Gujarati News

Gujarati News

News of Friday, 17th November 2017

ભાજપમાં ૬૮માં શુકલ, ૭૦માં ભંડેરી અને ગ્રામ્ય-૭૧માં ભાનુબેન કોંગ્રેસમાં ૬૮મા નવો ચહેરો, ૭૦માં ડો. ચોવટીયા, ૭૧માં બથવાર

ઉપરોકત નામો લગભગ નિશ્ચિત છેઃ સંભવતઃ હવેની યાદીમાં જાહેર થશે

રાજકોટ, તા. ૧૭ :. રાજકોટ પશ્ચિમ બેઠક પરથી મુખ્યમંત્રી અને શહેર કોંગ્રેસ પ્રમુખ વચ્ચે ચૂંટણી જંગ નિશ્ચિત બન્યો છે ત્યારે બાકીની ત્રણેય ધારાસભા બેઠક ઉપર કોંગ્રેસ અને ભાજપમાં નામો લગભગ નક્કી થયા છે પરંતુ બન્ને પક્ષ એકબીજાના નામો જાહેર થાય ત્યાર બાદ આખરી નિર્ણય લેશે તેમ મનાય છે.

આમ તો લગભગ નક્કી છે તેવા નિર્દેશો મુજબ ભાજપમાં ૬૮ પૂર્વ બેઠક પર કશ્યપ શુકલ, રાજકોટ-૭૦ ઉપર ધનસુખભાઈ ભંડેરી તથા ૭૧માં ધારાસભ્ય ભાનુબેન બાબરીયા રીપીટ થઈ રહ્યાના વાવડ મળી રહ્યા છે.

જ્યારે કોંગ્રેસની વાત કરીએ રાજકોટ પૂર્વ બેઠક પર કોંગ્રેસના ડઝનેક દાવેદારોમાથી કોઈપણ ઉમેદવારને પસંદ કરવાના બદલે કોંગ્રેસ મોવડી મંડળે નવુ જ નામ નક્કી કરવા તરફ નજર દોડાવ્યાની ચર્ચા છે.

રાજકોટ દક્ષિણ બેઠક ઉપર પૂર્વ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ ડો. દિનેશ ચોવટીયાનું નામ નક્કી મનાય રહ્યુ છે.

જ્યારે રાજકોટ ગ્રામ્ય બેઠક પરથી પીજીવીસીએલમાંથી રાજીનામુ આપનાર સુરેશ બથવારનું નામ લગભગ નક્કી છે તેમ મનાય છે.

રાજકોટ દક્ષિણ બેઠક પર બન્ને પક્ષમાં કોઈ વધુ વિરોધ વંટોળ જોવા મળતો નથી પરંતુ રાજકોટ પૂર્વ બેઠક પર બન્ને પક્ષમાં રાજકીય ધુંધવાટ નજરે પડે છે.

ભાજપમાંથી રાજકોટ ગ્રામ્ય માટે અર્ધો ડઝન જેટલા દાવેદાર હતા પરંતુ દલિત શિક્ષિત મહિલા ઉમેદવારના કારણે ભાનુબેનનું પલડુ વજનદાર બન્યુ હોવાનું મનાય છે. જો કે અન્ય ઉમેદવારો હજુ ટીકીટ માટે પ્રયાસો કરી રહ્યા છે.

ચોવીસ કલાકમાં જ બન્ને પક્ષમાં નિર્ણય લેવાય જશે તે નિશ્ચિત છે ત્યારે રાજકોટ ૬૮માં જ્ઞાતિવાઈઝ સમીકરણો, મુસ્લિમ, પાટીદાર, કોળી મતદારોને ધ્યાને લઈને રાજકીય પક્ષોને નિર્ણય લેવામાં હીચકીચાટ થઈ રહ્યો છે.

કોંગ્રેસમાં રાહુલ ગાંધીની બ્રિગેડ દ્વારા ખાનગીમાં થયેલ સર્વેના આધારે ઉમેદવારોની પસંદગીમાં વિનંતી થઈ રહ્યો છે. સર્વસંમત ઉમેદવાર અંગે થોડી દ્વિધા મોવડીમંડળને થઈ રહી છે.

રાહુલ ગાંધીની ટીમ દ્વારા ખાનગીમાં કરેલ સર્વેમાં જે ચિત્ર ઉપસ્યુ છે તેના આધારે થોડી ચિંતા ફેલાયાનું તથા એક તદન નવુ જ સમીકરણ ઉભુ થતા તથા પ્રદેશની મનાતી જુથબંધીના કારણે પણ કોઈ નવા જ ચહેરાની શોધ આરંભાઈ હોવાનું મનાય છે.

એક ચર્ચા એવી પણ છે કે એક જામનગરના આગેવાનની મધ્યસ્થીથી એક નવુ પરિમાણ ઉમેરાતા કોંગ્રેસે એ દિશા તરફ પણ ધ્યાન કેન્દ્રીત થયાનું મનાય છે.

કોંગ્રેસ-ભાજપ એકબીજાના નામો જાહેર થાય તેની રાહમાં !

રાજકોટ, તા. ૧૭ :. રાજકોટ શહેરની ચારેય બેઠકો પર કોણ ઉમેદવાર ? તે અંગે ભારે ઉત્તેજના હતી પરંતુ ભાજપે રાજકોટ પશ્ચિમ બેઠક ઉપર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને સત્તાવાર જાહેર કરી દીધા છે ત્યારે બીજી તરફ ધારાસભ્ય ઈન્દ્રનિલ રાજગુરૂ નિશ્ચિત મનાય છે પરંતુ તેમની ૬૮ બેઠક ઉપર હજુ કોંગ્રેસ નક્કી કરી શકતી ન હોય ભારે ખેંચાખેંચી ચાલી રહ્યાનું મનાય છે.

૬૯માં રૂપાણી અને રાજગુરૂ વચ્ચે જંગ નિશ્ચિત છે પરંતુ અન્ય બેઠકો ઉપર બન્ને પક્ષ એકબીજાની સત્તાવાર યાદીની રાહમાં છે. કોંગ્રેસમાં ૬૮ ધારાસભા બેઠક ઉપર થોડી ગડમથલ છે. કદાચ કોઈ કોંગ્રેસનો જુનો ચહેરો ફરી પીકચરમાં આવે તેવા નિર્દેશો મળે છે.

રાજકોટ પૂર્વ બેઠક ઉપરકોંગ્રેસમાં 'કાંઈક' રંધાય છે

રાજકોટ, તા. ૧૭ :. કોંંગ્રેસમાં સૌથી વધુ ઉત્તેજના અને દોડધામ રાજકોટ પૂર્વ ૬૮ બેઠક જોવા મળે છે. અહીંયા કોંગ્રેસમાં ડઝનથી પણ વધુ ઉમેદવારોએ નિયત સમય મર્યાદામાં બુથ કમિટિના નામો સહિત દાવેદારી નોંધાવી છે. એકબીજા વિરૂદ્ધ અને વ્યકિતગત રીતે જોરદાર રજૂઆતો, લોબીંગ થયા છે પરંતુ 'હાઈકમાન્ડ' ખાનગી સર્વેના આધારે દ્વિધામાં છે. છાનાખૂણે કંઈક જુદુજ રંધાય રહ્યાનું જાણવા મળે છે.

(3:19 pm IST)