સમૃધ્ધિ યોજના માટે ૮.૪ ટકા, સિનિયર સીટીઝન સેવિંગ્સ ફંડ માટે ૮.૬ ટકા

નવી દિલ્હી તા. ૧૭ :.. કેન્દ્ર સરકારે નાની બચત યોજનાઓમાં તાત્કાલીક અસરથી મોટા ફેરફારો કર્યા છે. આ અંતર્ગત સુકન્યા સમૃધ્ધિ યોજના, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (પીપીએફ) તથા સીનીયર સીટીઝન સેવિંગ્સ સ્કીમનો વ્યાજ દર નિશ્ચિત કરવામાં આવ્યા છે. તમામ યોજનાઓના ફોર્મમાં પણ ઘણી વિગતો સબમીટ કરવાના સુધારા કરવામાં આવ્યા છે. સુધારા મુજબ પીપીએફ માટે ૭.૯ ટકા, સુકન્યા સમૃધ્ધિ યોજના માટે ૮.૪ ટકા અને સીનીયર સીટીઝન સેવિંગ્સ સ્ક્રીમ માટે ૮.૬ ટકા વ્યાજ નિશ્ચિત કરાયું છે.

આ અંગે માહિતી આપતાં ટેકસ એડવાઇઝર પ્રમોદ પોપટે જણાવ્યું હતું કે સરકારે એવી જાહેરાત કરી છે કે આ યોજનાઓ પર મંદીની કોઇ જ અસર થશે નહીં. અત્યાર સુધી આ ત્રણે યોજનાનો વ્યાજનો દર સુનિશ્ચિત નહોતો. સરકાર વારંવાર જાહેર કરે તે વ્યાજનો દર લાગુ પડતો. દર ત્રણ મહિને વ્યાજના દરમાં ફેરફાર થતો હતો. સરકારે કરેલા ફેરફાર થતો હતો. સરકારે કરેલા ફેરફાર મુજબ આ ત્રણેય યોજનાના વ્યાજના દર તેના નવા રૂલ્સ અને ગેઝેટમાં પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી આ યોજનાઓમાં અને તેના રૂલ્સમાં વ્યાજના દર દર્શાવવમાં આવતા નહોતાં. જો કે સરકાર દ્વારા ૧૧ ડીસેમ્બરે  જાહેર કરેલા ગેઝેટસમાં પીપીએફ માટે ૭.૯ ટકા, સુકન્યા સમૃધ્ધિ યોજના માટે ૮.૪ ટકા અને સીનીયર સીટીઝન સેવિંગ્સ ફંડ માટે ૮.૬ ટકા સુનિશ્ચિત કરાયો છે અને જે તે યોજનાના ફોર્મમાં પણ વ્યાજના દર દર્શાવાશે. (પ-૯)

દરેક યોજનાઓ માટે ફોર્મ પણ બદલાઇ ગયા

નાની બચત યોજનાનોમાં રોકાણ માટેના જે જુના ફોર્મ હતા તે તાત્કાલીક રદ કરી દેવામાં આવ્યા છે અને નવા ફોર્મ તાકીદે ઉપયોગમાં આવી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. હવે નવા ફોર્મમાં રોકાણકારનો આધાર નંબર, પાન નંબર, જન્મનું સર્ટીફીકેટ ઇસ્યુ કરનાર સંસ્થાનું નામ વગેરેની નવી કોલમો ઉમેરવામાં આવી છે. (પ-૯)

પીપીએફના રૂપિયા હવે પ્રિમેચ્યોર ઉપાડી શકાય તેવી વ્યવસ્થા

બચત માટેની પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (પીપીએફ) ૧પ વર્ષની મુદતની યોજના છે. તેમાં અત્યાર સુધી પ્રીમેચ્યોર ઉપાડની કોઇ જ વ્યવસ્થા નહોતી. જો રોકાણકારનું મૃત્યુ થાય તો જ તે રૂપિયા ઉપાડી શકાતા હતાં. હવે નવા સુધારા મુજબ પ્રીમેચ્યોર ઉપાડની સગવડ કરી આપવામાં આવી છે. પીપીએફમાં રોકાણ કર્યા બાદ પાંચ વર્ષ બાદ તેનો પ્રિમેચ્યોર ઉપાડ થઇ શકશે.

જો કે, તે માટે શરત એવી છે કે જો ઘરમાં કોઇ સ્વજનની ગંભીર બીમારી હોય, બાળકોનો ઉચ્ચ અભ્યાસ માટે રૂપિયાની જરૂરીયાત હોય અથવા તો રોકાણકાર પરદેશમાં વસવાટ માટે જતા હોય તો પીપીએફ નો પ્રિમેચ્યોર ઉપાડ કરી શકાશે. પ્રિમેચ્યોર ઉપાડ કરવામાં આવે તો રોકાણકારને મળનાર વ્યાજનો એક ટકો વ્યાજ કાપી લેવામાં આવશે.

જો કે, યોજનાની મુદત ૧પ વર્ષ પુરી થયા બાદ જો કોઇ રોકાણકારને પાંચ વર્ષનું એકસ્ટેન્શન જોઇતું હોય તો તે પણ કરી શકાશે.

(10:37 am IST)