Gujarati News

Gujarati News

News of Friday, 17th November 2017

ભાજપ ૩૫ - ૪૦ ધારાસભ્યો બદલશેઃ પેનલ લિસ્ટમાં ૫૦ ટકા ફેરફાર

નવા ચહેરા, મહિલાઓ, યુવાનોને સ્થાન અપાય તેવી શકયતા છેઃ પ્રથમ ચરણના ૮૯ ઉમેદવારો પૈકીના કેટલાક નામોની પ્રથમ યાદી શુક્રવારે રાત્રે અથવા શનિવારે જાહેર કરી શકે છે

નવી દિલ્હી તા. ૧૭ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં અને ભાજપ અધ્યક્ષ અમિત શાહના પ્રમુખસ્થાને બધુવારે મળેલી ભાજપની સેન્ટ્રલ ઇલેકશન કમિટીની બેઠકમાં ગુજરાતના ૧૮૨ ઉમેદવારો માટે રજૂ થયેલી પેનલ પૈકી ૫૦ ટકા નામોમાં વ્યૂહાત્મક ફેરફારો કરાયા છે. આ ઉપરાંત ચારથી પાંચ પ્રધાનો સહિત ૩૫થી ૪૦ ધારાસભ્યોને જુદા જુદા કારણોસર વિરામ આપી અન્ય નવા ચહેરા, મહિલાઓ, યુવાનોને સ્થાન અપાય તેવી શકયતા છે.

જોકે, ભાજપ તેના પ્રથમ ચરણના ૮૯ ઉમેદવારો પૈકીના કેટલાક નામોની પ્રથમ યાદી શુક્રવારે રાત્રે અથવા શનિવારે જાહેર કરી શકે છે. બીજી તરફ સેન્ટ્રલ ઇલેકશન કમિટીની બેઠક બાદ ગુજરાતના ચારેય નેતાઓ બુધવારે મોડી રાત્રે પરત આવી ગયા હતા, જયારે અમિતભાઇ તથા પ્રભારી ભુપેન્દ્ર યાદવ ગુરૂવારે સાંજે અમદાવાદ આવી સીધા ભાજપ મુખ્યાલય કમલમ્ પહોંચ્યા હતા.

બુધવારે સાંજે છથી રાતના સાડા નવ વાગ્યા સુધી ચાલેલી સેન્ટ્રલ ઇલેકશન કમિટીની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના રિપોર્ટના આધારે કેટલાક ફેરફારો સૂચવ્યા હતા. આ બેઠકમાં અમિતભાઇએ અને ગુજરાતની પાર્લામેન્ટરી બોર્ડે તૈયાર કરેલા પ્રત્યેક બેઠકો માટેની મોટાભાગની પેનલો પરના ઉમેદવારોના પ્લસ-માઇનસ મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી. જોકે, આ બેઠકમાં તમામ બેઠકોના નામો પર ચર્ચા થઇ હતી કે અમુક કિલયર બેઠકો પર સીધા નામો સ્વીકારાયા છે તેના અંગે કોઇ જાણકારી મળી નથી.

અહીં નોંધવું જરૂરી છે કે, પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની સળંગ છ દિવસ યોજાયેલી બેઠકમાં નિરીક્ષકોની સુનાવણી વેળા અમિતભાઇ અને પ્રદેશ પ્રભારીએ ઉપસ્થિત રહી સૌને સાંભળ્યા જ હતા. કેટલીક પૂછપરછ કરી હતી, પરંતુ અન્ય કોઇ દરમિયાનગીરી કરી ન હતી. જોકે, આ પછી એમણે રાજયભરનો પ્રવાસ ખેડ્યા બાદ પ્રત્યેક બેઠકની સામાજિક અને રાજકીય સ્થિતિ, વિરોધીઓની વ્યૂહરચનાને આધારે પેનલો તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

આ પેનલોમાં સંભવિત ફેરફારો થઇ શકે એવી ગણતરીથી જ ગુજરાતના નેતાઓ મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, પ્રમુખ જીતુ વાઘાણી, મહામંત્રી ભીખુભાઇ દલસાણીયાએ બુધવારે દિલ્હીમાં પેનલો સાથેની યાદી રજૂ કરી હતી. આ બેઠકમાં તમામ ઉમેદવારોના બાયોડેટા, ફોટા પણ છ ફાઇલોમાં સુપરત કરાયા હતા. સૌરાષ્ટ્ર અને ઉત્ત્।ર ગુજરાતની બેઠકો પર સૌથી વધારે ચર્ચા થઇ હતી. દરેક બેઠકમાં સામાજિક સમીકરણોને વિશેષરૂપથી ધ્યાને લેવામાં આવ્યા હતા.

આ બેઠક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમિતભાઇ અને પ્રભારીની ઉપસ્થિતિમાં ગુજરાતના નેતાઓ સાથે પંદર વીસ મિનિટ અલગથી બેઠક યોજી હતી. આ બેઠકમાં વડાપ્રધાને ગુજરાતના નેતાઓ સાથે પોતાના પ્રવાસ અંગે કેટલીક ચર્ચા કરી હતી.

જાણકારોનું કહેવું છે કે, ત્રણ સામાજિક આંદોલનકાર યુવા નેતાઓના કોંગ્રેસ તરફના સ્પષ્ટ ઝુકાવ પછી કોંગ્રેસમાં ઉમેદવારોને લઇ ભાંજગડ વધી ગઇ છે. આ સંજોગોમાં શુક્રવારે મળનારી કોંગ્રેસની બેઠકમાં કઇ બેઠકો પર કેવા ઉમેદવારો નક્કી થાય છે તેના આધારે ભાજપ વ્યૂહાત્મક રીતે ફેરફારો કરી શકે છે. આથી જ ભાજપે તેના ઉમેદવારોની યાદીને ગોપનિય રાખવાનું નક્કી કર્યું છે. અમિતભાઇએ પ્રદેશ કાર્યાલય ખાતે મોડે સુધી રોકાઇને જુદા જુદા વિભાગોની ચૂંટણીલક્ષી તૈયારી અને કામગીરીની સમીક્ષા કરી હતી.(૨૧.૧૦)

 

(9:42 am IST)