Gujarati News

Gujarati News

News of Sunday, 17th October 2021

અયોધ્યાના રામમંદિરમાં સૂર્યના કિરણ સીધા ગર્ભગૃહમાં પહોંચશે :રામલલા અને આખા ગર્ભગૃહને પ્રકાશમાન કરશે

ગર્ભગૃહની ડિઝાઈન ઓરિસ્સાના સુપ્રસિધ્ધ કોણાર્ક મંદિર જેવી રાખવા માટે વિચારણા : રામનવમી પર ગર્ભગૃહને સૂર્યના કિરણો અજવાળે તે પ્રકારની ડિઝાઈન રાખવા માટે પ્રયત્ન

અયોધ્યામાં બની રહેલા રામ મંદિરના ગર્ભગૃહનુ નિર્માણ 2023 સુધીમાં પૂરૂ થાય તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

જાણકારોનુ કહેવુ છે કે, મંદિરના ગર્ભગૃહની ડિઝાઈન ઓરિસ્સાના સુપ્રસિધ્ધ કોણાર્ક મંદિર જેવી રાખવા માટે વિચારણા થઈ રહી છે. જેથી સૂર્યના કિરણ સીધા ગર્ભગૃહમાં રામલલાને અને આખા ગર્ભગૃહને પ્રકાશમાન કરે.

શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ન્યાસના સદસ્ય કામેશ્વર ચૌપાલે કહ્યુ હતુ કે, ભગવાન રામન મંદિરમાં દરેક રામનવમી પર ગર્ભગૃહને સૂર્યના કિરણો અજવાળે તે પ્રકારની ડિઝાઈન રાખવા માટે પ્રયત્ન થઈ રહ્યા છે. આ માટે વૈજ્ઞાનિકો, ખગોળ શાસ્ત્રીઓ અને બીજા ટેકનોલોજીના જાણકારો સાથે ચર્ચા ચાલી રહી છે.

તેમનુ કહેવુ છે કે, કોણાર્કનુ સૂર્ય મંદિર આ ટેકનીકનુ ઉદાહરણ છે. જેમાં મંદિરની અંદર સૂર્યના કિરણો પહોંચે છે. મંદિર નિર્માણ સાથે જોડાયેલા ટેકનોલોજીકલ પાસા અંગે વિચારણા કરવા માટેની સમિતિમાં આઈઆઈટીના અધ્યાપકોને પણ સમાવવામાં આવ્યા છે. મંદિરનુ નિર્માણ ઝડપથી ચાલી રહ્યુ છે. ડિસેમ્બર 2023 સુધીમાં ગર્ભ ગૃહનુ નિર્માણ પુરુ થઈ જશે અને લોકો દર્શન કરી શકશે. એ પછી મંદિરના બીજા હિસ્સાનુ કામ ચાલતુ રહેશે.

તેમણે કહ્યુ હતુ કે, મંદિર ભૂકંપની રીતે સંવેદનશીલ ગણાતા ઝોનમાં છે અને તે બાબત પર પણ વિચાર થઈ રહ્યો છે. 15 નવેમ્બરથી મંદિરના પિલ્લર ઉભા કરવાનુ કામ શરુ થશે અને 2022 એપ્રિલથી સ્તંભોની ઉપરનુ બાંધકામ પણ શરુ કરાશે.

મંદિરના નકશામાં કરાયેલા ફેરફાર પ્રમાણે મંદિર બે નહીં પણ ત્રણ માળનુ હશે. મંદિરની પ્લિન્થ 400 ફૂટ લાંબી અને 300 ફૂટ પહોળી છે. મંદિરમાં લાઈબ્રેરી, આર્કાઈવ્સ, ગૌશાળા, ટુરિસ્ટ સેન્ટર, યોગ કેન્દ્ર પણ બનાવવામાં આવશે.

(8:37 pm IST)