Gujarati News

Gujarati News

News of Friday, 17th November 2017

સુધારાને લઇને જે લોકોને શંકા છે તે આત્મમંથન કરે

રેટિંગ એજન્સીના નિવેદન બાદ ફરી આક્ષેપબાજી : અરુણ જેટલીનો યશવંત સિંહા પર ફરી પ્રહાર : સંસદમાં મિડનાઇટ સેરેમની જરૂર છે : યશવંતસિંહા દ્વારા કટાક્ષ

નવીદિલ્હી, તા. ૧૭ : અર્થવ્યવસ્થાને લઇને ભાજપના વરિષ્ઠ નેતા યશવંતસિંહાએ નાણામંત્રી અરુણ જેટલીને ઘેરવાની કોઇ તક છોડી રહ્યા નથી. આજે રેટિંગ એજન્સી મૂડીએ રેટિંગને અપગ્રેડ કર્યા બાદ બંને નેતાઓ વચ્ચે ફરી એકવાર આક્ષેપપ્રતિઆક્ષેપનો દોર શરૂ થઇ ગયો છે. રેટિંગ એજન્સી દ્વારા સરકારના નિર્ણય ઉપર મંજુરીની મહોર લગાવી દીધા બાદ ઉત્સાહિત નાણામંત્રી અરુણ જેટલીએ હાલના દિવસોમાં પોતાના સૌથી મોટા ટિકાકાર યશવંતસિંહા ઉપર પ્રહારો કર્યા હતા. તેમમે કહ્યું હતું કે, જે લોકોના દિમાગમાં ભારતની સુધાર પ્રક્રિયાને લઇને શંકા છે તે લોકો હવે પોતે જ પોતાના ગંભીર મૂલ્યાંકન કરી શકે છે. વાજપેયી સરકારમાં નાણામંત્રી રહી ચુકેલા યશવંતસિંહાએ મૂડીઝના રેટિંગથી સંતુષ્ટ દેખાયા ન હતા. તેઓએ સરકારની ખુશી પર જોરદાર ટિકા કરી હતી. યશવંતસિંહાએ કહ્યું હતું કે, અમને સંસદના સેેન્ટ્રલ હોલમાં એક મિડનાઇટ સેરેમનીનું આયોજન કરીને મૂડીની રેટિંગ અપગ્રેડ કરવાને લઇને ખુશી મનાવી જોઇએ. સાથે સાથે સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ દ્વારા કરવામાં આવેલી પ્રતિક્રિયાની નિંદા કરવી જોઇએ. મિડનાઇટ સેશનને લઇને યશવંતસિંહાએ ઇશારો જીએસટીની શરૂઆતને લઇને બોલાવવામાં આવેલી બેઠક તરફ છે. સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સનો ઉલ્લેખ તેઓએ એટલા માટે કર્યો છે કે, આ એજન્સીએ ભારતને એક દશકથી મૂડી રોકાણના મામલે સૌથી નીચલી શ્રેણીમાં રાખ્યું છે. સિંહાએ જીએસટીને લઇને અરુણ જેટલી ઉપર વારંવાર પ્રહારો કર્યા છે. તેઓએ અહીં સુધી રહ્યું છ ેકે, જેટલીએ જીએસટીમાં દિમાગ દોડાવ્યું નથી. જીએસટીના કારણે દેશને નુકસાન થઇ રહ્યું છે. બીજી બાજુ અરુણ જેટલીએ મૂડી દ્વારા રેટિંગ અપગ્રેડ કરવામાં આવ્યા બાદ ટિકાકારોને શાંત પાડવાના પ્રયાસ કર્યા હતા. રેટિંગના સમાચાર આવી ગયા બાદ જેટલીએ કહ્યું હતું કે, ઘણા લોકોને ભારતના આર્થિક સુધારાઓને લઇને શંકા રહેલી છે. હવે તેમને તેમની વિચારધારાને લઇને આત્મમંથન કરવાની જરૂર છે. મોદી સરકાર હાલમાં નોટબંધી અને જીએસટીને લઇને ટિકાકારોની ટિકા હેઠળ આવી છે. આવી સ્થિતિમાં જેટલીએ ફરી એકવાર વિરોધીઓને જવાબ આપવાના પ્રયાસો કર્યા છે. જેટલીના કહેવા મુજબ સરકાર દ્વારા સુધારા કાર્યક્રમોને યથાવતરીતે આગળ વધારવામાં આવશે. જીએસટીની સરળ પ્રક્રિયા વૈશ્વિક બની રહી છે. તેમણે એમ પણ કહ્યું હતુ ંકે, મૂડી દ્વારા અપગ્રેડેશન ભારતની સરકાર દ્વારા લેવાયેલા પગલા ને સમર્થન છે. અમે આ અપગ્રેડનું સ્વાગત કરીએ છે. સરકારની પોલિસી દિશાને લઇને પણ રેટિંગ એજન્સી તરફ ધ્યાન અપાઈ રહ્યું છે. બીજી બાજુ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમે પણ પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે, સરકાર માટે આ રાહજનક બાબત છે. સરકાર ભ્રષ્ટાચારને ઘટાડવા આર્થિક પ્રવૃત્તિઓને સ્થિર કરવા, ટેક્સ વસુલાતને સુધારવા, વહીવટીતંત્રને સરળ કરવાની દિશામાં આગળ વધી રહી છે. નોટબંધી અને જીએસટીથી બંને મોરચે ફાયદો થશે.

 

(7:57 pm IST)