Gujarati News

Gujarati News

News of Tuesday, 17th December 2019

ન્યુયર-ક્રિસમસ... ઉજવણીના ૧૮૦૦૦ થી ૨૧૦૦૦ના પેકેજ

દિલ્હી-મુંબઇમાં જોરશોરથી તૈયારી શરૂ

નવી દિલ્હી તા.૧૭: અગ્રણી હોટેલ બ્રાન્ડસે તેમના પ્રખ્યાત ક્રિસમસ અને ન્યૂયર ઉજવણીના પેકેજ માટેના રેટ યથાવત રાખ્યા છે જ્યારે કેટલીક હોટેલ્સે રેટમાં નજીવો વધારો કર્યો છે. અર્થતંત્રમાં નરમાઇનો માહોલ છે તેવા સમયે ગ્રાહકો સૌથી બેસ્ટ ભાવ મેળવવા માટે સક્રિય છે તેવા સમયે હોટેલ્સે રેટમાં કોઇ ફેરફાર કર્યા નથી. હોટેલ ચેઇન્સનું કહેવું છે કે, છેલ્લી ઘડીએ પાર્ટીનું પ્લાનિંગ કરનારા ગ્રાહકોને કારણે માંગ વધવાનો વિશ્વાસ હોવાથી તેમણે ભાવ ઘટાડ્યા નથી.

નવી દિલ્હીના એરો સિટીમાં આવેલી પુલમેન અને નોવેટેલ હોટેલ્સમાં ન્યૂયરની સાંજના રેટ ગયાઙ્ગવર્ષે રૂ.૨૦,૦૦૦ અને રૂ.૧૭,૦૦૦ હતા જે આ વર્ષે નજીવા વધીને અનુક્રમે રૂ.૨૧,૦૦૦  અને રૂ.૧૮,૦૦૦ છે. ''છેલ્લા બે મહિનામાં માર્કેટપ્લેસમાં હોસ્પિટાલિટી સેકટરમાં ઘણી સારી રિકવરી આવી છે. સપ્ટેમ્બરમાં જે ઘટાડો થયો હતો તે રિકવર થઇ ગયો છે અને અમારી પ્રોપર્ટીઝમાં રેટ વધવાનો અમને વિશ્વાસ છે. અમારી દિલ્હીની બંને પ્રોપર્ટીઝમાં ન્યૂયર અને ક્રિસમસ પેકેજ માટે સારી માંગ છે'' એમ પુલમેન અને નોવોટેલ ન્યૂ દિલ્હી એરોસિટીના જનરલ મેનેજર બિશ્વજિત ચક્રવતીએ જણાવ્યું હતું.

મુંબઇની હોટેલ સહારા સ્ટારમાં ગયા વર્ષે એક મહેમાનનો ફૂડ એન્ડ બેવરિજ પેકેજનો ભાવ રૂ.૭,૦૦૦ હતો, જ્યારે ન્યૂયર સેલિબ્રેશન પેકેજનો રેટ રૂ.૧૩,૫૦૦ જેટલી હતો. ''આ વર્ષે અમારા ફૂડ એન્ડ બેવરિજ પેકેજનો ભાવ પ્રતિ ગ્રાહક રૂ.૭,૫૦૦ છે. અમારા સોજોર્ન (સ્ટેકેશન) પેકેજનો ભાવ ગયા વર્ષ જેટલો છે. ગયા વર્ષે અમારી હોટેલ ફુલ હતી અને આ વર્ષે પણ અમારી હોટેલ ફુલ જશે તેમજ આવકમાં પણ વધારો થશે કારણ કે, ગ્રાહકો હવે હોસ્પિટાલિટી અને મનોરંજન સહિતનું સંપૂર્ણ પેકેજ ખરીદવાનું પસંદ કરે છે.'' એમ હોટેલ સહારા સ્ટારના મેનેજર સલિલ ફડનીસે કહ્યું હતું.

નવી દિલ્હીની ધી ઇમ્પીરિયલે આ વર્ષે રેટમાં ખાસ ફેરફાર કર્યા નથી તેમજ ન્યૂયર માટે સ્પેશિયલ લિકર પેકેજ રજૂ કર્યુ છે, જેની કિંમત રૂ.૧,૫૦૦ (વત્તા ટેકસ)થી શરૂ થાય છે. આ હોટેલના સિનિયર EVP અને જનરલ મેનેજર વિજય વાંચૂએ કહ્યું હતું કે, ''ગયા વર્ષ કરતાં અમારા ભાવ મોટા ભાગે જેમના તેમ છે. અમારા ભાવ ઉદ્યોગજગતનાં ધારાધોરણો સમકક્ષ છે અને ગ્રાહકોને વેલ્યૂ ફોર મની જ મળશે.''

ધી ઇમ્પિરિયલ હોટેલના ઓલ ડે ડઇનિંગ ૧૯૧૧ રેસ્ટોરન્ટમાં ડિનર બૂફેની ભાવ રૂ.૬,૦૦૦ (વત્તા ટેકસ) છે જયારે અનલિમિટેડ શેમ્પેનની કિંમત રૂ.૧,૫૦૦ વત્તા ટેકસ છે. નવા વર્ષના કેટલાક ટસ્કન ઇટાલિયન ફેરના ભાવ રૂ.૬૦૦૦ વત્તા ટેકસ છે. દમણની ધી ડેલ્ટિનના જનરલ મેનેજર આકર્ષ માથુર કહ્યું હતું કે, ''ગયા વર્ષ કરતાં આ વર્ષે અર્થતંત્રના ચોક્કસ સેગમેન્ટ્સમાં ૧૦૦ ટકા નરમાઇ છે, પરંતુ ન્યૂયર જેવા પ્રખ્યાત પ્રસંગો પર તેની અસર પડી નથી. અમારી પ્રોપર્ટીમાં સ્ટેકેશન પેકેજની કિંમત બે વ્યકિત માટે રૂ.૧૭,૫૦૦ (વત્તા ટેકસ) છે, જે ગયા વર્ષે પણ એટલા જ હતા.

(10:36 am IST)