Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો માર્ગ મોકળો થવાના એંધાણ

રામ જન્મભૂમિ- બાબરી મસ્જિદ વિવાદમાં નવો વળાંકઃ મુસ્લિમ પક્ષ દાવો છોડવા તૈયારઃ જો કે કેટલીક શરતોને આધીનઃ મધ્યસ્થતા પેનલનો રીપોર્ટઃ વકફ બોર્ડ વિવાદીત જમીનના સ્થાન પર બીજી જગ્યાએ મસ્જિદ નિર્માણ માટે રાજીઃ દાવો છોડવાના બદલામાં અયોધ્યામાં તમામ મસ્જિદોનું રીપેરીંગ કરવામાં આવેઃ જો કે ન્યાસ અને જમીયત ઉલેમા મધ્યસ્થતા પર રાજી નથી

નવી દિલ્હી, તા. ૧૭ :. રામ મંદિર-બાબરી મસ્જિદ જમીન વિવાદમાં સુપ્રીમ કોર્ટની સુનાવણી પુરી થયા બાદ નાટકીય મોડ આવ્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલ મધ્યસ્થતા પેનલે સુપ્રીમ કોર્ટને જણાવ્યુ છે કે, ૨.૭૭ એકરની જમીનની વહેંચણીના આ વિવાદમાં તે સમજુતી સુધી પહોંચી ચુકેલ છે. પેનલના જણાવ્યા પ્રમાણે મુસ્લિમ પક્ષ રામ મંદિર માટે કેટલીક શરતો સાથે પોતાનો દાવો છોડવા માટે તૈયાર છે.

સૂત્રોએ જણાવ્યુ છે કે સુન્ની વકફ બોર્ડ, નિર્વાણી અખાડા, નિર્મોહી અખાડાના એક પ્રતિનિધિ, હિન્દુ મહાસભા અને રામ જન્મ સ્થાન પુનરોધ્ધાર સમિતિએ સમજુતી પર હસ્તાક્ષર કર્યા છે. આ સેટલમેન્ટમાં મુસ્લિમ પક્ષે રામ મંદિરને ઉચિત સ્થાન આપવાના બદલામાં કેટલીક શરતોનો પણ ઉલ્લેખ કર્યો છે.

સેટલમેન્ટ અનુસાર મુસ્લિમ પક્ષની શરત છે કે ૧૯૯૧ના કાનૂનનો કડકાઈથી પાલનથી કરવામાં આવે. જે હેઠળ ૧૫ ઓગષ્ટ ૧૯૪૭થી જારી વ્યવસ્થા અનુસાર એ જગ્યા બધા માટે પ્રાર્થના સ્થળ તરીકે ઉપયોગમાં લેવામાં આવતી હતી. સાથોસાથ અયોધ્યામાં તમામ મસ્જિદનુ રીપેરીંગ અને ખાસ કરીને બીજા સ્થાન પર વકફ બોર્ડને મસ્જિદ નિર્માણ માટે જગ્યા આપવાની શરત રાખવામાં આવી હતી.

જો કે સમજુતી માટે થયેલી મધ્યસ્થતામાં વિવાદીત ભૂમિના બે મોટા દાવેદાર વિએચપી સમર્થિત રામ જન્મભૂમિ ન્યાસ અને રામલલ્લા બિરાજમાન અને જમીયત ઉલેમા સામેલ થયા ન હતા. સૂત્રોનુ કહેવુ છે કે મુસ્લિમ પક્ષોએ પોતાનો દાવો છોડી દીધો છે અને રામ મંદિર નિર્માણ માટે સહમતી આપી દીધી છે. ન્યાસ માટે આ સમજુતી દરેક પ્રકારે ફાયદાની વાત છે. સુપ્રીમ કોર્ટનો ફેંસલો પક્ષમાં આવે તો પણ તેને વધુમાં વધુ જમીન પર માલિકી હક્ક અને મંદિર નિર્માણનો અધિકાર મળી શકે છે.

સમજુતી માટે આ મુદ્દે સહમતી બની છે. (૧) ૨.૭૭ એકર વિવાદીત ભૂમિ પર મુસ્લિમ પક્ષ પોતાનો દાવો છોડશે. આના બદલામાં સરકાર અયોધ્યામાં બધી મસ્જિદોનું રીપેરીંગ કામ પુરૂ કરાવશે અને સુન્ની વકફ બોર્ડને મસ્જિદ માટે બીજી જગ્યા ફાળવશે. (૨) બોર્ડે દેશના તમામ ધાર્મિક સ્થળોની ૧૯૪૭થી પહેલાની સ્થિતિ જાળવી રાખવાના કાનૂનને લાગુ કરવાની માંગ કરી છે. ૧૯૯૧માં લાગુ ખાસ એકટ હેઠળ ધાર્મિક સ્થળોને બીજા સ્થળમાં પરિવર્તીત ન કરવામાં આવે. આ એકટ રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ વિવાદમાં લાગુ ન થાય. (૩) આર્કોયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડીયા મુસ્લિમોના પ્રાર્થના માટે કેટલીક મસ્જિદોને ખોલે અને કોર્ટ દ્વારા નિયુકત કમિટી અને મુસ્લિમ પક્ષો ફેંસલો કરે કે કઈ મસ્જિદોને ખોલવામા આવે.

