Gujarati News

Gujarati News

News of Monday, 17th December 2018

રાજસ્થાનના નવા મુખ્યમંત્રી તરીકે ગહેલોતની તાજપોશી

સચિને નાયબ મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા : ભવ્ય શપથવિધિ કાર્યક્રમમાં રાહુલ ગાંધી, મનમોહનસિંહ સહિતના અનેક દિગ્ગજો ઉપસ્થિત : વસુન્ધરા પણ હાજર

જયપુર,તા. ૧૭: રાજસ્થાનના ૨૨માં મુખ્યપ્રધાન તરીકે આજે અશોક ગહેલોતે શપથ લીધા હતા. સાથે સાથે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન તરીકે સચિન પાયલોટે પણ શપથ  લીધા હતા. શપથવિધી કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી, મનમોહનસિંહ, મલ્લિકાર્જુન ખડગે, જ્યોતિરાદિત્ય સિન્ધિયા, નવજોત સિદ્ધુ અને જિતિન પ્રસાદ ખાસ હાજર રહ્યા હતા. જયપુરના ઐતિહાસિક અલ્બર્ટ હોલમાં શપથવિધીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રાજ્યપાલ કલ્યાણસિંહે ગહેલોત અને સચિનને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. શપથગ્રહણ દરમિયાન ગહેલોત અને સચિનના મોટી સંખ્યામાં સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. વિપક્ષી એકતાના દર્શન માટે કર્ણાટકના મુખ્યપ્રધાન કુમારસ્વામી, ટીડીપીના નેતા ચન્દ્રબાબુ નાયડુ, એનસીપીના અધ્યક્ષ શરદ પવાર, નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દલ્લા પણ હાજર રહ્યા હતા. ડીએમકેના અધ્યક્ષ સ્ટાલીન પણ હાજર રહ્યાહતા. મધ્યપ્રદેશમાં કોંગ્રેસને સમર્થન આપનાર બસપના નેતા માયાવતી અને સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ હાજર રહ્યા  ન હતા.  હાલમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ જોરદાર દેખાવ કર્યો હતો રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટીએ ૧૯૯ સીટો પૈકી ૯૯ સીટો જીતી હતી. આની સાથે જ ભાજપ પાસેથી કોંગ્રેસ સત્તા આંચકી લીધી છે. રાજસ્થાનમાં વિધાનસભાની ૨૦૦ સીટ છે પરંતુ એક ઉમેદવારના મૃત્યુના કારણે અહીં ચૂંટણી મોકૂફ કરવામાં આવી હતી. શપથવિધિને લઇને  પહેલા જ તૈયારી કરવામાં આવી હતી. માયાવતી અને અખિલેશ હાજર ન રહેતા રાજકીય ચર્ચા રહી હતી. (૯.૭)

(4:09 pm IST)