Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

PNB કૌભાંડ : ચોક્સી અને અન્યોની જંગી સંપત્તિ કબજે

ઇડીની કાર્યવાહીથી કોર્પોરેટ જગતમાં ખળભળાટ : ઇડી દ્વારા ૨.૧૮ અબજ રૂપિયાની સંપત્તિ જપ્ત : હાલમાં કાર્યવાહીનો દોર યથાવતરીતે જારી રહે તેવા સાફ સંકેતો

નવી દિલ્હી, તા. ૧૭ : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આજે જોરદાર કાર્યવાહી કરી હતી જેના ભાગરુપે આશરે ૧૩૦ અબજ રૂપિયાના લોન ફ્રોડ કેસમાં ચાલી રહેલી તપાસના સંદર્ભમાં ૨.૧૮ અબજ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી. પીએનબી કૌભાંડના સંદર્ભમાં ફરાર થયેલા મેહુલ ચોક્સી અને અન્યોની ૨.૧૮ અબજ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. આની સાથે જ જપ્ત કરવામાં આવેલી કુલ સંપત્તિની કિંમત સતત વધી રહી છે. ભારત અને વિદેશમાં સંપત્તિ જપ્ત કરવા માટે મુંબઈમાં કેન્દ્રીય તપાસ સંસ્થાની ઝોનલ ઓફિસ દ્વારા જારી કરવામાં આવેલા આદેશ મુજબ આ કાર્યવાહી કરવામાં આવી છે. પ્રવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ આ તપાસના આદેશ કરવામાં આવ્યા હતા. આ સંપત્તિના લાભ મેળવનારને પમ હાલ બાઝ નજર હેઠળ રાખવામાં આવ્યા છે. ફરાર થયેલા ડાયમંડ જ્વેલર મેહુલ ચોક્સી, તેમના નજીકના સાથી મિહિર ભણસાલી અને આ કેસમાં મુખ્ય આરોપીના અમેરિકા સ્થિત કારોબારી ઉપર સકંજો જમાવવામાં આવ્યો છે. નિરવ મોદી, એપી જેમ્સ એન્ડ જ્વેલરી પાર્ક સામે પણ તપાસ ચાલી રહી છે. હજુ સુધી જપ્ત કરવામાં આવેલી સંપત્તિનો આંકડો ૨.૧૮ અબજ રૂપિયાનો રહ્યો છે. પીએનબી કૌભાંડના મામલામાં એક પછી એક વિગત પાટી ઉપર આવી રહી છે. આ મામલામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની સાથે સાથે સીબીઆઈ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, નિરવ મોદી અને મેહુલ ચોક્સીએ મુંબઈમાં પંજાબ નેશનલ બેંકની બ્રેડી હાઉસ શાખામાંથી છેતરપિંડી આચરી હતી. ૧૩૦ અબજ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. બેંકના અધિકારીઓ અને બેંકના કર્મચારીઓને સાથે રાખીને આ મોટાપાયે છેતરપિંડી કરવામાં આવી હતી. ચોક્સી હાલમાં કેરેબિયન દેશ એન્ટીગુવા અને બર્મુડામાં હોવાનું જાણવા મળી રહ્યું છે. ઇન્ટરપોલે આ કેસના સંદર્ભમાં હાલમાં જ ભણસાલી સામે રેડકોર્નર નોટિસ જારી કરી હતી. પંજાબ નેશનલ બેંક કૌભાંડના લીધે દેશભરમાં બેંકિંગ ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો હતો. કોર્પોરેટ હાઉસમાં આની ચર્ચા જોવા મળી હતી. મેહુલ ચોક્સી અને નિરવ મોદી સામે ગંભીર પ્રકારના આક્ષેપો થયા બાદ આ બંને ફરાર છે અને વિદેશમાં છુપાયેલા છે. તેમને ભારત લાવવા માટેના પ્રયાસો હજુ સુધી સફળ રહ્યા નથી.પીએનબી કૌભાંડના કારણે બેંકિંગ ક્ષેત્રમાં પણ સામાન્ય લોકો વિશ્વાસ ઉઠ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કઠોર કાર્યવાહીનો દોર છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે. આજે પણ આ દોર જારી રહ્યો હતો.

(7:54 pm IST)