Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

ભારતના યાત્રી વિમાનનો એફ-૧૬ દ્વારા પીછો થયો

પાકિસ્તાની હરકતથી તંગદિલી વધવાના સંકેત : એક કલાક સુધી ભારતીય વિમાનને ઘેરી રાખવામાં આવ્યું

નવીદિલ્હી, તા. ૧૭ :  ભારતીય હવાઈ દળ દ્વારા બાલાકોટ એરસ્ટ્રાઇક અને કાશ્મીરમાંથી કલમ ૩૭૦ને દૂર કરવામાં આવ્યા બાદથી પાકિસ્તાન સંપૂર્ણપણે હચમચી ઉઠ્યું છે. તે ભારતની સામે સમગ્ર દુનિયામાં પ્રચાર ફેલાવવામાં વ્યસ્ત છે. અલબત્ત તેને સફળતા હાથ લાગી રહી નથી. બીજી બાજુ છેલ્લા મહિનામાં પાકિસ્તાને કેટલીક એવી હરકતો કરી હતી જેના કારણે બંને દેશો વચ્ચે તંગદિલી વધી ગઈ છે. પાકિસ્તાનના યુદ્ધવિમાને કાબૂલ તરફ જઈ રહેલા ભારતીય વિમાનને પોતાના એરસ્પેશમાં આશરે એક કલાક સુધી ઘેરીને રાખ્યું હતું. પાયલોટને ઉંચાઈ ઓછી રાખવા માટે પણ કહેવામાં આવ્યું હતું. સ્પાઇસ જેટની આ ફ્લાઇટને પાકિસ્તાનના એફ-૧૬ વિમાનોએ ઘેરી લીધું હતું. પાયલોટને ઉંચાઈ ઘટાડી દઇને તેની પાસેથી ફ્લાઇટની વિગતો માંગવામાં આવી હતી. આ ઘટના ૨૩મી સપ્ટેમ્બરના દિવસે થઇ હતી.

સ્પાઇસ જેટની એસજી-૨૧ ફ્લાઇટ દિલ્હીથી કાબૂલ ઉંડાણ પર હતી અને વિમાનમાં ૧૨૦ યાત્રીઓ હતા. આ ઘટના બની ત્યારે પાકિસ્તાની એરસ્પેશને ભારત માટે બંધ કરવામાં આવ્યું ન હતું. સુત્રોએ કહ્યું છે કે, ભારતીય વિમાનના પાયલોટને એફ-૧૬ વિમાનના પાયલોટને કહેવામાં આવ્યું છે કે, આ સ્પાઇસ જેટની કોમર્શિયલ ફ્લાઇટ છે અને આમા રહેલા યાત્રી કાબૂલ જઇ રહ્યા છે. જ્યારે પાકિસ્તાની યુદ્ધ વિમાનોએ ભારતીય વિમાનને ઘેરી લીધું ત્યારે એફ-૧૬ વિમાનને યાત્રીઓએ પણ નિહાળ્યું હતું. એક યાત્રીએ નામ જાહેર નહીં કરવાની શરતે કહ્યું છે કે, એફ-૧૬ વિમાનના પાયલોટે ઇશારાથી ભારતીય વિમાનના પાયલોટને વિમાનને નીચે લાવવા માટે કહ્યું હતું. સુત્રોના કહેવા મુજબ દરેક ફ્લાઇટ માટે એક કોડ હોય છે જેમ કે સ્પાઇસ જેટ વિમાન માટે એસજી કોડ હતું જેથી પાકિસ્તાની એટીસીને દુવિધા થઇ હતી અને સ્પાઇસ જેટને આઈએ સમજી લેવામાં આવ્યું હતું. ઇન્ડિયન આર્મીના વિમાન સમજીને તેનો પીછો કરવામાં આવ્યો હતો.

(9:40 pm IST)