મધ્યસ્થ પેનલનું કહેવુ છે કે જમીયત માટે પણ આ સેટલમેન્ટનો ઈન્કાર કરવો મુશ્કેલ બનશે. સુપ્રિમ કોર્ટ જો મુસ્લિમોના હીતમાં ફેંસલો આપે તો મસ્જિદ નિર્માણની જવાબદારી સુન્ની વકફ બોર્ડને મળશે. હવે વકફ બોર્ડ કાયદાની કલમ ૫૧ હેઠળ કહેવાયુ છે કે એકલી બંધારણીય સંસ્થાને સ્વરૂપમાં બોર્ડ જ પોતાના નિયંત્રણની જમીનના અધિગ્રહણની પરવાનગી આપી શકે છે તેથી મુસ્લિમ પક્ષ જીતે છતા બોર્ડ પોતાનો દાવો છોડી શકે છે.

૪૦ દિવસમાં શું-શું થયું ? કઇ - કઇ રજુઆતો થઇ ?

નવી દિલ્હી : અયોધ્યા  રામ જન્મભુમિ પર માલિકી હકક સાબિત કરવા માટે ૪૦ દિવસ ચાલેલી લાંબી સુનાવણીમાં હિંદુ અને મુસ્લિમ પક્ષોએ પોતાની લાંબી લાંબી દલીલો કરી હતી. સતત ૪૦ દિવસ ચાલેલી આ સુનાવણી પર જો એક નજર  નાખીએ તો હિંદુ પક્ષ તરફથી ભગવાન શ્રી રામ બિરાજમાનને આખી જમીનને જન્મભુમિ જાહેર કરીને માલિકી હકકો આપવાની માંગણી કરાઇ છે. તેમના તરફથી જન્મસ્થાને પણ એક અલગ પક્ષકાર બનાવાયા છે અને કેસમાં દાવો કરવામાં આવ્યો છે જન્મસ્થાન સ્વયં એક દેવતા છે અને તેને ન્યાયીક વ્યકિત માનવામાં આવે. જો કે કાયદામાં હિંદુ દેવતા (મુર્તિ)ને ન્યાયીક વ્યકિત ગણવામાં આવે છે અને તેને કોઇ જીવિત વ્યકિતને મળતા બધા અધિકારો મળે છે.

હિંદુ પક્ષે પોતાની દલીલોમાં એ પણ સાબીત કરવાની કોશીષ કરી કે ભગવાન રામના જન્મ બરાબર એ જગ્યાએ થયો હતો. જે વિવાદીત માળખામાં કેન્દ્રી ગુંબજની જગ્યા છે અને જયાં અત્યારે ભગવાન રામલલા બિરાજમાન છે. આ બાબતે હિંદુ પક્ષ તરફથી સ્કંદપુરાણ, વાલ્મીકી રામાયણ અને વિદેશી પ્રવાસીઓને વૃતાંતનો આધાર અપાયો હતો. હિંદુ પક્ષ તરફથી એ પણ દલીલ કરવામાં આવી હતી કે અયોધ્યામાં ઘણી બધી મસ્જીદો છે. મુસ્લિમો કયાંય પણ નમાજ અદા કરી શકે છે પણ જન્મસ્થળ ન બદલી શકાય.

હિંદુ પક્ષે એએસઆઇના રિપોર્ટ પર બહુ ભાર મુકયો જેમાં વિવાદીત ઢાંચાની નીચે ઉતરકાલીન મંદિર જેવી વિશાળ સંરચના હોવાની વાત કહેવાઇ છે. એવું પણ કહેવામાં આવ્યું કે વિવાદીપ ઢાંચામાં કળશ, કમળ અને દેવી દેવતાઓની મુર્તિઓ હતી. જેનાથી સાબિત થાય છે કે ત્યાં પહેલા મંદિર હતુ. જેને તોડીને મસ્જીદ બનાવાઇ હતી અને મંદિરની સામગ્રીનો મસ્જીદ બનાવવામાં ઉપયોગ કરાયો હતો. એવું પણ કહેવામાં આવ્યું કે આ બધી વસ્તુઓ મસ્જીદમાં નથી હોતી.

(3:15 pm IST)