Gujarati News

Gujarati News

News of Friday, 17th November 2017

લાગે છે...'અપરાધમૂકત' ઉત્તરપ્રદેશનું સપનુ સાકાર થવા તરફ

યોગી આદિત્યનાથે સતા સંભાળતા જ અપરાધીઓના દિવસો ભરાવા લાગ્યાઃ ૪ મહિનામાં ૪૦૦ના એન્કાઉન્ટર : 'વિકાસ'નો વાયરો વિદેશ સુધી પહોંચ્યોઃ નેધરલેન્ડ, કોરિયા, થાઇલેન્ડ સહિત અડધો ડઝન દેશના રોકાણકારો યુપીમાં આવવા તૈયાર : ખાઉંધરા સરકારી બાબુઓ ઉપર પણ સરકારની નજર...મુખ્યમંત્રીને છે પૂરો વિશ્વાસ એક દિ'એવો આવશે કે, 'લાંચ'નું નામ સાંભળતા જ ભ્રષ્ટાચારીઓ ભાગવા લાગશે

લખનઉ, તા. ૧૭ :. દેશના સૌથી મોટા રાજય ઉત્તરપ્રદેશમાં પાછલા કેટલાક વર્ષોથી કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સાવ પડી ભાંગી હોય તેમ અવાર-નવાર ગંભીર ગુન્હાઓએ માજા મુકી હતી, પરંતુ યોગીજી દ્વારા શાસન ધુરા સંભાળતાની સાથે જ અપરાધીઓને ભોંભીતર કરવા માટે એક પછી એકને શોધી છેલ્લા ચારેક મહિનામાં અંદાજે ૪૦૦ જેટલા આરોપીઓને એન્કાઉન્ટરમાં ઠાર કરી દેવાતા ગુન્હો કરતા બે વાર વિચાર કરવો પડે તેવી સ્થિતિ નિર્માણ પામવા લાગી હોવાનું લોકો કહેતા થયા છે.

આ અંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના જણાવ્યાનુસાર પહેલાની સરકારોની ઢીલીનિતિને પગલે સમગ્ર રાજયમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સાવ પડી ભાંગી હોવાથી સોૈ પ્રથમ ગુન્હા અને ગુન્હેગારોને ભોંભીતર કરવા કાજે અભિયાન હાથ ધરી છેલ્લા ચાર મહિનામાં જ વિવિધ ગંભીર ગુન્હા આચર્યા બાદ પણ આબાદ રીતે ફરતા ૪૦૦ જેટલા અપરાધીઓને શોધી એન્કાઉન્ટરમાં ઠાર કરી દેવાયા છે. તેવી જ રીતે ૧૨૦૦ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દઇ ગુન્હામુકત પ્રદેશ કરવાનું સપનું જોયુ છે.

   પહેલા ખુલ્લેઆમ લૂંટ, બળાત્કારની ઘટના રોજ-બરોજ સામે આવતી હતી, તો ઘણા પેધી ગયેલા અપરાધીઓ તો પોલીસ ઉપર પણ હુમલા કરતા ડરતા નહોતા.પણ હવે અપરાધીઓ ઉપર ભીંસ વધતા જ આપો આપ જેલ જવા માટે તૈયાર થઇ જાય છે, અથવા તો લપાતા-છુપાતા રાજય છોડીને ભાગી રહયા છે.

સાથે સાથે ભ્રષ્ટાચારને પણ સંપૂર્ણપણે ખત્મ કરી નાંખવાની મહેચ્છા સાથે યોગીજીએ ઉમેર્યુ હતુ કે, કામ કરવા માટે લાંચની માંગણી કરતા સરકારી બાબુઓ ઉપર સરકારની નજર છે, અંદાજે બે ડઝન જેટલા કેસોમાં કાર્યવાહી આગળ ધપી હી છે...ઘણા ઉચ્ચ અધિકારીઓ પણ ઝપટે ચડી ગયા હોવાથી હવે લાંચીયા નાના અધિકારીઓ અને કર્મચારીઓ તો હવે લાંચનું નામ સાંભળતા જ ભાગવા લાગશે તેવો દિવસ આવવાનો બાકી છે.

તો વળી, ઘણાને તો એવી પણ બીક લાગવા લાગી છે કે, આપણે જેની પાસેથી લાંચ સ્વીકારીએ છીએ એ વ્યકિતને કયાંક યોગીજીએ તો નથી મોકલીને?...

આ ઉપરાંત રોજગારી મુદે આદિત્યનાથજીનું કહેવુ છે કે, આવતા વર્ષોમાં રાજયમાં ચાર લાખ રોજગારી ઉભી કરાશે.જે પૈકી આવતા મહિનામાં જ ૫૦ હજાર જેટલા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓની ભરતી થયા બાદ પીએસી, હોમગાર્ડમાં પણ ભરતી આવશે...જાતિવાદ, ક્ષેત્રવાદથી દુર રહીને સરકાર લોકોને યોગ્યતા મુજબ રોજગારી આપવા યોજના ઘડી રહી છે.

હવે ઉત્તરપ્રદેશ 'ઉત્તમપ્રદેશ' બનવા જઇ રહયો હોવાનો વિશ્વાસ વ્યકત કરી વધુમાં ઉમેર્યુ હતુ કે, ભાજપના વિજયરથને કારણે નેધરલેન્ડ, કોરિયા, થાઇલેન્ડ જેવા અડધો ડઝન દેશના રોકાણકારો પણ યુપીમાં રોકાણ કરી વિવિધ ઉદ્યોગ સ્થાપવા  તૈયાર થયા હોવાથી નવા-નવા રોજગારની પુષ્કળ તકો ઉભી થશે.(૨-૨૦)

જય હો...દરેક જિલ્લામાં એક-એક ગૌશાળા ખોલવાનું કામ પુરજોશમાં

ઘાસચારાની વ્યવસ્થા માટે ખાનગી સંસ્થાઓનો સહયોગ મળ્યો

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના હ્રદય-મનમાં ગૌમાતા પ્રત્યે હમેંશા આદરભાવ અને પેમ જોવા મળે છે...તેઓ ગૌ પ્રેમી તરીકે જાણીતા હોવાથી મુખ્યમંત્રી બન્યા બાદ સમગ્ર રાજયમાં ગૌમાતાની ચાકરી વ્યવસ્થિત રીતે થઇ શકે તેનું ખાસ ધ્યાન રાખી રહયા છે.

ઉત્તરપ્રદેશમાં ગૌશાળાની સંખ્યામાં વધારો કરવાના આદેશો આપી દીધા બાદ દરેક જિલ્લામાં એક-એક ગૌશાળા બનાવવાની કામગીરી પુરજોશમાં આગળ ધપવા લાગી છે.

પૂજનીય ગાય માતાને મુશ્કેલી પહોંચાડનાર સામે સખ્ત કાર્યવાહી કરવાની પણ ચિમકી ઉચ્ચારી છે.ગાયો સાથે તેના વંશજોની સંભાળ પણ યોગ્યપણે થઇ શકે તેના ભાગરૂપે તૈયારી કરી ઘાસચારાની કામગીરી માટેકેટલીક ખાનગી સંસ્થાઓનો પણ સહયોગ લેવાયો  છે.

 

(4:06 pm IST)