Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

ભારતના રોકાણ મામલે શ્રીલંકામાં વિવાદ : રાષ્ટ્રપ્રમુખ અને પીએમ વચ્ચે બોલાચાલી !

ભારતીય રોકાણથી પોર્ટને વિકસિત કરવાના પ્રસ્તાવ બાબતે મતભેદ

શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ મૈત્રીપાલા સિરિસેના અને વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘે વચ્ચે કેબિનેટ બેઠક દરમિયાન બોલાચાલી થઈ હોવાના અહેવાલ છે. સૂત્રોને ટાંકીને કોલંબો ખાતેના ડેલી મિરર અખબારે અહેવાલમાં દાવો કર્યો છે કે રાષ્ટ્રપ્રમુખ સિરિસેના અને વડાપ્રધાન વિક્રમસિંઘે વચ્ચે વિવાદની સ્થિતિ કોલંબો પોર્ટ પર ઈસ્ટ કન્ટેનર ટર્મિનલમાં ભારતીય રોકાણને વિકસિત કરવાના મામલે પેદા થઈ હતી.શ્રીલંકાના પોર્ટ અને શિપિંગ પ્રધાન મહિંદા સમારાસિંઘેએ કેબિનેટમાં પ્રસ્તાવ મૂક્યો હતો કે ઈસ્ટ કન્ટેનર કોસ્ટને વિકસિત કરવાની જવાબદારી શ્રીલંકા પોર્ટ ઓથોરિટીને આપવામાં આવે.

  કેબિનેટ બેઠક દરમિયાન શ્રીલંકાના ડેવલોપમેન્ટ સ્ટ્રેટજી અને ઈન્ટરનેશનલ ટ્રેડ મિનિસ્ટર મલિક સમારાવિક્રમાએ ભારતીય રોકાણથી પોર્ટને વિકસિત કરવાની રજૂઆથ કરી હતી. વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘે દ્વારા વાણિજ્ય પ્રધાનનો પ્રસ્તાવ માનવાની તરફદારી કરી હતી. જેના કારણે સિરિસેના અને વિક્રમસિંઘે વચ્ચે વિવાદની સ્થિતિ પેદા થઈ હતી. વડાપ્રધાન વિક્રમસિંઘેના વલણ બાદ રાષ્ટ્રપ્રમુખ સિરિસેનાએ કોલંબો પોર્ટને સરકારને આધિન રાખવાની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું.

  સિરિસેનાની દલીલ હતી કે ભારતીય રોકાણને મંજૂરી આપવાથી શ્રીલંકાના પોર્ટ પર તેના સાર્વભૌમત્વને ખતરો પેદા થઈ શકે છે. આ પહેલા શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખે ચીનની કંપનીને હંબનટોટા પોર્ટ લીઝ પર આપવાનો વિરોધ પણ કર્યો હતો. જો કે રાષ્ટ્રપ્રમુખે કહ્યુ છે કે તાજેતરમાં જ બિમ્સટેક સંમેલન દરમિયાન કોલંબો પોર્ટને વિકસિત કરવાના મામલામાં તેમની ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત થઈ હતી.

(8:38 pm IST)