Gujarati News

Gujarati News

News of Sunday, 17th November 2019

બાલાસાહેબ ઠાકરેની સ્મૃતિ સભા વેળા દેવેન્દ્ર ફડનવીસ સામે પ્રદર્શન

ફડનવીસના સ્વાભિમાન સંદેશને લઇ નારાજગી : શિવસેના જ નવી સરકાર બનાવશે, મુખ્યમંત્રી પણ તેમની પાર્ટીના રહેશે : સંજય રાવત દ્વારા ફરીવાર કરાયેલ દાવો

મુંબઈ, તા. ૧૭ : શિવસેનાના સ્થાપક બાલાસાહેબ ઠાકરેની સ્મૃતિ સભામાં શિવસેના ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના નેતા પણ શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા. કાર્યક્રમમાં સામેલ થવા માટે પહોંચેલા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસને પરત ફરતી વેળા શિવ સૈનિકો તરફથી નારાજગીનો સામનો કરવો પડ્યો હતો. આજે સવારે ટ્વિટ કરીને ફડનવીસે બાલાસાહેબના સ્વાભિમાનના સંદેશનો ઉલ્લેખ કર્યો હતો જેને લઇને શિવસેના સાંસદ સંજય રાવતે પણ જવાબ આપ્યો હતો. મુંબઈના શિવાજી પાર્કમાં આયોજિત સ્મૃતિ સભામાં પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ ઉપસ્થિત રહ્યા હતા. બાલાસાહેબને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ જ્યારે ફડનવીસ કાર્યક્રમ સ્થળથી પરત ફરી રહ્યા હતા ત્યારે શિવ સૈનિકો દ્વારા નારાબાજી કરવામાં આવી હતી. કાર્યકરો તેમની સામે નારાબાજી કરી રહ્યા હતા. કાર્યક્રમમાં ફડનવીસ ઉપરાંત પંકજા મુંડે અને વિનોદ તાવડે પણ સામેલ થયા હતા.

                    આ પહેલા ફડનવીસે શિવસેના પર પ્રહાર કરતા સવારે ટ્વિટ કરીને કહ્યું હતું કે, બાલાસાહેબના સ્વાભિમાનથી તમામ લોકો વાકેફ રહ્યા છે. બીજી બાજુ આના જવાબમાં સંજય રાવતે શિવાજી પાર્કમાં પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે, શિવસેનાને સ્વાભિમાન અને સમજદારીના બોધપાઠ ભણાવવાની કોઇ જરૂર નથી. શિવસેના પોતાની રીતે આગળ વધશે. પુણ્યતિથિ પર આયોજિત સ્મૃતિ સભામાં પહોંચેલા શિવસેનાના સાંસદે કહ્યું હતું કે, શિવસેના સરકાર બનાવવા જઈ રહી છે. મુખ્યમંત્રી પણ શિવસેનાના જ રહેશે. રાવતે કહ્યું હતું કે, ઉદ્ધવ ઠાકરેએ બાલાસાહેબને જે વચન આપ્યું હતું તે પૂર્ણ થશે. મહારાષ્ટ્રમાં સરકારની રચનાને લઇને શિવસેના, એનસીપી અને કોંગ્રેસ વચ્ચે વાતચીત ચાલી રહી છે. રાવતે શિવાજી પાર્કમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે, અમને કોઇ હિન્દુત્વના બોધપાઠ ભણાવી શકે નહીં.

(8:13 pm IST)