Gujarati News

Gujarati News

News of Friday, 17th November 2017

પદ્માવતીઃ ચિત્તોડગઢમાં વિવાદઃ કિલ્લો બંધ

૪૫૦ લોકો કિલ્લાના ગેટ પર ધરણા પર બેઠાઃ પ્રદર્શન શરૂ

જયપુર તા. ૧૭ : સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતી અંગે વિરોધનો વંટોળ વધુ તેજ બન્યો છે. પદ્માવતીનો વિરોધ કરતા સંગઠન કરણી સેનાએ પહેલા દિપિકાનું કાન કાપવાની ધમકી આપી ત્યારબાદ ભણસાલી અને દિપિકા પર ૫ કરોડનું ઇનામ જાહેર કર્યું. હવે આ વિવાદની અસર ચિત્તોડગઢના કિલ્લો પર પડી છે.

પ્રદર્શનકારીઓએ ચિત્તોડગઢના કિલ્લાને બંધ કરી દીધો છે. કિલ્લાની મુલાકાતે આવેલા દરેક પ્રવાસીઓને કિલ્લાના ગેટ પર જ રોકી રાખ્યા હતા. ચિત્તોડગઢમાં બંધનું એલાન કરી દીધું છે. બીજી બાજુ ધમકીને ધ્યાનમાં રાખીને મુંબઇમાં અભિનેત્રી દિપિકા પાદુકોણની સુરક્ષા વધારવામાં આવી છે.

પહેલી ડિસેમ્બરે રીલીઝ થવા જઇ રહેલી ભણસાલીની ફિલ્મ પદ્માવતી પર ઐતિહાસિક તથ્યો સાથે છેડછાડનો આરોપ લગાવામાં આવી રહ્યો છે. આ ફિલ્મે રાજનૈતિક રંગ લીધો છે. કરણી સેનાએ દિપિકાને પડકારીને કહ્યું છે કે, તેઓની ઉશ્કેરણી કરવી ખૂબ જ ભારે પડશે. ભાજપ પણ પદ્માવતી ફિલ્મના વિરોધીઓ સાથે ઉભી રહી છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે, ફિલ્મમાં ઐતિહાસિક તથ્યોની સાથે છેડછાડ થવી જોઇએ નહી અને અભિવ્યકિતની સ્વતંત્રતાનો અધિકાર સર્વોચ્ચ નથી.

ચિત્તોડગઢમાં પ્રદર્શન કરી રહેલી સર્વ સમાજ પ્રોટેસ્ટ કમિટિનું કહેવું છે કે, ગેટ આજે સાંજ સુધી બંધ રહેશે. કિલ્લાની સામે ૪૦૦ - ૪૫૦ લોકો ધરણા પર બેઠા છે.

(3:59 pm IST)