Gujarati News

Gujarati News

News of Friday, 17th November 2017

હિન્દુત્વ નહિ જાતિગત સમીકરણો ઉપર ભાજપનું ફોકસ

ભાજપે ચૂંટણી જંગ જીતવા નવી રણનીતિ અપનાવી

નવી દિલ્હી તા. ૧૭ : ગુજરાતની ચૂંટણી ઝડપથી જાતિગત સમીકરણો તરફ આગળ વધી રહી છે. હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણી જેવા સામુદાયિક નેતાઓ પહેલાથી આ દિશામાં કામ કરી રહ્યા છે. પહેલા ઘટનાક્રમથી શીખ લઈને કોંગ્રેસ ધાર્મિક મુદ્દાઓ સાથે જોડાયેલી ચર્ચામાં પડવા નથી માગતું. એવામાં ભાજપ આ મુદ્દાને ખાળવા માટે હિન્દુત્વ સિવાય જાતિગત સ્ટ્રેટેજી પર ફોકસ કરી રહ્યું છે.

ભાજપ અધ્યક્ષ અમિત શાહ આ વાતનો રાગ આલાપી રહ્યા છે કે કઈ રીતે કોંગ્રેસે ભૂતકાળમાં ચૂંટણી જીતવા માટે KHAM (ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ) પર ફોકસ કર્યું હતું. ગુજરાતમાં ઠાકોર અને પટેલ સમુદાય એકબીજાના વિરોધી રહ્યા છે અને કોંગ્રેસ હાર્દિકને પોતાની તરફ કરવાની કોશીશ કરી રહી છે, જોકે, ભાજપનું માનવું છે કે બન્ને સમુદાયોની વચ્ચે મતભેદ પર જોર આપવાથી વિપક્ષ કેમ્પમાં મુશ્કેલી પેદા થશે.

 ગુજરાતમાં ઠાકોર ઓબીસી કેટેગરીમાં છે, જયારે પાટીદાર ઓબીસી કેટેગરીમાં અનામત માગી રહ્યા છે. આ સિવાય અલ્પેશ ઠાકોર ઓબીસી નેતા છે, જેના હેઠળ હાર્દિક પટેલ સાથે ટકરાઈ શકે છે. ભરતસિંહ સોલંકી અને શકિતસિંહ ગોહિલ જેવા કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે. દરબાર સમુદાયના વધુ એક નેતા શંકરસિંહ વાઘેલા પણ થોડા મહિનાઓ પહેલા સુધી કોંગ્રેસમાં જ હતા.

પટેલોએ ભાજપની ચિંતા વધારી દીધી છે, જે પાછલી ઘણીં ચૂંટણીઓમાં સાથે જોવા મળતા હતા તેમાં આ ચૂંટણીમાં ખટરાગ જોવા મળી રહ્યો છે. આ ચૂંટણીમાં પટેલો કોંગ્રેસ કેમ્પ તરફ જતા દેખાઈ રહ્યા છે. ચૂંટણી ટાણે હાર્દિક પટેલના કથિત સેકસ વીડિયોના કારણે તે નિશાના પર આવ્યો છે. પાટીદાર કેમ્પમાં હાર્દિકના સેકસ વીડિયોના કારણે ભાગલા જેવી સ્થિતિ સર્જાઈ છે. જેમાં કેટલાક પાટીદારો હાર્દિકની નિંદા કરી રહ્યા છે તો કેટલાક ભાજપ પણ કાવતરાનો આક્ષેપ કરી રહ્યા છે. હવે, ભાજપ રાજયમાં કોંગ્રેસની KHAM થિયરીને ધ્રુવીકરણથી ધૂળ ચટાડવાની કોશિશ કરી રહી છે. ધ્રુવીકરણના કારણે જાતિ પર ધર્મ ભારે પડી શકે છે.

(10:02 am IST)