Gujarati News

Gujarati News

News of Friday, 17th November 2017

પાસ અને કોંગ્રેસ વચ્‍ચે વાતચીત ભાંગી પડી : પાસે આપ્‍યું કોંગ્રેસને ર૪ કલાકનું અલ્‍ટીમેટમ : કોંગ્રેસ સ્‍પષ્‍ટતા નહિ કરે તો વિરોધ કરીશું : દિનેશ બાંભણીયા (પાસ)

પાસ કોર કમિટિ અને કોંગ્રેસ વચ્ચે વિવાદ ઊભો થયો છે. અનામતના મુદ્દે કોંગ્રેસ સાથે આખરી બેઠક કરવા માટે પાસ કોર કમિટિના સભ્યો શુક્રવારે સવારે દિલ્હી પહોંચ્યા હતા. આ આખરી બેઠક બાદ પાસ કોંગ્રેસને સમર્થન આપે છે કે કેમ અંગે નિર્ણય લેવાવાની સંભાવના હતી, પરંતુ એ પહેલાં જ વિખવાદના સમાચાર આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પાસ કોર કમિટિએ કોંગ્રેસને અનામત મુદ્દે આખરી નિર્ણય લેવા માટે 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે. જો આ ગાળામાં નિર્ણય ન લેવાયો તો પાસ દ્વારા કોંગ્રેસનો વિરોધ કરવામાં આવશે. પાસ કોર કમિટિના સભ્ય દિનેશ બાંભણિયાએ આ અંગે કહ્યું હતું કે, અમને દિલ્હી બોલાવીને સવારે 10 વાગ્યાથી કોંગ્રેસ ભવન બેસાડી રાખ્યા. બેઠક માટે સમય નથી આપ્યો, અમારી સાથે મજાક કરી છે. આથી અમે હવે કોંગ્રેસને 24 કલાકનું અલ્ટિમેટમ આપીએ છીએ. જો 24 કલાકમાં કોંગ્રેસ અમારી પાસે નહીં આવી, તો ગુજરાતમાં કોંગ્રેસનો એક પણ કાર્યક્રમ નહીં થવા દઇએ. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસના ભરતસિંહ સોલંકીએ અમને દિલ્હી બોલાવી આખો દિવસ કોંગ્રેસના કાર્યાલય પર બેસાડી રાખ્યા. તેમણે અને અશોક ગેહલોતે અમને કહ્યું કે, હાઇ કમાન્ડ સામે તમારી વાત રજૂ કર્યા પછી તમને જણાવીશું. હાઇ કમાન્ડ સાથે મુલાકાત કરી તેઓ દિલ્હીથી રવાના થઇ ગયા, જ્યારે બીજી બાજુ અમે એમની રાહ જોતા બેસી રહ્યા. આ અમારું અપમાન છે. હવે જો કોંગ્રેસ 24 કલાકની અંદર સ્ટેન્ડ સ્પષ્ટ નહીં કરે, તો ભાજપની જ માફક કોંગ્રેસનો પણ વિરોધ કરવામાં આવશે. 24 કલાક પછી ગુજરાતમાં તમામ કાર્યાલય પર વિરોધ કરીશું. કોંગ્રેસ ફક્ત રાજકીય લાભ લેવા માંગતી હોય તો એવું અમે નહીં થવા દઇએ.

 

(12:43 am IST)