Gujarati News

Gujarati News

News of Friday, 17th November 2017

હાર્દિક પટેલની ડર્ટી સીડીકાંડથી કોને લાભ થયો ને કોને નુકસાન?

ચર્ચાતો મુદ્દોઃ શું લાગે છે? આ સીડીથી કોઇ ફેર પડશે?: હાર્દિકે અગાઉથી તેની સીડીઓ જાહેર થશે એમ કહી દેતા સીડીની કુતૂહલતા ઓછી ગઇ હતી

નવી દિલ્હી તા. ૧૭ : વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલ કેન્દ્ર સ્થાને છે. તે હજુ કોંગ્રેસ કે અન્ય કોઈ રાજકીય પક્ષમાં જોડાયો નથી પરંતુ તેનું લક્ષ્ય ભાજપને પરાજિત કરવા-માત્રનો છે. હાર્દિકની સભાઓ કે રોડ-શોથી ભાજપને સ્વાભાવિક રીતે જ રાજકીય નુકશાન થાય તેવી સ્થિતિ સર્જાઈ ચૂકી છે. એવામાં હાર્દિક પટેલની અશ્લીલ સીડી જાહેર થઈ. જોકે, તે અગાઉથી તેની એવી સીડી જાહેર થશે, એની તે જાહેરાત કરી ચૂકયો હતો એટલે સીડીની ધારી અસર પેદા થઈ નથી. દરમ્યાનમાં જ હાર્દિકની બીજી સીડી જાહેર થઈ ચૂકી છે ત્યારે હવે રાજકીય વતુર્ળોમાં ચર્ચા એ જાગી છે કે, આવી સીડીઓ જાહેર કરવાથી લાભ-નુકશાન કોને થઈ રહ્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે, સીડી જાહેર કરનારા બીજા લોકો છે. આ સીડી સાથે ભાજપને કોઈ જ લેવાદેવા નથી એવી લાખ સ્પષ્ટતાઓ છતાં પણ તેનો રેલો સતત ભાજપને પજવી રહ્યો છે.

વિધાનસભાની ચૂંટણીની નિકટતા વચ્ચે હાર્દિકના નિકટતમ્ સાથી મનાતા વરુણ પટેલ અને રેશ્મા પટેલ એકાએક ભાજપમાં જોડાયા બાદ, મહેસાણાના પાસના કન્વીનર નરેન્દ્ર પટેલે તેમને ભાજપમાં જોડાવા અંગે રુપિયા એક કરોડની ઓફર થઈ હોવા અંગે ઘટસ્ફોટ કર્યો હતો. જેના પ્રથમ હપ્તા પેટે તેમને ૧૦ લાખ રુપિયા અપાયા હોવાની મીડિયા સમક્ષ જાહેરાત કરીને ભાજપને મુશ્કેલ સ્થિતિમાં મૂકી દીધું હતું. તેની સાથે જ પાસના અન્ય કન્વીનરોના ભાજપમાં જવા પર બ્રેક વાગી ગઈ હતી.

દરમ્યાનમાં હાર્દિકે એમ કહેવાની શરુઆત કરી દીધી હતી કે, હવે, ટૂંકમાં જ તેની અશ્લીલ સીડીઓ બહાર પડશે. તેની સાથે જ તેણે ભાજપ ઉપર આક્ષેપોની છડી વરસાવી હતી. તેની પ્રથમ સીડી જાહેર થઈ ત્યારેથી હાર્દિકે તેને ખાસ કોઈ મહત્વ આપવાને બદલે આખી ઘટનાને હળવાશથી લીધી હતી, તે પછી બીજી સીડી જાહેર થતાં તેણે આ સીડીઓને બનાવટી ગણાવીને મામલા ઉપર ઠંડુ પાણી રેડવાનો પ્રયત્ન કર્યો છે.

આ આખી ઘટનાના પરિપ્રેક્ષ્યમાં રાજકીય વતુર્ળોમાં ચર્ચા ચાલી રહી છે કે, હાર્દિકની અશ્લીલ સીડી જાહેર કરનારા સ્વાભાવિક રીતે જ હાર્દિકના કટ્ટર વિરોધીઓ જ છે. તેની પાછળનો તેમનો મુખ્ય ધ્યેય પણ હાર્દિકના આંદોલન તોડી પાડવાનો અને તેનાથી થતાં નુકશાનને રોકવાનો છે. હવે, હાર્દિકની બબ્બે અશ્લીલ સીડીઓ જાહેર થયા બાદ પાટીદાર સમાજના કેટલાક યુવાનોએ હાર્દિકનો હુરિયો બોલાવીને તેના પૂતળા બાળ્યાં છે તો કેટલાક યુવાનોએ હાર્દિકના આંદોલનને ટેકો જાહેર કર્યો છે. સરવાળે એમ વર્તાય છે કે, હાર્દિકના સીડી-પ્રકરણથી હાર્દિક તરફની સહાનુભૂતિ વધી છે. ભાજપ માટે એવી સ્થિતિ સર્જાઈ છે કે, તે કહે છે કે, આ સીડી પ્રકરણથી તેમને કોઈ લેવાદેવા નથી પણ શંકાની સોય તો તેમની તરફ જ તકાઈ રહી છે. આ તબક્કે એમ મનાય છે કે, હાર્દિક આ સીડી પ્રકરણથી ભાજપને રાજકીય લાભને બદલે નુકશાનની આશંકા વધી છે.

 

(10:34 am IST)