Gujarati News

Gujarati News

News of Friday, 17th November 2017

૨૫મીથી ભાજપની પ્રચાર ઝુંબેશઃ મોદી- યોગીની પ૦થી વધુ સભાઓ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૧પ૦ પ્લસનો ટાર્ગેટ પુરો કરવા પક્ષ કોઇ કસર નહિ છોડેઃ ટાર્ગેટ પુરો કરવા તમામ દાવ ખેલશેઃ રાજયમાં કેટલાક લોકો-વર્ગ નારાજ છે પણ વિરૂધ્ધમાં નથીઃ ભાજપનો દાવોઃ ડોર ટુ ડોર પ્રચાર કરશેઃ કેન્દ્રીય મંત્રીઓની ફોજ ઉતરશે

નવી દિલ્હી તા.૧૭ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મિશન-૧પ૦ પ્લસ પુરા કરવામાં લાગેલ ભાજપે ચૂંટણી પ્રચાર અભિયાનમાં મોદી અને યોગીનો મહત્તમ ઉપયોગ કરવાનુ નક્કી કર્યુ છે. આ બંને નેતાઓ રાજયમાં પ૦થી વધુ ચુંટણી સભાઓને સંબોધન કરશે એટલુ જ નહી કેટલાક રોડ-શો પણ કરશે.

ચૂંટણી પ્રચાર રણનીતિ હેઠળ ભાજપના પ્રમુખ કેન્દ્રીય નેતા દરેક વિધાનસભા ક્ષેત્રમાં પ્રચાર કરશે અને કેટલીક વિધાનસભા મત વિસ્તારમાં બે થી ત્રણ ટોચના નેતાઓની સભાઓ યોજાશે. ભાજપ રાજયમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં ચૂંટણી લડી રહેલ છે પરંતુ પક્ષ ચૂંટણી અભિયાન દરમિયાન પણ સમીક્ષા કરશે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપના નેતૃત્વએ મિશન-૧પ૦ને પોતાનો પ્રતિષ્ઠાનો સવાલ બનાવ્યો છે અને તે મેળવવા ભાજપ તમામ દાવ અજમાવશે. પક્ષના એક નેતાના કહેવા મુજબ ગુજરાતમાં કેટલાક લોકો અને વર્ગ નારાજ જરૂર છે પરંતુ વિરૂધ્ધમાં કોઇ નથી. જેમની જે સમસ્યાઓ છે તેનો ઉકેલ લાવવામાં આવ્યો છે અને રાજયમાં કયાંય પણ સરકાર વિરોધી માહોલ નથી.

ગુજરાતમાં ચૂંટણીની કમાન ભાજપ અધ્યક્ષ શાહ પાસે છે. તેઓ ગુજરાતમાં જ તંબુ નાંખી બેઠા છે. એવુ કહેવાય છે કે તેને ૧પ૦ બેઠકોનો લક્ષ્યાંક રાખ્યો છે પરંતુ અત્યારની ૧૧૬ પણ લાવવી ભાજપ માટે પડકારજનક છે તેથી ભાજપે આ મહિનાના અંતથી મોદીની રપ થી ૩૦ રેલીઓનુ આયોજન કરવા અને શહેરી વિસ્તારોમાં રોડ-શો કરવા યોજના બનાવી છે. ભાજપે ચૂંટણી પ્રચાર માટે ૬ થી ૭ બેઠકો પર મોદીની એક રેલી યોજવાનુ નક્કી કર્યુ છે. જેને એકાદ-બે દિવસમાં ફાઇનલ કરી લેવાશે. આ રીતે રાજયમાં મોદીની રપ થી ૩૦ રેલીઓ યોજાશે.

પ્રથમ તબક્કા માટે ઉમેદવારીની છેલ્લી તારીખ ર૧મી અને બીજા તબક્કા માટે છેલ્લી તારીખ ર૭ નવેમ્બર છે. એવામાં મોદી મહિનાના અંતથી પ્રચાર શરૂ કરશે. ભાજપે ડોર ટુ ડોર પ્રચાર કરવાનું પણ નક્કી કર્યુ છે આ માટે પેઇઝ પ્રમુખોને લોકોનો સંપર્ક કરવા જણાવાયુ છે. રાજયમાં પ૦ મતદાર દીઠ એક પેઇઝ પ્રમુખ બનાવાયા છે.

(9:43 am IST)