Gujarati News

Gujarati News

News of Friday, 17th November 2017

કોંગ્રેસથી રાજીનામું આપનાર વિજય કેલ્લા ભાજપમાં સામેલ

વિજય કેલ્લા એક હજાર કાર્યકરો સાથે કમલમ્માં : પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં ભાજપનો ભગવો ખેસ કેલ્લાને પહેરાવી દેવાયો

અમદાવાદ,તા.૧૭ : ગુજરાત કોંગ્રેસમાંથી બે દિવસ પહેલાં રાજીનામું આપનાર વરિષ્ઠ નેતા અને કોંગ્રેસની રિલીફ કમીટીના ચેરમેન વિજય કેલ્લા તેમના એક હજાર સમર્થકો-ટેકેદારો સાથે આજે ગાંધીનગર કમલમ્ ખાતે વિધિવત્ રીતે ભારતીય જનતા પક્ષ(ભાજપ)માં જોડાયા હતા. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ભાજપનો ભગવો ખેસ વિજય કેલ્લાને પહેરાવી તેમને ઉમળકાભેર ભાજપમાં આવકાર આપ્યો હતો. આ પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ખાસ હાજર રહ્યા હતા. બે દિવસ પહેલાં જ વિજય કેલ્લાએ પોતાના રાજીનામાના દિવસે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીને વિગતવાર પત્ર પણ લખ્યો હતો, જેમાં કોંગ્રેસ પક્ષના જૂથવાદ અને વફાદારોની ઉપેક્ષાને લઇ ભારે દુઃખ વ્યકત કરવામાં આવ્યું હતુ અને સાથે સાથે આકરા પ્રહાર પણ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, વિજય કેલ્લાના ભાઇ અનિલ સી.કેલ્લા પહેલેથી જ ભાજપમાં છે અને તેઓ વર્ષોથી ગુજરાત બાર કાઉન્સીલમાં સમરસ પેનલમાંથી ચૂંટણી લડતા આવ્યા છે અને અગાઉ ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન તરીકે ચૂંટાઇ આવ્યા છે અને હાલ તેઓ બાર કાઉન્સીલની શિસ્ત સમિતિના ચેરમેન છે.  ભાજપમાં જોડાવા માટે આજે વિજય કેલ્લા તેમના મણિનગર ખાતેથી રેલી સ્વરૂપે હજારો કાર્યકરો-સમર્થકો સાથે ગાંધીનગર કમલમ્ ખાતે પહોંચ્યા હતા. જયાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, ભાજપના પ્રવકતા ભરત પંડયા સહિતના મહાનુભાવો દ્વારા તેમનું ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને વિધિવત્ રીતે ભાજપનો ભગવો ખેસ પહેરાવી પક્ષમાં આવકાર આપવામાં આવ્યો હતો. પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ આ પ્રસંગે વિજય કેલ્લા અને તેમના સમર્થકોને ભાજપમાં આવકાર આપતાં જણાવ્યું હતું કે, વિજય કેલ્લા જેવા સિનિયર નેતા કે જેમણે ૩૮ વર્ષો સુધી કોંગ્રેસ પક્ષની નિષ્ઠાથી સેવા કરી છતાં તેમની પક્ષે કદર ના કરી તે પરથી જ કોંગ્રેસપક્ષનું વલણ સ્પષ્ટ થઇ જાય છે પરંતુ હવે વિજય કેલ્લા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસની રાજનીતિમાં સહભાગી બની રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા તેમને હૃદયપૂર્વક આવકાર આપવામાં આવે છે. ભાજપ વિજય કેલ્લાની શકિતઓ અને રાજકારણના બહોળા અનુભવનો આ ચૂંટણીમાં વિશેષ ઉપયોગ કરશે. આ પ્રસંગે વિજય કેલ્લાએ જણાવ્યું હતું કે, તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસની કૂચમાં સહભાગી બની ગૌરવ અનુભવી રહ્યા છે. તેઓ ભાજપમાં ટિકિટ કે કોઇ હોદ્દાની લાલચમાં જોડાયા નથી. પક્ષ જે જવાબદારી સોંપશે તે નિષ્ઠાથી નિભાવશે.

 

(8:25 pm IST)